Mon Sep 14 2026

Logo

દહેજ ઉત્પીડન કેસમાં સુપ્રીમ કોર્ટની ટિપ્પણી, કહ્યું પુત્રવધૂ અને તેના પરિવારનું અપમાન અસ્વીકાર્ય

2026-05-29 19:23:05
Author: Chandrakant Kanoja
દહેજ ઉત્પીડન કેસમાં સુપ્રીમ કોર્ટની ટિપ્પણી, કહ્યું પુત્રવધૂ અને તેના પરિવારનું અપમાન અસ્વીકાર્ય

નવી દિલ્હી : ભોપાલની ટ્વિશા શર્મા મૃત્યુ કેસમાં દહેજ અને ઉત્પીડનની ફરિયાદો વચ્ચે સુપ્રીમ કોર્ટે દહેજ ઉત્પીડનના એક  કેસમાં આકરી ટિપ્પણી કરી છે. સુપ્રીમ કોર્ટે એક કેસમાં લગ્ન પછી પુત્રવધૂ અને તેના પરિવારનું અપમાન સ્વીકાર્ય નથી તેમ જણાવ્યું હતું. કોર્ટે કહ્યું કે સમાજને સંદેશ જવો જોઇએ કે દહેજ માટે માનસિક અને આર્થિક ઉત્પીડન સહન કરવામાં આવશે નહીં. છત્તીસગઢના દહેજ મૃત્યુ કેસમાં  સુપ્રીમ કોર્ટે આરોપીની અપીલ ફગાવી દીધી હતી. તેમજ ટ્રાયલ કોર્ટ અને હાઇકોર્ટ બંનેના ચુકાદાઓને યથાવત રાખ્યા હતા.  

માનસિક અને નાણાકીય દબાણ કરવું એ અત્યંત ગંભીર ગુનો

સુપ્રીમ કોર્ટની  બેન્ચે  છત્તીસગઢના દહેજ મૃત્યુ કેસની સુનાવણી કરી હતી. આ કેસ એક મહિલાના મૃત્યુ સાથે સંબંધિત હતો જેનું લગ્નના ત્રણ વર્ષમાં શંકાસ્પદ સંજોગોમાં ફાંસી લગાવીને મૃત્યુ થયું હતું. કોર્ટે અવલોકન કર્યું કે દહેજ માટે માનસિક અને નાણાકીય દબાણ કરવું એ અત્યંત ગંભીર ગુનો છે.તેમજ આવા કિસ્સાઓમાં મજબૂત સંદેશ આપવો જરૂરી છે.

દહેજમાં રોકડ અને કારની માંગણી કરવામાં આવતી

ઉલ્લેખનીય છે કે, આ કેસ વર્ષ 2010નો છે. જેમાં મહિલાના પતિ અને સાસરી પક્ષ તરફથી સતત દહેજની માંગણી કરવામાં આવતી હતી. જેમાં મહિલાના પિતાના પરિવાર પાસેથી રોકડ અને કારની માંગણી કરવામાં આવતી હતી. તેમજ મહિલાના પરિવારે અનેક વખત નાણાં આપીને સમાધાન કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. તેમજ છતાં તેમની માંગણી અને ત્રાસ અટક્યો ન હતો. 

દહેજ મૃત્યુનો કેસ સાબિત થયો હતો

જેની બાદ મહિલાએ કંટાળીને ફાંસી લગાવીને આત્મહત્યા કરી હતી. તેમજ  મેડિકલ રિપોર્ટમાં મૃત્યુનું કારણ ગૂંગળામણ હોવાનું દર્શાવવામાં આવ્યું હતું. ટ્રાયલ કોર્ટે ઠરાવ્યું હતું કે લગ્નના સાત વર્ષમાં એક અકુદરતી મૃત્યુ થયું હતું, જે પહેલા સતત ત્રાસ આપવામાં આવતો હતો. આ આધારે દહેજ મૃત્યુનો કેસ સાબિત થયો હતો. સુપ્રીમ કોર્ટે અવલોકન કર્યું હતું કે મહિલાના પરિવારને ભિખારી કહેવું અને સતત પૈસાની માંગણી કરવી એ અત્યંત શરમજનક બાબત છે.