Fri Aug 28 2026

Logo

નાશિક ટીસીએસ કેસ: એસઆઇટીએ આઠ એફઆઇઆરના સંદર્ભમાં બીજી ચાર્જશીટ દાખલ કરી

2026-05-29 17:06:00
Author: Yogesh D. Patel
નાશિક ટીસીએસ કેસ: એસઆઇટીએ આઠ એફઆઇઆરના સંદર્ભમાં બીજી ચાર્જશીટ દાખલ કરી

નાશિક: ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ (ટીસીએસ)ના નાશિક યુનિટમાં મહિલાઓનું જાતીય શોષણ તેમ જ ધર્માંતર માટે દબાણના કેસની તપાસ કરી રહેલી એસઆઇટી (સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ) દ્વારા નાશિક કોર્ટમાં બીજી ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી.ચાર્જશીટમાં રઝા રફીક મેમણ, શાહરુખ હુસેન શૌકત કુરેશી, અશ્ર્વિની અશોક ચૈનાની, તૌસિફ બિલાલ અત્તાર, શફી ભીકન શેખ, દાનિશ એજાઝ શેખ, નિદા એજાઝ ખાન તથા અન્યો વિરુદ્ધ મુંબઈ નાકા પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા હેઠળ નોંધાયેલા આઠ એફઆઇઆરનો સમાવેશ થાય છે. 

પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે નાશિકના એડિશનલ ચીફ જુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં ગુરુવારે આ ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી.દેવલાલી પોલીસ સ્ટેશનમાં દાનિશ એજાઝ શેખ, તૌસિફ બિલાલ અત્તાર, નિદા એઝાઝ ખાન અને મતીન માજીદ પટેલ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા અને અનુસૂચિત જાતિ-જનજાતિ (એટ્રોસિટીસ પ્રિવેશન્શ) એક્ટ હેઠળ દાખલ એકમાત્ર કેસમાં એસઆઇટીએ 22 મેના રોજ 1,500 પાનાંની ચાર્જશીટ દાખલ કરી હતી.

ટીસીએસના નાશિક યુનિટની અનેક મહિલા કર્મચારીઓએ જાતીય શોષણ, ધર્માંતર માટે દબાણ, ધાર્મિક લાગણી દુભવવી, છેડતી અને માનસિક ત્રાસના આરોપ લગાવ્યા બાદ તેની તપાસ માટે એસઆઇટીની રચના કરવામાં આવી હતી. ફરિયાદમાં દાવો કરવામાં આવ્યો હતો કે આરોપીઓ એક વૉટ્સઍપ ગ્રૂપ દ્વારા મહિલાઓને ટાર્ગેટ કરી રહ્યા હતા. (પીટીઆઇ)