Sat Sep 12 2026

Logo

કચ્છની વિશ્વપ્રસિદ્ધ 'અજરખ' હસ્તકળાનો વાર્ષિક કારોબાર રૂ.૬૦ કરોડ પર પહોંચ્યો: જીઆઇ ટેગ અને બ્રાન્ડિંગથી નિકાસમાં મજબૂત ઉછાળો

2026-08-28 12:00:00
Author: Mumbai Samachar Team
કચ્છની વિશ્વપ્રસિદ્ધ 'અજરખ' હસ્તકળાનો વાર્ષિક કારોબાર રૂ.૬૦ કરોડ પર પહોંચ્યો: જીઆઇ ટેગ અને બ્રાન્ડિંગથી નિકાસમાં મજબૂત ઉછાળો

ભુજ: ભાતીગળ પ્રદેશ કચ્છની ઓળખ તેના રણ જેવા જ રંગીન કાપડ અને સમૃદ્ધ હસ્તકળાના વારસાથી થાય છે. 'આર્કિટેક્ચરલ ડાયજેસ્ટ' સહિતના વૈશ્વિક મંચો પર સ્થાન પામેલી કચ્છની મુખ્ય વસ્ત્રકળા અજરખ, બાંધણી અને બાટિક સદીઓથી ખત્રી સમાજ અને સ્થાનિક કારીગર સમુદાયો દ્વારા જીવંત રાખવામાં આવી છે. આ પરંપરાગત કળાઓમાં ખાસ કરીને વિશ્વપ્રસિદ્ધ 'અજરખ' પ્રિન્ટ આજે માત્ર એક હસ્તકળા ન રહેતાં કરોડો રૂપિયાના વિશાળ ઉદ્યોગમાં પરિવર્તિત થઈ ચૂકી છે.

અજરખનું નામ સંસ્કૃત શબ્દ 'અ-ઝરત' (જે ક્યારેય ઝાંખું ન પડે) અને અરબી શબ્દ 'અઝરક' (વાદળી રંગ) પરથી ઉતરી આવ્યું હોવાનું મનાય છે. તેના પ્રાચીન મૂળ સિંધુ ખીણની સભ્યતા અને મોહેંજોદડોના 'પ્રિસ્ટ કિંગ'ના વસ્ત્રો સુધી વિસ્તરેલા છે. ઇજિપ્તના ફુસ્તાતમાં ૧૦મી સદીના મળેલા કાપડ પણ કચ્છના અજરખ હોવાનું ગણાય છે. મુખ્યત્વે ભુજ પાસેના અજરખપુર અને ધમાડકા ગામમાં આ કળા ખત્રી પરિવારો દ્વારા જાળવી રખાઈ છે.

અજરખની નિર્માણ પ્રક્રિયા ૧૪ થી ૧૬ જટિલ તબક્કાઓમાંથી પસાર થાય છે. કાપડને હરડાથી તૈયાર કરવું, ચૂના-ગુંદરથી રેઝિસ્ટ પ્રિન્ટિંગ કરવું અને ગળી (વાદળી), મજીઠ (લાલ), કાટવાળા લોખંડ (કાળો) તથા હળદર (પીળો) જેવા કુદરતી રંગોનો ઉપયોગ કરીને કાપડની બંને બાજુ એક જ ડિઝાઇનનું સંપૂર્ણ મેળ સાથે છાપકામ કરવું તેની મુખ્ય ખાસિયત છે. એક મીટર કાપડ તૈયાર કરવામાં ૧૩ લિટર પાણી, ૨૦ થી ૬૦ કલાકની મહેનત અને આશરે ત્રણ અઠવાડિયાં જેટલો સમય લાગે છે. વર્ષ ૨૦૨૩માં અજરખને જીઆઈ ટેગ મળ્યો છે, જે નકલી કેમિકલ પ્રિન્ટથી અસલી કળાને અલગ ઓળખ આપે છે.

સ્થાનિક કો-ઓપરેટિવ અને આર્ટિસન ક્લસ્ટરના તાજેતરના ડેટા અનુસાર, અજરખપુર અને ધમાડકામાં ૩,૦૦૦ થી ૪,૦૦૦ જેટલા કારીગરો પ્રત્યક્ષ અને ૧૦,૦૦૦ થી વધુ લોકો પરોક્ષ રીતે આ ક્ષેત્ર સાથે જોડાયેલા છે. હાલ માત્ર કચ્છ આધારિત અજરખ પ્રોડક્ટ્સનો વાર્ષિક કારોબાર રૂ.૫૦ થી રૂ.૬૦ કરોડ આસપાસ પહોંચી ગયો છે.

અગાઉ એક અભ્યાસમાં આ ટર્નઓવર રૂ ૨૦ કરોડ અંદાજવામાં આવ્યું હતું. પરંતુ છેલ્લા દાયકામાં નિકાસમાં થયેલો ૩૦ થી ૪૦ ટકાનો વધારો, જીઆઇ ટેગનું રક્ષણ, ઈ-કોમર્સ પ્લેટફોર્મ્સ અને અનિતા ડોંગરે તથા સબ્યસાચી જેવી દેશની દિગ્ગજ ફેશન બ્રાન્ડ્સ સાથેના કોલેબોરેશનના કારણે આ કારોબારમાં અભૂતપૂર્વ ઉછાળો આવ્યો છે.

આ ક્ષેત્રના વ્યવસાય સાથે જોડાયેલા એક સામાન્ય ખત્રી યુનિટનું વાર્ષિક ટર્નઓવર રૂ.૫૦ લાખથી રૂ.૧ કરોડ જેટલું રહે છે. ઉદાહરણ તરીકે, અજરખપુરના યુવા ડિઝાઇનર મુબસિરા ખાલિદ ખત્રીનો પરિવાર હોલસેલ ક્ષેત્રે પ્રતિ માસ રૂ.૨૦ લાખનું વેચાણ કરે છે. ૨.૫ મીટરનો એક અજરખ દુપટ્ટો બનાવવાનો સરેરાશ ખર્ચ રૂ. ૨,૦૦૦ થી રૂ.૨,૫૦૦ થાય છે, જે બજારમાં રૂ.૩,૦૦૦ થી રૂ.૭,૦૦૦ની કિંમતે વેચાય છે. આ શ્રમસાધ્ય કળામાં ચોખ્ખો નફો સમય અને મહેનતના આધારે ગણવામાં આવે છે.

અજરખની સાથોસાથ કચ્છની બાંધણી પણ પ્રાચીન કળા છે, જેના પુરાવા અજંતાની ગુફાઓ અને ૨૦૦૦ બી.સીના મોહેંજોદડોના અવશેષોમાં મળે છે. ભુજોડીના કારીગરો બારીક દોરાની ગાંઠ બાંધીને (ટાઈ એન્ડ ડાઈ) લાલ (ખુશી) અને પીળા રંગથી સુંદર વસ્ત્રો તૈયાર કરે છે. બીજી તરફ, બાટિક એ મૂળ ઇન્ડોનેશિયન મીણ આધારિત કલા છે, જેને કચ્છના કારીગરોએ અપનાવીને મીણથી અનોખી તિરાડવાળી પેટર્ન દ્વારા વિશ્વભરમાં ખ્યાતિ અપાવી છે.

આ ત્રણેય કાપડ કળા આજે 'સ્લો ફેશન' અને સસ્ટેનેબલ ફેશનના વૈશ્વિક પ્રતીક બની ચૂક્યા છે, જે કચ્છના માલધારી સમુદાયના પરંપરાગત પોશાકથી લઈને આંતરરાષ્ટ્રીય ફેશન રેમ્પ પર આધુનિક ડિઝાઇનર વસ્ત્રો સુધી ચમકી રહ્યા છે.

ઉત્સવ વૈદ્ય