કાઠમંડુઃ નેપાળમાં આવેલા પૂર વચ્ચે અત્યારે રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે, જ્યાં સૌથી મોટો હાઈડ્રોપાવર ટનલમાંથી સેંકડો લોકોને બચાવવામાં આવ્યા છે. રાસુવામાં નેપાળી સેના દ્વારા અપર ત્રિશૂલી હાઈડ્રોપાવરની ટનલમાં ફસાયેલા 350થી પણ વધુ મજૂરો અને સ્થાનિક લોકોને બચાવી લીધા હોવાનું જાણવા મળ્યું છે. મહત્વની વાત એ છે કે, આ 350 લોકોમાં ભારતીય નાગરિકો પણ સામેલ છે. ખરાબ મોસમ અને પૂર વચ્ચે પણ નેપાળી સેના દ્વારા બચાવકાર્ય કરવામાં આવી રહ્યું છે.
350 લોકોમાં ભારતીય નાગરિકો પણ સામેલ
નેપાળી સેનાના જણાવ્યાં પ્રમાણે આ ટનલમાં ફસાયેલા 350 લોકોને તો બચાવી લેવામાં આવ્યાં છે, જ્યારે હજી પણ 100થી વધુ લોકો અંદર ફસાયેલા છે. આ લોકોને પણ સુરક્ષિત રીતે બહાર કાઢવાની કામગીરી ચાલી રહી છે. ત્રિશુલી સ્થિત નંબર એક સેકન્ડ મૂવમેન્ટ ટેક્ટિકલ હેડક્વાર્ટરના વોરન્ટ ઓફિસર ભક્તજન બસનેટ આ ઓપરેશનનું નેતૃત્વ કરી રહ્યા છે, વિકટ સ્થિતિમાં પણ બચાવકાર્ય ચાલી રહ્યું હોવાથી લોકોમાં ચિંતા ઘટી છે.
નેપાળી સેનાએ કુસ 883 લોકોનું રેસ્ક્યુ કર્યું
આ સાથે અન્ય જગ્યાએ પણ બચાવકાર્ય ચાલી રહ્યું છે. સ્યાફ્રુબેસી, તૈમુર, મેઈલંગ, થુલો હકુ અને હકુબેસી જેવા અતિસંવેદનશીલ વિસ્તારોમાંથી પણ નેપાળી સેનાએ 533 લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢી લીધા છે. એટલે કુલ મળીને નેપાળી સેનાએ 883 લોકોને સુરક્ષિત જગ્યાએ પહોંચાડી દીધા છે. હજી પણ અનેક લોકો ભસાયેલા હોવાથી રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે.
વધુ એક બાંધ તૂટ્યો હોવાથી નેપાળમાં એલર્ટ
નેપાળમાં હજી પૂરનો ખતરો પૂર્ણ નથી થયો, હજી પણ તિબેટમાં એક બાંધ તૂટ્યો હોવાથી નેપાળમાં એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. આ સાથે ભોટે કોશી નદીમાં પાણીનું સ્તર વધવાનું જોખમ ફરી વધ્યું છે. તિબેટ બાજુએ બંધ તૂટવાના અહેવાલો બાદ આ ચેતવણી જારી કરવામાં આવી અને સુરક્ષાકર્મીઓ સાથે લોકોને ઘટનાસ્થળથી એક કિલોમિટર દૂર સુરક્ષિત જગ્યાએ જવા માટે આદેશ આપવામાં આવ્યો છે.
રાસુવા અને નુવાકોટ માટે હાઇ એલર્ટ જાહેર
ખાસ કરીને વાત કરવામાં આવે તો, રાસુવા અને નુવાકોટ માટે હાઇ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. નીચાણવાળા વિસ્તારોના રહેવાસીઓને સલામત સ્થળોએ જવા માટે તૈયાર રહેવાની સલાહ આપવામાં આવી છે. બિદુર અને ત્રિશુલી બજાર નજીક મૂકવામાં આવેલા બચાવ સાધનોને પણ સુરક્ષિત વિસ્તારોમાં ખસેડવામાં આવ્યા છે. અત્યારે ઉપરના ભાગમાં અવરોધ બનેલા તળાવો અને અસ્થિર જળાશયો પર ખાસ નજર રાખવામાં આવી રહી છે. અધિકારીઓએ લોકોને નદીની ખીણો અને સંવેદનશીલ રસ્તાઓની મુલાકાત લેવાનું ટાળવા વિનંતી કરી છે.