Fri May 29 2026

Logo

મિડલ ઇસ્ટમાં ફરી તણાવ! ઇરાનનો અમેરિકી વિમાન તોડી પાડ્યાનો દાવો, USએ કર્યો ઇનકાર

2026-05-29 08:39:00
Author: Mumbai Samachar Team
Article Image

નવી દિલ્હીઃ અમેરિકા અને ઇરાન વચ્ચે ચાલી રહેલી શાંતિ વાર્તાઓ વચ્ચે ખાડી વિસ્તારમાં ફરી એકવાર સ્થિતિ તણાવપૂર્ણ જોવા મળી રહી છે. શુક્રવારે વહેલી સવારે ઇરાનના દરિયાકાંઠાના પ્રાંત બુશેહર અને સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં વિસ્ફોટોના અવાજો સંભળાયા હતા. ઇરાની મીડિયાએ દાવો કર્યો છે કે ઇરાનની એર ડિફેન્સ સિસ્ટમે બુશેહર પ્રાંતના જામ વિસ્તારમાં અમેરિકન સૈન્ય વિમાનને તોડી પાડ્યું છે. જો કે, અમેરિકાએ ઇરાનના આ દાવાઓને  ફગાવી દીધા છે.

સમુદ્રમાં ભારે ગોળીબાર, મિસાઇલો છોડવામાં આવી

આ પહેલા ઇરાનની ન્યૂઝ એજન્સીએ જણાવ્યું હતું કે ઇરાની સશસ્ત્ર દળોએ દેશના દક્ષિણ ભાગોમાંથી ઘણી મિસાઇલો લોન્ચ કરી છે, જેના ચોક્કસ લોકેશન (ઠેકાણા)ની હજુ ખબર પડી નથી. સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં જહાજોને ચેતવણી આપવા માટે સમુદ્રમાં ભારે ગોળીબાર કરવામાં આવ્યો છે, જેના કારણે દરિયાકાંઠાના વિસ્તારોમાં દહેશત (ભય)નો માહોલ છે. આ સૈન્ય કાર્યવાહી એવા સમયે થઈ છે જ્યારે થોડા કલાકો પહેલા જ ઇરાનના રિવોલ્યુશનરી ગાર્ડ્સ (IRGC) એ હોર્મુઝ નજીક ચાર કોમર્શિયલ (વાણિજ્યિક) જહાજોને નિશાન બનાવ્યા હતા, જેમાંથી કેટલાક જહાજોના સંબંધ અમેરિકા સાથે હોવાનું કહેવાય છે.

શાંતિ સમજૂતીની આશાઓ પર ફરી વળ્યું પાણી?

આશ્ચર્યની વાત એ છે કે આ નવી ઘટના એવા સમયે સામે આવી છે, જ્યારે બંને દેશો વચ્ચે 60 દિવસના અસ્થાયી યુદ્ધવિરામ અને હોર્મુઝ જળમાર્ગને ખોલવાના એક 'શાંતિ સમજૂતી' પર સહમતિ બનવાના સમાચાર આવી રહ્યા હતા. જ્યાં એક તરફ ડિપ્લોમેટિક ટેબલ (રાજદ્વારી ટેબલ) પર શાંતિની બ્લુ પ્રિન્ટ તૈયાર થઈ રહી છે, ત્યાં બીજી તરફ બંને દેશો વચ્ચેની સ્થિતિ ફરી એકવાર તણાવપૂર્ણ બનતી દેખાઈ રહી છે.

ગુરુવારે જ અમેરિકાએ ઇરાનના તેલના વેપાર પર નવા પ્રતિબંધો લગાવવાની જાહેરાત કરી છે. અમેરિકન ટ્રેઝરી વિભાગે ઇરાની ક્રૂડ ઓઇલ (કાચું તેલ) અને પેટ્રોલિયમ પેદાશોની હેરફેર (પરિવહન)માં સામેલ આઠ જહાજોને બ્લેકલિસ્ટ કરી દીધા છે. જેમાં માર્શલ આઇલેન્ડ્સ, કોમોરોસ અને પનામામાં રજિસ્ટર્ડ થયેલા ટેન્કરો સામેલ છે. અમેરિકન ટ્રેઝરી સેક્રેટરી (નાણા મંત્રી) સ્કોટ બેસેન્ટે જણાવ્યું હતું કે આ પ્રતિબંધોનો હેતુ ઇરાનને તેલની કમાણી દ્વારા પોતાની સૈન્ય તાકાત વધારતા રોકવાનો છે.