Wed Sep 16 2026

Logo

ગુજરાતમાં સિંહોમાં ફેલાયેલું વાયરસ સંક્રમણ નિયંત્રણમાં, વન વિભાગ એક્શન મોડમાં

2026-05-31 17:09:57
Author: Chandrakant Kanoja
ગુજરાતમાં સિંહોમાં ફેલાયેલું વાયરસ સંક્રમણ નિયંત્રણમાં, વન વિભાગ એક્શન મોડમાં

જામવાળા : ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસ દરમિયાન વાયરસ સંક્રમણના કારણે એકપણ સિંહનું મૃત્યુ નથી નોંધાયું.હાલ પરિસ્થિતિ સંપૂર્ણ નિયંત્રણ હેઠળ છે. વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ એશિયાઈ સિંહોમાં જોવા મળેલા સંક્રમણની વર્તમાન સ્થિતિની ગ્રાઉન્ડ ઝીરો પર સમીક્ષા કરવા માટે ગીર વિસ્તારની રૂબરૂ મુલાકાત લીધી હતી.  તેમણે  જામવાળા રેસ્ક્યુ સેન્ટર, બાબરિયા વન વિસ્તાર અને જસાધાર એનિમલ કેર સેન્ટરની મુલાકાત લઈ સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું.

ત્રણ દિવસ દરમિયાન એક પણ સિંહનું મૃત્યુ નહિ 

આ  સંબંધિત ઉચ્ચ અધિકારીઓ તથા પશુચિકિત્સકોની ટીમો સાથે વિસ્તૃત બેઠક યોજીને ચર્ચા-વિચારણા 
સ્થિતિની સમીક્ષા કર્યા બાદ વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ પત્રકારોને જણાવ્યું હતું કે, વન વિભાગ દ્વારા સમયસર અને અસરકારક પગલાં લેવામાં આવ્યા હોવાના કારણે હાલ પરિસ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણ હેઠળ છે. રાહતના સમાચાર આપતા તેમણે ઉમેર્યું કે, છેલ્લા ત્રણ દિવસ દરમિયાન વાયરસ સંક્રમણના કારણે એકપણ હનું મૃત્યુ નોંધાયું નથી.

ફિલ્ડ સ્ટાફની વિશેષ ટીમો ચોવીસે કલાક કાર્યરત

તેમ છતાં, કોઈ પણ પ્રકારની કચાસ ન રહે તે માટે સાવચેતી અને સતર્કતાના ભાગરૂપે વન વિભાગ, વેટરનરી નિષ્ણાતો અને ફિલ્ડ સ્ટાફની વિશેષ ટીમો ચોવીસે કલાક કાર્યરત છે અને સિંહોના આરોગ્ય પર સતત અને ઝીણવટભરી નજર રાખી રહી છે. 

સિંહોની સુરક્ષા એ સર્વોચ્ચ અગ્રતા

મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે,ગુજરાતની શાન એવા એશિયાઈ સિંહોના સંરક્ષણ અને સંવર્ધન માટે રાજ્ય સરકાર અને વન વિભાગ સંપૂર્ણ પ્રતિબદ્ધતા સાથે કામ કરી રહ્યા છે. સિંહોની સુરક્ષા એ અમારી સર્વોચ્ચ અગ્રતા છે.

ગીરના જંગલોમાં ગુંજતી સિંહોની ગર્જના આવનારી પેઢીઓ સુધી અવિરત રહે તે માટે દિવસ-રાત જોયા વગર દરેક સ્તરે પૂર્ણ નિષ્ઠાથી કામ કરી રહેલા વન વિભાગના તમામ અધિકારીઓ, કર્મચારીઓ, પશુચિકિત્સકો અને ફિલ્ડ સ્ટાફ ની  ટીમોની કામગીરિને બિરદાવી હતી.