ન્યૂ ચંડીગઢ: 15 વર્ષનો વૈભવ સૂર્યવંશી અહીં આજે ગુજરાત ટાઇટન્સ (GT) સામે (સાંજે 7.30 વાગ્યાથી) રમાનારી આઈપીએલ-2026ની ક્વોલિફાયર-ટૂ માટેની તૈયારી કરી રહ્યો છે ત્યાં બીજી તરફ આર્થિક દ્રષ્ટિએ તેના સુવર્ણકાળની શરૂઆતની જાણે પૂર્વતૈયારીઓ થઈ રહી છે.
બે દિવસ પહેલાં કોમેન્ટરી બૉક્સમાં હરભજન સિંહે જ્યારે વીરેન્દર સેહવાગને પૂછ્યું કે ‘વૈભવ સૂર્યવંશીનું નામ જો ઑક્શનમાં હોય તો તમે તેને વધુમાં વધુ કેટલા ભાવે ખરીદો? વીરુદાદાએ ફટ દઈને જવાબ આપ્યો હતો કે ‘હું વૈભવને 30 કરોડ રૂપિયામાં તો ખરીદી જ લઉં.'
રાજસ્થાન રોયલ્સે (RR) બે વર્ષ પહેલાં વૈભવ સૂર્યવંશીને 30 લાખ રૂપિયાની મૂળ કિંમત સામે 1.10 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. રાજસ્થાનનું ફ્રેન્ચાઇઝી વૈભવને બે વર્ષથી સીઝન દીઠ 1.10 કરોડ રૂપિયા આપે છે. કોમેન્ટરી બૉક્સમાં ભૂતપૂર્વ ઓપનિંગ બૅટ્સમૅન આકાશ ચોપડાએ પણ ભજજીને કહ્યું હતું કે ‘હું પણ વૈભવ માટે 30 કરોડ રૂપિયા ખર્ચી નાખવા તૈયાર થઈ જાઉં.'
એવા અહેવાલ મળ્યા છે અને એવી જોરદાર અટકળ ચાલી રહી છે કે આગામી ડિસેમ્બરમાં 2027ની આઇપીએલ માટે જે મિની પ્લેયર્સ ઑક્શન યોજાશે એમાં વૈભવ સૂર્યવંશીનું નામ હોવાની સંભાવના નથી, કારણકે રાજસ્થાન રોયલ્સ તેને રીટેન કરશે એમાં કોઈ શંકા નથી. ત્યારે તેની રિટેન્શન વેલ્યૂ 15થી 18 કરોડ રૂપિયાની આસપાસ રહેવાની સંભાવના છે. બીજી રીતે કહીએ તો 2027ની સીઝનમાં વૈભવને 15થી 18 કરોડ રૂપિયા મળી શકે.
જોકે કેટલાક અહેવાલ એવું પણ જણાવે છે કે જો પૂર્ણ સ્થળે આઈપીએલ ઑક્શન યોજાય તો એમાં વૈભવનો ભાવ 30થી 35 કરોડ રૂપિયા સુધી પહોંચી જ શકે.
જો એવું થશે તો વૈભવ આઇપીએલનો સૌથી મોંઘો ખેલાડી બનશે. લખનઊ સુપર જાયન્ટ્સનું ફ્રેન્ચાઇઝી બે વર્ષથી રિષભ પંતને સીઝન દીઠ 27 કરોડ રૂપિયા આપે છે અને એ હાલમાં આઈપીએલનો સૌથી મોંઘો ખેલાડી છે.
વૈભવ હજી તો બીજી આઇપીએલ સીઝન રમી રહ્યો છે અને એમાં તેણે 35 બૉલમાં સેન્ચુરી ફટકારવાનો ભારતીય ખેલાડીઓમાં વિક્રમ નોંધાવ્યો છે તેમ જ બે દિવસ પહેલાં જ તેણે એક આઇપીએલ સીઝનમાં સૌથી વધુ 59 છગ્ગા ફટકારવાનો ક્રિસ ગેઈલનો 13 વર્ષ જૂનો વિક્રમ તોડી નાખ્યો હતો. એટલું જ નહીં સૌથી ઓછા 30 બૉલમાં સેન્ચુરી ફટકારવાનો ગેઈલનો વિક્રમ દોડતા પણ તે જરાક માટે ચૂકી ગયો હતો.
વૈભવે બે વર્ષમાં બીજા કેટલાક વિક્રમ પણ પોતાના નામે કર્યા છે તેમ જ કેટલાક રેકૉર્ડની બરાબરી પણ કરી છે. આ બધું જોતા, રાજસ્થાન રોયલ્સ તેને કેટલામાં રીટેન કરશે એ જોવું રહ્યું.