Fri May 29 2026

Logo

લખનઊ 2025માં સાતમા નંબરે અને 2026માં દસમા સ્થાનેઃ રિષભ પંતે કૅપ્ટન્સી છોડી દીધી

2026-05-29 20:13:46
Author: Ajay Motiwala
Article Image

લખનઊઃ વિકેટકીપર-બૅટ્સમૅન રિષભ પંતે 2026ની આઇપીએલમાં છેક છેલ્લા (10મા) સ્થાને રહેલી લખનઊ સુપર જાયન્ટ્સ (LSG) ટીમની કૅપ્ટન્સી છોડી દીધી છે. 2025ની સીઝનમાં લખનઊની ટીમ સાતમા ક્રમે રહી હતી. સંજીવ ગોયેન્કાના લખનઊના ફ્રૅન્ચાઇઝીએ પંત (pant)ને 2024ના મેગા ઑક્શનમાં વિક્રમજનક 27 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.

પંત લખનઊની ટીમનો બીજો સુકાની હતો. 2022ના પ્રથમ વર્ષથી 2024 સુધીમાં કે. એલ. રાહુલે આ ટીમનું નેતૃત્વ સંભાળ્યું હતું. જોકે દિલ્હી કૅપિટલ્સે છૂટો કરી દેતાં પંતને ઑક્શનમાં લખનઊ (Lucknow)એ મેળવી લીધો હતો. પંતે ત્યારે કહ્યું હતું, `હું લખનઊની ટીમ માટે 200 ટકા ક્ષમતાથી રમીશ. હું નવી ઊર્જા સાથે નવા આરંભ માટે આતુર છું.'

જોકે પંતના સુકાનમાં લખનઊનો પર્ફોર્મન્સ નિરાશાજનક રહ્યો. આ ટીમ બે વર્ષમાં કુલ 18માંથી 10 મૅચ જીતી શકી. 28 વર્ષનો પંત પોતાના સુકાન હેઠળના બન્ને વર્ષમાં બૅટ્સમૅન તરીકે પણ સારું પર્ફોર્મ નહોતો કરી શક્યો. 2025ની સીઝનમાં તેણે 14 મૅચમાં 133.16ના સ્ટ્રાઇક-રેટ સાથે 269 રન બનાવ્યા હતા. આ વખતની સીઝનમાં તે 14 મૅચમાં ફક્ત 312 રન બનાવી શક્યો.

એલએસજીના ગ્લોબલ ડિરેકટર ટૉમ મૂડીએ જણાવ્યું કે `રિષભ પંતે ફ્રૅન્ચાઇઝીને વિનંતી કરી કે તે હવે આ ટીમનું સુકાન નહીં સંભાળે. ફ્રૅન્ચાઇઝીએ તેની વિનંતીને માનપૂર્વક ધ્યાનમાં લીધી છે અને સ્વીકારી છે.' પંતના સુકાનમાં આ વખતે લખનઊની ટીમ 10માંથી ચાર મૅચ જીતી હતી અને આઠમાં પરાજિત થઈ હતી. પંતને આ ફ્રૅન્ચાઇઝી એક સીઝન રમવાના 27 કરોડ રૂપિયા આપે છે.

પીટીઆઇએ 14મી મેએ જ એક અહેવાલમાં જણાવ્યું હતું કે રિષભ પંત કદાચ કૅપ્ટન્સી ગુમાવશે. હવે લગભગ ડિસેમ્બરમાં 2027ની આઇપીએલ માટે મિની ઑક્શન યોજાશે અને ત્યારે લખનઊની ટીમ પંતને રીટેન કરશે કે કેમ એમાં પણ શંકા છે.