કાઠમંડુઃ નેપાળ અને તિબેટ સરહદે આવેલી કુદરતી હોનારત વચ્ચે એક અત્યંત શરમજનક અને સંવેદનાહીન ઘટના પ્રકાશમાં આવી છે. નારાયણી નદીના પ્રચંડ પૂરમાં તણાઈને આવેલી એક મૃતક મહિલાના મૃતદેહમાંથી સોનાના દાગીના ચોરી કરવા બદલ નેપાળ પોલીસે બે શખસોની ધરપકડ કરી છે. આ ઘટનાનો 41 સેકન્ડનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં લોકોમાં ભારે આક્રોશ ફેલાયો હતો.
વીડિયો વાયરલ થતાં નેપાળ પોલીસે કરી કાર્યવાહી
વાયરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે બે શખસો લાકડાના પાટિયા અને મૃતક મહિલાના વાળ પકડીને તેના શવને નદીના પાણીમાંથી બહાર ખેંચી રહ્યા છે. ત્યારબાદ તેઓ કોઈ પણ માનવતા વગર મહિલાના બંને કાનમાંથી સોનાની બુટ્ટીઓ કાઢી લે છે. આસપાસ ઉભેલા અન્ય લોકો આ આખી ઘટનાનો વીડિયો બનાવી રહ્યા હતા. પોલીસે આ કેસમાં 25 વર્ષીય મદન ગુરુંગ અને 38 વર્ષીય ઉમેશ ચૌધરીની ધરપકડ કરીને કાર્યવાહી શરૂ કરી દીધી છે.
અમાનવીય વર્તન કોઈ પણ સંજોગોમાં ચલાવી નહીં લેવાય
વિગતે વાત કરવામાં આવે તો, ભરતપુર મહાનગરપાલિકા-1 સ્થિત પોખરા બસ પાર્ક નજીકથી 27 ઓગસ્ટ 2026ના રોજ આ બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. ચિતવન પોલીસે સ્પષ્ટ કર્યું કે આફતના સમયે પીડિતો કે મૃતદેહો સાથે લૂંટફાટ અથવા અમાનવીય વર્તન કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવાશે નહીં તેવું નેપાળ સરકાર અને પોલીસ દ્વારા કહેવામાં આવ્યું આ સમગ્ર મામલે કાર્યવાહી કરવામાં આવી હોવાનો નેપાળ પોલીસ દ્વારા વીડિયો પણ સોશિયલ મીડિયામાં શેર કરવામાં આવ્યો છે.
વિનાશ અને પૂરના કાટમાળ વચ્ચે લૂંટ! વીડિયો વાયરલ થતા 2 લોકોની ધરપકડ કરવામાં આવી
— Vimal Prajapati GJ (@mgvimal_12) August 28, 2026
નેપાળ પોલીસે શેર કર્યો કાર્યવાહીનો વીડિયો#Nepal
pic.twitter.com/j80jJ2qEkA
આ શરમજનક ઘટના એવા સમયે સામે આવી છે જ્યારે નેપાળ અને તિબેટમાં ભૂસ્ખલન અને ગ્લેશિયર તૂટવાના કારણે ભારે તારાજી સર્જાઈ છે. સેના અને બચાવ ટુકડીઓ કાદવ અને મલબામાં ફસાયેલા સેંકડો લાપતા લોકોને શોધવા માટે સતત ઓપરેશન ચલાવી રહી છે. આ દરમિયાન બે લોકો મૃતક મહિલાના દાગીના લૂંટી રહ્યાં હતાં. જેનો વીડિયો વાયરલ થતા નેપાળ પોલીસ દ્વારા સત્વરે કાર્યવાહી કરવામાં આવી છે.