Fri May 29 2026

Logo

ઍટ લાસ્ટ...હાર્દિક છોડી રહ્યો છે એમઆઇ! રોહિતને ફરી કૅપ્ટન્સી મળશે કે બીજા દાવેદારોને કમાન સોંપાશે?

2026-05-29 17:02:34
Author: Ajay Motiwala
Article Image

મુંબઈઃ 32 વર્ષીય હાર્દિક પંડ્યા ત્રણ વર્ષથી મુંબઈ ઇન્ડિયન્સ (એમઆઇ)નો કૅપ્ટન છે, પરંતુ આ વખતે તે જેવા માનસિક સ્ટ્રેસ અને થકાવટનો જે રીતે ભોગ બન્યો છે એવું પાછલી બે સીઝનમાં નહોતું અને હવે સ્થિતિ એવી છે કે તે આ ટીમ છોડી રહ્યો છે જેની જાણ તેણે વર્તમાન આઇપીએલની મધ્યમાં જ ટીમના માલિકોને કરી દીધી હોવાનું જાણવા મળ્યું છે.

હાર્દિક 2024ની સાલમાં ગુજરાત ટાઇટન્સ (જીટી)ની ટીમ છોડીને એમઆઇમાં આવ્યો હતો અને રોહિત શર્મા પાસેથી કૅપ્ટન્સી પાછી લઈને હાર્દિકને સોંપવામાં આવી હતી. કહેવાય છે કે આ વખતે પ્લે-ઑફમાં એમઆઇના પહોંચવાની સંભાવના પૂરી થઈ ગઈ ત્યારે હાર્દિક અને એમઆઇના સત્તાધીશો વચ્ચે સમજૂતી થઈ હતી જેમાં નક્કી થયું હતું કે હાર્દિક હવે આ ટીમ સાથે છેડો ફાડશે.

કહેવાય છે કે બે-ત્રણ વર્ષથી અમુક સિનિયર ખેલાડીઓને હાર્દિક સાથે નહોતું બનતું. આઇપીએલના એક સૂત્ર પાસેથી પીટીઆઇને જાણવા મળ્યું કે `માનસિક રીતે હાર્દિક અસહ્ય સ્ટ્રેસ (Stress) અનુભવી રહ્યો છે અને ખૂબ થાકી પણ ગયો છે. તેને પીઠની ઈજા પણ સતાવી રહી છે. એમઆઇની પ્લે-ઑફમાં જવાની આશા ફળીભૂત ન થઈ ત્યારે હાર્દિક (Hardik)એ આ ફ્રૅન્ચાઇઝીના નિર્ણય લેનારા સત્તાવાળાઓને કહી દીધું હતું કે તેને હવે આ ટીમમાં વધુ નથી રહેવું. હાર્દિક હજી 32 વર્ષનો છે. તે 2024માં એમઆઇમાં પાછો આવ્યો ત્યારે 30 વર્ષનો હતો. પહેલા વર્ષમાં કેટલાક સ્ટેડિયમોમાં તેનો હુરિયો બોલાવવામાં આવ્યો હતો.

આ વખતની સીઝનમાં પણ બધુ યોજના મુજબ ન બન્યું. જોકે 2021માં તેણે એમઆઇની ટીમ છોડી હતી ત્યારના અને 2024ના ડ્રેસિંગ-રૂમ વચ્ચે ફરક હતો. ટીમમાં મતમતાંતર હોવા છતાં મૅચોના સારા પરિણામો આવતા હોય તો ઠીક કહેવાય, પણ જ્યારે ટીમમાં દરેક વ્યક્તિ અલગ દિશામાં જ જતી હોય તો કૅપ્ટનની મનઃસ્થિતિ એકસરખી યોગ્ય રીતે કામ ન રહે. આ બધુ જોતાં હાર્દિકે નક્કી કરી લીધું કે 2027ની આઇપીએલ સીઝનથી તે એમઆઇમાં નહીં રહે.'

પીટીઆઇને આ સૂત્રએ એવું પણ કહ્યું કે `પંડ્યાને ખાસ તો એ નથી ગમ્યું કે જ્યારે તે ભારત વતી ટી-20માં રમે ત્યારે સિનિયર ખેલાડીઓ 100 ટકા કમિટમેન્ટથી દરેક જણ રમે એવો આગ્રહ રાખતા હોય છે, પણ જ્યારે હાર્દિક એમઆઇની કૅપ્ટન્સીમાં રહ્યો એ દરમ્યાન તેને વળતામાં આવું કમિટમેન્ટ નહોતું મળ્યું. એક વાત નક્કી છે કે તેને એમઆઇમાં હવે નથી જ રહેવું. તે કઈ ટીમમાં જશે એ લગભગ ઑગસ્ટ મહિનાની પહેલાં કે એ અરસામાં નક્કી થઈ જશે.

હાર્દિકની કૅપ્ટન્સીમાં એમઆઇના ત્રણ વર્ષ આ મુજબ રહ્યાઃ

2024ઃ 14માંથી ચાર મૅચમાં જીત અને 10 મૅચમાં હાર, પૉઇન્ટ્સમાં છેક 10મું સ્થાન
2025ઃ 14માંથી આઠ મૅચમાં જીત અને છ મૅચમાં હાર, પૉઇન્ટ્સમાં ચોથે, પ્લે-ઑફમાં પરાજિત
2026ઃ 14માંથી ચાર મૅચમાં જીત અને 10 મૅચમાં હાર, પૉઇન્ટ્સમાં છેક નવમા નંબરે

હાર્દિક પછી કોણ બની શકે કૅપ્ટન?

રોહિત શર્મા નિવૃત્તિ લે એ પહેલાં એક વાર ફરી તેને એમઆઇની કૅપ્ટન્સી સોંપવામાં આવે એવી તેના અસંખ્ય ચાહકોની અપેક્ષા હશે. કેટલાક ક્રિકેટ પંડિતોનું પણ આવું કહેવું છે. રોહિતના સુકાનમાં એમઆઇએ પાંચ ટાઇટલ જીત્યા હતા. જોકે જસપ્રીત બુમરાહ તેમ જ સૂર્યકુમાર યાદવ અને તિલક વર્મા તથા શાર્દુલ ઠાકુરના નામ પણ બોલાઈ રહ્યા છે.