Mon Jul 27 2026

Logo

મ્યાનમારમાં મહાવિસ્ફોટ: વિસ્ફોટકોના ગોદામમાં પ્રચંડ બ્લાસ્ટ થતાં બાળકો સહિત 50થી વધુ લોકો ભડથું!

Myanmar (Burma)   2026-05-31 22:45:25
Author: Devayat Khatana
Article Image

Shwe Phee Myay


ઉત્તર-પૂર્વ મ્યાનમારમાં ચીનની સરહદથી માત્ર ત્રણ કિલોમીટર દૂર આવેલા એક ગામમાં રવિવારે બપોરના સમયે એક ભયાનક વિસ્ફોટ થતાં 45થી વધુ લોકોના મોત નીપજ્યા છે અને 70 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે. રાહતકર્મીઓ  અને મીડિયા અહેવાલો અનુસાર, જે ઈમારતમાં આ બ્લાસ્ટ થયો ત્યાં ખાણકામ  માટેના વિસ્ફોટકોનો સંગ્રહ કરવામાં આવ્યો હતો. મૃતકોની ચોક્કસ સંખ્યા અંગે અલગ-અલગ અહેવાલો મળી રહ્યા છે; સમાચાર એજન્સીઓ અને સ્થાનિક મીડિયાના જણાવ્યા મુજબ મૃત્યુઆંક 46 થી 59 ની વચ્ચે હોવાની આશંકા છે, જેમાં  બાળકોનો પણ સમાવેશ થાય છે.

આ ભયાનક વિસ્ફોટના કારણે આસપાસની અનેક રહેણાંક ઈમારતોને ભારે નુકસાન પહોંચ્યું છે અને વિસ્તારમાં તારાજી સર્જાઈ છે. રાહતકર્મીઓ કાટમાળ નીચે દટાયેલા લોકોને શોધવા માટે સતત રાહત અને બચાવ કામગીરી ચલાવી રહ્યા છે. ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા છે, પરંતુ દર્દીઓની મોટી સંખ્યાને કારણે  હોસ્પિટલમાં લોહીની ભારે અછત સર્જાઈ હોવાના અહેવાલ છે. 

આ સમગ્ર વિસ્તાર હાલમાં તા'આંગ નેશનલ લિબરેશન આર્મી (TNLA) નામના વંશીય વિદ્રોહી જૂથના નિયંત્રણમાં છે, જે 2021ના સૈન્ય બળવા પછી મ્યાનમારની સરકાર સામે લડી રહ્યું છે. ઘટના બાદ ટીએનએલએ (TNLA) દ્વારા ટેલિગ્રામ પર એક નિવેદન બહાર પાડીને સ્વીકારવામાં આવ્યું છે કે તેમના આર્થિક વિભાગે ખાણકામ અને પથ્થરની ક્વોરી સાઇટ્સમાં ઉપયોગ માટે અહી વિસ્ફોટક સંગ્રહિત કર્યો હતો. આ વિસ્ફોટકનો યોગ્ય રીતે સંગ્રહ ન કરવામાં આવે તો તે સમય જતાં અત્યંત અસ્થિર અને જોખમી બની શકે છે.