Sun Sep 06 2026

Logo

'દીદી'ના ઘરમાં જ બળવાના એંધાણ? મમતાની બેઠકમાં 60 ધારાસભ્યો ગેરહાજર, પાર્ટીમાં મોટો કકળાટ

2026-05-31 21:50:49
Author: Devayat Khatana
'દીદી'ના ઘરમાં જ બળવાના એંધાણ? મમતાની બેઠકમાં 60 ધારાસભ્યો ગેરહાજર, પાર્ટીમાં મોટો કકળાટ

કોલકાતા: પશ્ચિમ બંગાળમાં સત્તાથી હાથ ધોયા બાદ તૃણમૂલ કોંગ્રેસ (TMC) ની અંદર ચાલી રહેલો કકળાટ અને રાજકીય સંકટ હવે ખુલ્લીને સામે આવી રહ્યું છે. કોલકાતામાં પૂર્વ મુખ્ય પ્રધાન મમતા બેનર્જીના કાલીઘાટ સ્થિત નિવાસસ્થાને ટીએમસી ધારાસભ્ય દળની એક મહત્વપૂર્ણ બેઠક બોલાવવામાં આવી હતી, જે સંપૂર્ણપણે ફ્લોપ સાબિત થઈ છે.

પાર્ટીના કુલ 80 ધારાસભ્યોમાંથી માત્ર 20 જ ધારાસભ્યો આ બેઠકમાં પહોંચ્યા હતા, જેને કારણે કોરમ પૂર્ણ ન થતાં બેઠકને રદ કરવી પડી હતી. રાજીનામા, આક્ષેપો અને આંતરિક ખેંચતાણ વચ્ચે આ ઘટનાને ટીએમસી નેતૃત્વ માટે એક મોટો ફટકો અને પાર્ટીમાં વધી રહેલા અસંતોષ તથા બળવાની આહટ તરીકે જોવામાં આવી રહી છે.

આ બેઠક ધારાસભ્ય દળના નેતા શોભનદેબ ચટ્ટોપાધ્યાય દ્વારા બોલાવવામાં આવી હતી.  સૂત્રોના જણાવ્યા અનુસાર,  અભિષેક બેનર્જીના સ્ટાફ દ્વારા ફોન કરીને જાણ કરવામાં આવી હોવા છતાં મોટાભાગના ધારાસભ્યો ગેરહાજર રહ્યા હતા. એટલું જ નહીં, ઘણા ધારાસભ્યોનો સંપર્ક પણ થઈ શક્યો ન હતો અને કેટલાકે તો ફોન પણ ઉપાડ્યા ન હતા. આ ઘટનાક્રમ એવા સમયે સામે આવ્યો છે જ્યારે એક દિવસ પહેલા જ અભિષેક બેનર્જી અને સાંસદ કલ્યાણ બેનર્જી પર થયેલા હુમલાઓને લઈને પાર્ટી પહેલેથી જ આક્રમક વલણ અપનાવી રહી છે.

મમતા બેનર્જીના ઘરે ખાલી પડેલી ખુરશીઓએ પાર્ટીની એકતા પર મોટા સવાલો ઊભા કર્યા છે. જોકે આ રદ થયેલી બેઠકમાં ફિરહાદ હકીમ, નયના બંદ્યોપાધ્યાય, મદન મિત્રા, અસીમા પાત્રા અને કુણાલ ઘોષ જેવા કેટલાક વરિષ્ઠ નેતાઓ હાજર રહ્યા હતા. પરંતુ ધારાસભ્યોની આટલી ઓછી સંખ્યાએ પાર્ટી હાઈકમાન્ડની ચિંતા વધારી દીધી છે, જે સ્પષ્ટપણે દર્શાવે છે કે ટીએમસીની અંદર મોટો આંતરિક વિખવાદ ચાલી રહ્યો છે અને નેતૃત્વ સામે અવાજ ઉઠાવવાની તૈયારીઓ થઈ રહી છે.