પુણેઃ મહારાષ્ટ્રના પુણે અને પિંપરી ચિંચવાડમાં ઝેરી દારૂ પીવાથી 13 લોકોના મોત થયા છે. પુણેના ફુગેવાડીમાં એક જ પરિવારના બે લોકોના મોત થયા છે. આ બંને મૃતકો સગા ભાઈ હોવાનું કહેવાય છે. ઝેરી દારૂના સેવનથી મોતના સમાચાર સામે આવ્યા બાદ એક્શનમાં આવેલી પોલીસ અને પ્રશાસને એક શંકાસ્પદ વ્યક્તિને કસ્ટડીમાં (ધરપકડ) લીધો છે.
પિંપરી-ચિંચવડના દાપોડી અને ફુગેવાડી વિસ્તારમાં આઠ લોકોના મોત થયા છે, જ્યારે પુણેના કાલે પડળ વિસ્તારમાં ત્રણ અને હડપસર વિસ્તારમાં બે લોકોના મોત થયા છે. ઘટના બાદ તંત્ર દોડતું થયું છે અને પ્રભાવિત વિસ્તારોમાં તપાસ શરૂ કરી છે. પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે. જેમાં આરોપી પહેલાથી જ ગુનાહિત ઇતિહાસ ધરાવતો હોવાનું સામે આવ્યું છે.
આ ઘટના બાદ સમગ્ર રાજ્યમાં ફફડાટ વ્યાપી ગયો છે. પ્રશાસન અને પોલીસે આ મામલાની તપાસ શરૂ કરી દીધી છે. આ વિસ્તારના અન્ય ચાર રહેવાસીઓની સારવાર ચાલી રહી છે અને તેમની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે આ બાબતે કડક કાર્યવાહી કરવાના નિર્દેશ આપ્યા છે.
દારુ વેચનારાની ધરપકડ
પિંપરી-ચિંચવડ પોલીસે યોગેશ વાનખેડે નામના એક વ્યક્તિની પણ ધરપકડ કરી છે, જેને પહેલા પુણે રાજ્ય આબકારી (એક્સાઇઝ) વિભાગે કસ્ટડીમાં લીધો હતો. આક્ષેપ છે કે તેણે જ બંને સ્થળોએ દારૂનો જથ્થો સપ્લાય કર્યો (પહોંચાડ્યો) હતો. જાણકારી અનુસાર, આ ઝેરી અને સ્પિરિટયુક્ત દારૂ યોગેશે જ બનાવ્યો હતો. આ દારૂને પૂણે અને પિંપરી-ચિંચવડના અલગ અલગ વિસ્તારમાં વેચવામાં આવ્યો હતો. દાપોડી, ફુગેવાડી, હડપસર અને કાલે પડળ વિસ્તારમાં લોકોએ દારૂ પીધો હતો. થોડા સમય પછી તેઓની તબિયત લથડી અને મોઢામાંથી ફીણ નીકળવા લાગ્યું હતું. તેના થોડા સમય પછી તેઓના મોત થયા હતા.
ફુગેવાડી વિસ્તારમાં ગેરકાનૂની ભઠ્ઠી અને દેશી દારૂના અડ્ડા ધમધમતા હોવાના કારણે સ્થાનિક લોકોમાં ભારે આક્રોશ છે અને ચર્ચા થઈ રહી છે કે આ મોત ઝેરી દારૂના કારણે જ થયા છે, બીજી તરફ, પોલીસનું કહેવું છે કે મોતનું સાચું કારણ ફોરેન્સિક અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ પડશે.
તપાસકર્તાઓએ જણાવ્યું કે પીડિતો દ્વારા જણાવવામાં આવેલા લક્ષણોમાં સમાનતા હતી. તેમણે આગળ ઉમેર્યું કે ઘણા લોકોએ ચક્કર આવવા, બેભાન થતા પહેલા બેચેની થવી, મોઢામાંથી ફીણ નીકળવા, શ્વાસ લેવામાં તકલીફ પડવી અને હૃદયના ધબકારા અચાનક ઘટી જવાની ફરિયાદ કરી હતી.