ન્યૂ ચંડીગઢઃ 2025માં 14 વર્ષની ઉંમરે આઇપીએલમાં પ્રવેશ કરીને એ જ સીઝનમાં 35 બૉલમાં ફાસ્ટેસ્ટ સેન્ચુરી ફટકારનાર ભારતીય ખેલાડી બનેલા વૈભવ સૂર્યવંશીએ 2026ની સીઝનમાં કમાલ કરી નાખી છે અને કુલ 680 રન ખડકી દીધા છે અને હવે તેને વધુ વિક્રમો પોતાના નામે કરવા હજી શુક્રવારની ક્વૉલિફાયર-ટૂમાં રમવાનો મોકો છે અને એમાં રાજસ્થાન જીતશે તો રવિવારની ફાઇનલમાં પણ તક મળશે.
વૈભવ બીજા કેટલાક નાના વિક્રમ પોતાના નામે કરી શકે, પણ ક્રિસ ગેઇલનો એક મોટો રેકૉર્ડ તેની નજરમાં હશે જ. વૈભવની પૂર્ણ સ્તરની આ પહેલી જ આઇપીએલ છે અને એમાં તેણે ગેઇલનો એક સીઝનમાં 59 સિક્સર ફટકારવાનો વિક્રમ તોડી નાખ્યો છે. વૈભવના નામે આ વખતે 65 સિક્સર છે.
શુક્રવારે (સાંજે 7.30 વાગ્યાથી) ન્યૂ ચંડીગઢમાં રાજસ્થાન અને ગુજરાત વચ્ચે ક્વૉલિફાયર-ટૂ રમાશે અને એમાં જીતનારી ટીમ રવિવારે અમદાવાદમાં બેંગ્લૂરુ સામે ફાઇનલ રમશે.
ક્રિસ ગેઇલે આઇપીએલની 37 ઇનિંગ્સમાં 100 સિક્સર ફટકારી હતી. વૈભવની 2025 અને 2026 ગણીને બે વર્ષમાં હજી માંડ બાવીસ મૅચ થઈ છે અને એમાં તે કુલ 89 છગ્ગા ફટકારી ચૂક્યો છે. ગેઇલનો રેકૉર્ડની બરાબરી કરવા તેને માત્ર 11 સિક્સરની અને તોડવા માટે 12 સિક્સરની જરૂર છે.
આન્દ્રે રસેલે આઇપીએલમાં કુલ 657 બૉલમાં 100 છગ્ગા માર્યા હતા. વૈભવ હજી સુધીમાં 402 બૉલ રમ્યો છે અને તેના નામે કુલ 89 સિક્સર છે. વૈભવને રસેલનો રેકૉર્ડ તોડવાની બહુ સારી તક છે.
વૈભવ બીજા 68 રન બનાવશે એટલે આઇપીએલમાં તેના 1,000 રન પૂરા થશે અને એ રીતે તે બીજા નંબરનો ફાસ્ટેસ્ટ ખેલાડી બનશે. શૉન માર્શે માત્ર 21 ઇનિંગ્સમાં 1,000 રન કર્યા હતા અને વૈભવ શુક્રવારે 23મી ઇનિંગ્સ રમશે.