Wed Sep 09 2026

Logo

લોરીયા સીમમાં શિકારીની શંકાએ વન વિભાગના કર્મચારીઓ અને સ્થાનિક યુવકો વચ્ચે મારામારી: સામસામી ફરિયાદ નોંધાઈ

2026-08-28 12:14:00
Author: Mumbai Samachar Team
લોરીયા સીમમાં શિકારીની શંકાએ વન વિભાગના કર્મચારીઓ અને સ્થાનિક યુવકો વચ્ચે મારામારી: સામસામી ફરિયાદ નોંધાઈ

AI Image


ભુજઃ ભુજ તાલુકાના લોરીયા ગામના સીમાડે ગયા રવિવારે મધરાતે વન વિભાગના કર્મચારીઓ અને બે સ્થાનિક યુવકો વચ્ચે થયેલી મારામારીની ઘટના અંતે ત્રણ દિવસ બાદ સામસામી પોલીસ ફરિયાદમાં પરિણમી છે. લોરીયાની સીમમાં મોટરસાઇકલ પર જઈ રહેલા બે યુવકો શિકારી હોવાની શંકાના આધારે થયેલી બોલાચાલી બાદ બંને પક્ષો વચ્ચે છુટા હાથની મારામારી થઈ હોવાનું સામે આવ્યું છે.

વન વિભાગના નોખાણિયા બીટના વન રક્ષક મહિપાલસિંહ વાઢેર અને ચોકીદાર અજુભા જાડેજાએ માધાપર પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદ અનુસાર, રાત્રે ૧૧ વાગ્યાના સુમારે લોરીયાની સીમમાં બંદૂકના ભડાકા સંભળાતાં તેઓ સહકર્મીઓ સાથે ઘટનાસ્થળે પહોંચ્યા હતા. સામેથી મોટરસાઇકલ પર આવતા ફરીદ હાજી મેર અને ઈબ્રાહિમ અધાભા નાગીયા નામના બે યુવકોને અટકાવી પૂછપરછ કરતાં તેઓ ઉશ્કેરાઈ ગયા હતા અને કર્મચારીઓ સાથે ઝપાઝપી કરી, ગડદાપાટુનો માર મારી નાસી છૂટ્યા હતા.

સામે પક્ષે ઈબ્રાહિમ નાગીયાએ વન કર્મચારીઓ સામે વળતી ફરિયાદ નોંધાવતાં જણાવ્યું છે કે, તે અને તેનો મિત્ર વાડીએથી પરત ફરી રહ્યા હતા ત્યારે વન રક્ષક મહિપાલે મોટરસાઇકલની ચાવી કાઢી લઈ બંદૂક અંગે પૂછપરછ કરી માર મારવાનું શરૂ કર્યું હતું. મહિપાલે કુહાડીનો ઊંધો ભાગ ફરીદના મોઢા પર માર્યો હતો અને અજુભાએ ધોકાથી હુમલો કર્યો હતો. બાદમાં અન્ય ત્રણ અજાણ્યા લોકોએ આવીને પણ તેમને ઢીબી નાખ્યા હતા. અંતે સ્કોર્પિયો કારમાં આવેલા લોકોએ મધ્યસ્થી કરી તેમને મુક્ત કરાવ્યા હતા. મોઢાના ભાગે ગંભીર ઈજા થતાં ફરીદને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે.

ઉત્સવ વૈદ્ય