Fri Aug 28 2026

Logo

થાણેમાં ૫૦ વર્ષ જૂની બિલ્ડિંગનો સ્લેબ તૂટી પડયો: કોઈ જખમી નહી

2026-05-31 17:20:18
Author: Sapna Desai
થાણેમાં ૫૦ વર્ષ જૂની બિલ્ડિંગનો સ્લેબ તૂટી પડયો: કોઈ જખમી નહી

(અમારા પ્રતિનિધિ તરફથી)
થાણે:
થાણે પશ્ર્ચિમમાં શનિવારે મોડી રાતે ગ્રાઉન્ડ પ્લસ બે માળની બિલ્િંડગના પહેલા માળાની ગૅલેરીના છજ્જાનો ભાગ તૂટી પડ્યો હતો અને બાકીનો ભાગ જોખમી હાલતમાં લટકી રહ્યો હતો. સદ્નસીબે આ દુર્ઘટનામાં કોઈ જખમી થયું નહોતું.

થાણે ડિઝાસ્ટર કંટ્રોલના જણાવ્યા મુજબ થાણેના વાગલે એસ્ટેટમાં કિસન નગર-ત્રણમાં શિવ ટેકડી નજીક શિવ મંદિર પાસે ગ્રાઉન્ડ પ્લસ બે માળની સુયોગ નિવાસ ઈમારત આવેલી છે. શનિવારે મોડી રાતના પોણા બાર વાગ્યાની આસપાસ બિલ્િંડગના પહેલા માળની ગૅલેરીનો છજ્જાનો અમુક ભાગ તૂટી પડયો હતો અને બાકીનો ભાગ જોખમી હાલતમાં રહ્યો હતો.

ઘટના સ્થળે ફાયરબ્રિગેડ સહિત પોલીસ પહોંચી ગઈ હતી અને બચાવ કામગીરી હાથ ધરી હતી. થાણે પાલિકાના અધિકારીના જણાવ્યા મુજબ આ બિલ્ડિંગ લગભગ ૪૦થી ૫૦ વર્ષ  જૂની છે. તેમ જ સીટુબી શ્રેણી (મધ્યમ સ્વરૂપની જોખમી)માં આવે છે. આ બિલ્િંડગમાં કુલ પાંચ ઘર આવેલા છે, જેમાં લગભગ ૨૦થી ૨૫ રહેવાસીઓ રહે છે.

ફાયરબ્રિગેડે પહેલા માળા પર જોખમી હાલતમાં લટકી રહેલા છજ્જાનો ભાગ  તોડી પાડયો હતો. આ દરમ્યાન સુરક્ષાની દ્દષ્ટિએ આ બિલ્િંડગને તાત્પૂરતા સમય માટે પૂર્ણ રીતે ખાલી કરાવી દેવામાં આવી હતી. રહેવાસીઓએ તેમના રહેવાની વ્યવસ્થા જાતે જ કરી હતી.