Fri May 29 2026

Logo

મહારાષ્ટ્રના રાજકારણમાં નવાજૂનીના એંધાણ, શાહ અને ફડનવીસ વચ્ચે દિલ્હીમાં ખાસ બેઠક

2026-05-29 10:03:00
Author: Mumbai Samachar Team
Article Image

નવી દિલ્હીઃ મહારાષ્ટ્રના રાજકારણમાં કંઈક નવા જુની થવાના એંધાણ વર્તાય રહ્યા છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસે નવી દિલ્હીમાં કેન્દ્રીય મંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. 35 મિનિટ સુધી યથાવત રહેલી આ બેઠકમાં અનેક મુદ્દાઓ પર વાતચીત થઈ હોવાનું માનવામાં આવે છે. મહારાષ્ટ્રમાં રાજકીય હિલચાલ વચ્ચે આ મુલાકાતને રાજકારણના ચશ્મામાંથી જોવામાં આવે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર એનસીપી એવું ઈચ્છે છે કે, જે મંત્રાલયની જવાબદારી અજીત પવાર પાસે હતી એ જ મંત્રાલયની જવાબદારી એનસીપીને મળવી જ જોઈએ.

મુદ્દો અહીં આવીને અટક્યો
હવે ભારતીય જનતા પાર્ટીએ અજીત પવાર પાસે જે મંત્રાલયની જવાબદારી હતી એ સુનેત્રા પવારને સોંપી છે. મુદ્દો નાણા મંત્રાલય પર આવીને અટક્યો છે. સુનેત્રા પવાર એવું ઈચ્છે છે કે, નાણામંત્રાલય એમની જ પાર્ટી પાસે રહે, આ માટે દેવેન્દ્ર ફડનવીસે અમિત શાહ સાથે ખાસ મુલાકાત કરી હતી. એવું માનવામાં આવે છે. મહાયુતી સરકારમાં આ વિવાદ એ સમયે સપાટી પર આવ્યો જ્યારે એનસીપીની કમાન સંભાળી રહેલા સુનેત્રા પવારે નાણા મંત્રાલયને લઈને પોતાની નારાજગી વ્યક્ત કરી. મહારાષ્ટ્ર રાજ્યનું સૌથી મોટું અને મહત્ત્વનું મંત્રાલય નાણા વિભાગ એનસીપી પાસે રહેવું જોઈએ. આ બાકીના ત્રણેય વિભાગની જવાબદારીમાં હાલ સુનેત્રા પવાર છે જ.

એનસીપીમાં આક્રોશ ફેલાયો
શરૂઆતના તબક્કામાં, ભાજપે આ સમગ્ર મામલામાં ખૂબ જ સતર્ક અને મક્કમ વલણ અપનાવ્યું. રાજ્યકક્ષાના સ્તરે નિર્ણય લેવાને બદલે, મહારાષ્ટ્ર ભાજપના નેતાઓએ અસરકારક રીતે બોલ સીધો દિલ્હીના પરિસરમાં નાંખી દીધો. ભાજપે એનસીપી નેતૃત્વ સમક્ષ એક ચોક્કસ શરત મૂકી. જો તેઓ નાણાં મંત્રાલયનો પોર્ટફોલિયો માંગે છે, તો તેમણે રાજ્ય સ્તરના નેતાઓને બાયપાસ કરીને સીધા "દિલ્હી દરબાર"નો સંપર્ક કરવો જોઈએ. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને કેન્દ્રીય નેતૃત્વ સાથે ચર્ચામાં જોડાવવું જોઈએ. આ દિલ્હી વાળી શરતને લઈને એનસીપીમાં આક્રોશ છે અને ભાજપના આ વલણથી કેટલાક મોટા નેતાઓ પણ નારાજ છે. એનસીપીમાં એવો મેસેજ ગયો છે કે, ભાજપ જાણી જોઈને એનસીપીને નીચું દેખાડવાના અને રાજકીય સ્વાભિમાનને ઠેસ પહોંચાડવા માટે પ્રયાસ કરે છે. 

દિલ્હી મુલાકાતની અસર
અમિત શાહ અને ફડણવીસ વચ્ચે થયેલી સર્વસંમતિ બાદ, એ સ્પષ્ટ થઈ ગયું છે કે, મહાયુતિ સરકારમાં સુનેત્રા પવારના પ્રભાવ અને રાજકીય કદમાં નોંધપાત્ર વધારો થવાની શક્યતાઓ મોટી છે. નાણાં મંત્રાલય જેવા ભારે પોર્ટફોલિયોને સુરક્ષિત કરવાથી NCPનો ખોવાયેલો વિશ્વાસ પુનઃસ્થાપિત થશે જ, પરંતુ બજેટ બાબતો અને સરકારમાં વિકાસ પહેલ પર તેમની પકડ પણ મજબૂત થશે. જોકે, આ નિર્ણય અંગે સત્તાવાર જાહેરાત આગામી થોડા દિવસોમાં, આગામી કેબિનેટ વિસ્તરણ અથવા ફેરબદલ દરમિયાન કરવામાં આવે તેવી અપેક્ષા છે. હાલ પૂરતું, દિલ્હીમાં થયેલી આ બેઠકથી મહારાષ્ટ્ર સરકાર પર છવાયેલા રાજકીય સંકટના વાદળો અસ્થાયી રૂપે દૂર થઈ ગયા છે. ખાસ કરીને નાણામંત્રાલયને અટકેલો મુદ્દો ઉકેલાઈ જતા સહી સલામત હોવાનું જાણવા મળી રહ્યું છે.