નવી દિલ્હીઃ બોર્ડ ઑફ ક્નટ્રોલ ફૉર ક્રિકેટ ઇન ઇન્ડિયા (BCCI)ની ઍન્ટિ-કરપ્શન યુનિટ (ACU)એ ખેલાડીઓને તેમ જ મૅચ સાથે સંકળાયેલા કોચિંગ સ્ટાફ સહિતના અધિકારીઓને વર્તમાન આઇપીએલ દરમ્યાન સ્ટેડિયમના પ્રતિબંધિત વિસ્તારમાં સ્માર્ટ સનગ્લાસીસ (SUNGLASSES) પહેરવાની મનાઈ કરી છે.
એસીયુએ એવું કારણ આપ્યું છે કે સ્માર્ટ ગોગલ્સ/ગ્લાસીસમાં એવી આધુનિક કમ્યૂનિકેશન સિસ્ટમ હોય છે જેનાથી મોબાઇલ ડેટા અથવા વાઇ-ફાઇ નેટવર્ક મારફત લાઇવ સ્ટ્રીમિંગ અને વીડિયો કૉલિંગ સંભવ બને છે. બીજું, આ પ્રકારના ડિવાઇસ (સ્માર્ટ સનગ્લાસીસ)માં એવી આધુનિક સિસ્ટમ બેસાડવામાં આવેલી હોય છે જેનાથી ટેક્સ્ટ મૅસેજિસ મોકલી શકાય છે અને મેળવી પણ શકાય છે.
IPL
ખેલાડીઓને આઇપીએલ દરમ્યાન સ્ટેડિયમના પ્લેયર્સ ઍન્ડ મૅચ ઑફિશ્યલ્સ એરિયા (પીએમઓએ)માં સ્માર્ટ સનગ્લાસીસ પહેરવાની મનાઈ કરવામાં આવી છે. એસીયુના મતે આ વિસ્તારના લઘુત્તમ ધોરણો મુજબ સ્માર્ટ સનગ્લાસીસ `ઑડિયો/વીડિયો રેકૉર્ડિંગ ડિવાઇસ' અથવા `કમ્યૂનિકેશન ડિવાઇસ' તરીકે વર્ગીકૃત છે.
તાજેતરમાં જ પીએમઓએમાં પ્રતિબંધિત ડિવાઇસ વાપરવાનો કિસ્સો બન્યો હતો જેમાં રાજસ્થાન રૉયલ્સના ટીમ-મૅનેજર રોમી ભિંડરને મૅચ દરમ્યાન ટીમના ડગઆઉટમાં મોબાઇલ વાપરવા બદલ એક લાખ રૂપિયાનો દંડ કરવામાં આવ્યો હતો અને ચેતવણી પણ અપાઈ હતી. આઇપીએલની ગવર્નિંગ બૉડીએ આ વખતે નવા પ્રૉટોકૉલ જાહેર કર્યા છે જે મુજબ ખેલાડીઓ સલામતી ટીમની પરવાનગી વિના મોડી રાત સુધી હૉટેલની બહાર નથી રહી શકતા અને હની-ટ્રૅપ (પૈસા અથવા બ્લૅક-મેઇલિંગના કારણસર યુવતીઓ દ્વારા ખેલાડીઓને ફસાવવાના કિસ્સા)ના ડર બદલ હૉટેલમાં પોતાના મહેમાનોને બોલાવવાની પણ ખેલાડીઓ તથા સપોર્ટ સ્ટાફને મનાઈ કરી છે.