Thu Jul 23 2026

Logo

ચૈતર વસાવાની પત્નિને મળ્યા જામીન, ચૈતરનું શું થયું ?

2026-07-23 11:19:00
Author: Mayur Patel
Article Image

અમદાવાદઃ ચૈતર વસાવાની પત્નિને કોર્ટમાંથી જામીન મળ્યા હતા. જ્યારે ચૈતરને રાહત મળી નહોતી. ગુજરાત હાઈ કોર્ટે 2023ના વન વિભાગના અધિકારી પર આમ આદમી પાર્ટીના નેતા અને ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના પત્ની શકુંતલા વસાવા સહિત 5 દોષિતોના જામીન મંજૂર કર્યા હતા.  નર્મદાની અદાલતે ચૈતર વસાવા અને તેમના પત્નિ સહિત નવ આરોપીઓને સાત વર્ષની કેદની સજા ફટકાર્યાના અઠવાડિયા બાદ આ રાહત મળી હતી.

શું હતો સમગ્ર મામલો

2023માં વન વિભાગના અધિકારીઓએ સરકારી વન જમીન પર દબાણ કરીને ઉગાડવામાં આવેલા કપાસનો પાક દૂર કર્યો હતો અને જપ્ત કરાયેલી ઉપજની હરાજી કરી હતી. એફ.આઈ.આર.માં આક્ષેપ કરવામાં આવ્યો હતો કે, ચૈતર વસાવાએ જમીન વિવાદ અંગે વન વિભાગના અધિકારીને પોતાના નિવાસસ્થાને બોલાવ્યા હતા, તેમની સાથે મારપીટ કરી, ધમકી આપી હતી અને વળતર પેટે રૂ. 60 હજારની માંગણી કરી હતી. 

હવામાં એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું

તપાસકર્તાઓએ વધુમાં દાવો કર્યો હતો કે ધારાસભ્યએ અધિકારીઓ સાથે ગાળાગાળી કરી હતી, તેમના હાથ-પગ ભાંગી નાખવાની ધમકી આપી હતી, પોતાના નિર્માણધીન મકાનમાંથી રિવોલ્વર મંગાવીને હવામાં એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. ફરિયાદમાં એવો પણ આક્ષેપ કરાયો હતો કે વન કર્મચારીઓને ધમકાવીને એટીએમમાંથી નાણાં ઉપાડીને એક ખેડૂતને સોંપવા માટે મજબૂર કરવામાં આવ્યા હતા.

નર્મદાની ટ્રાયલ કોર્ટે ફટકારી હતી સજા

નર્મદાની ટ્રાયલ કોર્ટે 23 જૂને પોતાનો ચુકાદો આપતાં ગેરકાયદે મંડળી રચવી, સરકારી કર્મચારીની ફરજમાં રુકાવટ ઊભી કરવી, ગુનાહિત ધાકધમકી આપવી અને જબરદસ્તીથી પૈસા પડાવવા સહિતની વિવિધ કલમો તેમજ આર્મ્સ એક્ટની કલમ 25 હેઠળ ચૈતર વસાવા અને શકુંતલા વસાવા સહિત તમામ નવ આરોપીઓને દોષિત ઠેરવ્યા હતા. અદાલતે દરેકને સાત વર્ષની કેદની સજા અને રૂ. 25,000નો દંડ ફટકાર્યો હતો.

હાઈ કોર્ટે શું કહ્યું

સજા સંભળાવ્યા બાદ શકુંતલા વસાવા અને અન્ય ચાર દોષિતોએ સજા મોકૂફ રાખવા અને અપીલ પેન્ડિંગ હોવાથી જામીન મેળવવા માટે ગુજરાત હાઈ કોર્ટમાં અરજી કરી હતી. આ મામલે સુનાવણી હાથ ધર્યા બાદ હાઈ કોર્ટે શકુંતલા વસાવા, રમેશ વસાવા, મરિયમ વસાવા, બલીરામ વસાવા અને મોગરાબેન વસાવાને જામીન મંજૂર કર્યા હતા. રાહત આપતાં હાઈ કોર્ટે નોંધ્યું હતું કે આ 5 અપીલકર્તાઓ ઘટનામાં મુખ્ય આરોપી ન હતા અને તેમની સામે કોઈને ઈજા પહોંચાડવાનો આક્ષેપ નહોતો. જેમના પર ફાયરિંગ કરવાનો અને ધમકી આપવાનો આક્ષેપ છે તે ચૈતર વસાવાને આ આદેશમાં જામીન આપવામાં આવ્યા નથી.