Sat Sep 05 2026

Logo

નેપાળમાં પૂરે લીધો સેંકડોનો ભોગ! કઈ નદીઓ લાવે છે આટલી તબાહી અને ભારતમાં ક્યાં પ્રવેશે છે? સમજો નદીઓનું નેટવર્ક...

Kathmandu   2026-08-28 14:24:00
Author: Darshana Visaria
નેપાળમાં પૂરે લીધો સેંકડોનો ભોગ! કઈ નદીઓ લાવે છે આટલી તબાહી અને ભારતમાં ક્યાં પ્રવેશે છે? સમજો નદીઓનું નેટવર્ક...

નેપાળમાં આવેલા ભીષણ પૂર અને ભૂસ્ખલને ભયાનક વિનાશ વેર્યો છે. નેપાળ પોલીસે શુક્રવારે સત્તાવાર આંકડા જાહેર કરતાં પુષ્ટિ કરી છે કે આ કુદરતી આપત્તિમાં મૃત્યુઆંક વધીને 469 પર પહોંચી ગયો છે. હિમાલયના ઊંચા શિખરોમાંથી નીકળતી અને સાંકડી ખીણોમાંથી ધસમસતી નદીઓ ક્ષણભરમાં ગામડાં, બજારો અને હાઈડ્રોપાવર પ્રોજેક્ટ્સને તાણી જાય છે.

આ નદીઓ માત્ર નેપાળ પૂરતી સીમિત નથી રહેતી, પરંતુ હિમાલય વટાવીને ભારતમાં પ્રવેશે છે અને ગંગા નદી તંત્રની મુખ્ય સહાયક નદીઓ બને છે. આવો જાણીએ નેપાળમાં જળપ્રલય સર્જતી મુખ્ય નદી પ્રણાલીઓ અને ભારતમાં તેમના પ્રવેશની ભૌગોલિક સફર વિશે...

કોશી નદી પ્રણાલી (પૂર્વીય નેપાળ):
આ કોઈ એક નદી નથી પરંતુ ભોટે કોશી, સુન કોશી, અરૂણ અને તમુર સહિતની સાત હિમાલયન નદીઓનો વિશાળ સંગમ છે. કેવી રીતે આવે છે પૂર? પૂર્વીય નેપાળના સંખુવાસભા, ઓખલડુંગા અને સિંધુપાલ્ચોક જેવા પહાડી જિલ્લાઓમાં વાદળ ફાટવાથી કે ભૂસ્ખલનના કાટમાળથી નદી રોકાઈ જતાં ડેમ બને છે, જે તૂટતાં જ નીચેના વિસ્તારોમાં વિનાશ વહે છે. નેપાળના પહાડોમાંથી નીકળી આ નદી બિહારના મેદાનોમાં કોશી નદી તરીકે પ્રવેશે છે, જેને બિહારના શોક તરીકે પણ ઓળખવામાં આવે છે.

ગંડકી / નારાયણી નદી પ્રણાલી (મધ્ય નેપાળ):
મુખ્ય નદીઓ: આ નેટવર્કમાં ત્રિશૂલી, બૂઢી ગંડકી અને ભોટે કોશી જેવી નદીઓ સામેલ છે, જે રસૂવા, નુવાકોટ અને ધાદિંગ જેવા ઢોળાવવાળા વિસ્તારોમાંથી વહે છે. તિબેટ-નેપાળ બોર્ડર પર ગ્લેશિયર તૂટવાના કારણે લેન્દે ખોલા અને ભોટે કોશી નદીઓનું જળસ્તર માત્ર અડધા કલાકમાં 9 મીટર વધી ગયું હતું, જેણે ટિમુરે અને બત્રાવતી જેવા નગરોને જળમગ્ન કરી દીધા હતા. ચિતવન પાસે આ નદી 'નારાયણી' કહેવાય છે અને ત્યારબાદ ઉત્તર પ્રદેશ-બિહાર ક્ષેત્રમાં ગંડક નદી તરીકે ભારતમાં પ્રવેશે છે.

કરનાલી નદી પ્રણાલી (પશ્ચિમી નેપાળ):
નેપાળની સૌથી લાંબી નદી એવી કરનાલી નદી અને તેની સહાયક નદીઓ સેતી તથા ભેરી પશ્ચિમ નેપાળની અત્યંત ઊંડી ખીણોમાંથી વહે છે. હુમલા, જુમલા અને કાલિકોટ જિલ્લામાં ભારે વરસાદ સમયે સાંકડી ખીણોમાંથી પાણીનું પ્રચંડ વહેણ નીચે ધસી આવે છે. કરનાલી નદી ભારતના ઉત્તર પ્રદેશમાં પ્રવેશતાં ઘાઘરા નદી તરીકે ઓળખાય છે, જે આગળ જતાં સરયૂ નદી સાથે ભળી જાય છે.