ડૉ. બળવંત જાની
શેણી વિજાણંદની પ્રણયકથા ઉપરથી કથાઓ, કથાકાવ્યો, નાટકો અને ફિલ્મોની રચના થઈ છે. શેણી નાયિકાનું ચરિત્ર કલ્પિત કથાનક પર મંડિત નથી. હકીક્તે ઐતિહાસિક ચારણી ચરિત્ર છે. શેણીના પિતાશ્રીનું નામ વેદો ચારણ છે. ત્યાંથી તેઓ ગીરના ગોરવિયાળા નેસમાં સ્થાયી થયા હશે. નેચડા શાખાના આ વેદા ચારણનું વતન વેકરા ગામ છે.
પરંતુ તેઓ મૂળ વતન આજના સૌરાષ્ટ્રના પાટનગર સમાન રાજકોટની પૂર્વ દિશામાં ચારેક માઈલ ઉજજડ ટીંબા સ્વરૂપે ઓળખાતું ગોરવિયાળા ગામ છે. મેઘાણીએ ઘટના સ્થળ તરીકે ગીરનું ગોરવિયાળા આલેખ્યું છે. હકીક્તે ગોરવિયાળા એ પેટા અટક પણ મૂળ વતનને કારણે પ્રાપ્ત થયેલી છે. સાંપ્રત સમયે પણ અહીં ગોરવિયાળા ચારણો રહે છે. વેદા ચારણના વડવાઓ રાજકોટના ગોરવિયાળાથી કચ્છના વેકરા ગામે સ્થળાંતરિત થયેલા હશે અને ત્યાંથી દુધાળા પશુઓ માટે સ્વર્ગ સમાન ગીરના ગોરવિયાળા નેસમાં.
શેણી જોગમાયા મનાય છે. એક મત મુજબ એનો સમય ઈ.સ.1297 આસપાસનો છે. બ્રહ્મચર્યવ્રત, સાધના-ઉપાસના, તરુણા અવસ્થામાં શેણીના ચિત્રમાં જાગેલી. પાણી શેરડે યુવાન વિજાણંદે પાણીની યાચના કરી, ત્યારે શેણીએ અન્ય સખીને પાવા કહેલું. અને તો બ્રહ્મચર્ય વ્રત હોવાથી પાણી શેરડે વિજાણંદ ચારણને પ્રથમ જોતા શેણીને નફરત થયેલી, પણ પાછળથી એના જંતરવાદ્યના વાદનના શ્રવણથી એમના ઉપર એક સંગીત સાધક તરીકે માન થયેલું.
શેણીના પિતા વેદા ચારણનું આતિથ્ય પામ્યો, પોતાની વાદનકળાથી ગામનો ડાયરો પણ વિજાણંદ ચારણ અને એની નવચંદરી ભેંસોથી પ્રભાવિત હતો. એક દિવસે જંતરના કરુણ સૂર છેડી વિજાણંદે શેણીને ઘરમાં અને ચારણ સમુદાયને વેદાની ડેલીમા જામેલા ડાયરમાં મંત્રમુગ્ધ કરી દીધા. વેદા ચારણે મોજમાં આવીને કશુંક માગવા કહ્યું. વિજાણંદે આનાકાની કરી. પુન: વેદાએ કહ્યું એટલે વિજાણંદે શેણીનો હાથ માગ્યો. જમીનદાર અને ભેંસોના માલિક સમૃદ્ધ વેદો, એની એકની એક લાડકવાયી પુત્રીના વ્યક્તિત્વથી પરિચિત હતો.
બ્રહ્મચર્ય વ્રત ધારણ કરીને શાક્ત ઉપાસનામાં શેણી રત હતી એટલે વચન પાળવા ખાતર વેદા ચારણે કહ્યું. એકસો નવચંદરી ભેંસ લઈ આવ એટલે શેણીને તારી સાથે પરણાવું. પિતા વેદા ચારણે તો વાતને ટાળવા જ આવી અશક્ય શરત મૂકેલી. શેણી આ વાતથી અજાણ હતી. એ નિર્દોષ સાધિકા તો વિજાણંદની સંગીત સાધના અને એના જંતરને ચાહતી અને એની નિર્દોષ-નિષ્કપટ સરળતાની ઉપર સમાદર રાખતી. શેણીને વિજાણંદનું નીકળી જવાનું ગમ્યું નહીં, પણ બીજું કરેય શું. વિજાણંદ પોતાની ભેંસો સ્નેહીઓને સાચવવા ભળાવીને જંતર ખભે ચડાવીને ચાલી નીકળ્યો. એટલે શેણીના ચિત્તમાં એ સમયે દુહા કવિતા પ્રગટી.
હરણાં, તારી ડોકમાં, ઘડાવું ઘુઘરમાળ
સોને મઢાવું તારી શીંગડી, વિજાણંદને પાછો વાળ
સાધના-ઉપાસનારત શેણીને જંત2વાદ્યનું વાદન એની પૂજા-ઉપાસનામાં બળ પૂરુ પાડતું. એટલે ગામ છોડી નીકળી ગયેલો વિજાણંદ શા હેતુથી નીસર્યો છે એનો એને ખ્યાલ નથી. એ તો આઈના સદ્ભાવ-સમાદરભાવથી આવો જુવાન ચારણ ક્યાં નીકળી ગયો હે હરણ તમે એને અપશુકન કરવા માટે ડાબી બાજુથી આડા ઉતરો તમારા ડોકમાં ઘુઘરમાળા પહેરાવીશ અને શીંગડીઓ સોનાથી મઢાવી દઈશ. તમે અપશુકન કરીને વિજાણંદને પાછો વાળો.
પોતે તો જોગમાયાનો જ અવતાર હતી, પિતા પણ પુત્રીની મનોભાવના સાધકવૃત્તિને અનુકૂળ રહેવા માટે જ આકરી શરત મૂકીને વિજાણંદને વિદાય કરે છે. વિજાણંદનો શેણીપરત્વેનો પ્રેમભાવ એક તરફી જ હતો. શેણીને તો માત્ર જંતરવાદ્યનું વાદન એની સાધના માટે પ્રેરક-પ્રોત્સાહક હોઈને એના શ્રવણપાનની સ્થૃહા હતી. એટલે એક બીજો દુહો પણ એની નામ છાપથી મળે છે.
વરસ વળ્યાં, વાદળ વળ્યાં, ધરતી નીલાણી
પણ એક વિજાણંદને કારણે શેણી સુકાણી..
એક નિર્દોષ સંગીત ઉપાસક નીકળી ગયો, વરસો થયા પરત ન થયો એનું એને એટલું જ દુ:ખ છે કે એનું જંતરવાદ્ય સાંભળવા મળતું નથી. સાધનામાં ગાનમાં રત થાય અને જંતરવાદ્યનું વાદનની ખોટ વરતાય. આવી કલાઉપાસક સંગીત સાધકની વિદાયના બીજા પણ દુહા શેણી નામ છાપના મળે છે.
કોઈ જંતરવાળો જુવાન, ભાલમાં ભૂલો પડયો
સગડે પાડું સાદ, મને વાવડે દ્યો વિજાણંદના..
લાલ સુરંગી ધોતિયું, કેસર ભીતીને વાન
હાલ્યો જાતો હાટડે, ઈ જંતરવાળો જુવાન..
એક તરુણ શક્તિસાધિકા સંગીત ઉપાસક તરુણ દેવીપુત્રની વાટ જુએ, વિજાણંદના જંતરવાદ્યના શ્રવણપાન વગર ઉપાસનામાં ઉણપ વરતાય છે, એના વાવડ પણ એ સરખી સાહેલીઓ દ્વારા મેળવવા પ્રયત્ન કરે છે. બજાર વચ્ચેથી નીસરી ગયેલા સંગીત ઉપાસકના સંગીત વાદ્યની શ્રવણપાનની તડપન છે. પછી હકીક્ત તો એમ બનેલી કે જોગમાયા શેણીઆઈ હેમાળો ગાળવા નીકળી પડેલા.
આવી મૂળ હકીકત સંદર્ભે ગેરસમજ તત્કાલીન સમયે કે પછી એવી પ્રસરી હશે કે વિજાણંદને શેણી પ્રેમ કરતી અને શેણીને વિજાણંદ પ્રેમ કરતો પણ નિરાધાર, અનાથ રઝળતા ચારણને લાડકવાયી પુત્રી ક્યાં પરણાવવી, એથી પિતા વેદા ચારણે આકરી શરત મુકી. એક પિતૃગૃહે જ બ્રહ્મચર્ય વ્રત ધારણ કરીને ઉછરતી ચારણ કન્યા શેણીઆઈની પ્રેમકથા રૂપે દંતકથા ફંટાણી. વેદા ચારણ વિરુદ્ધના સમાજના એક વર્ગ દ્વારા શેણીની શુદ્ધ સંગીત પરત્વેની આદર ભાવનાથી વાતનું વતેસર થયું અને શેણી નામછાપના વિજાણંદ પરત્વેના વિરહ ભાવને પ્રેમભાવને પ્રગટાવતા દુહા પણ પરંપરા બની ગયા.
મારી તરુણા અવસ્થામાં ઈ.સ. 1964માં જવાહરલાલજીના નિધન દિવસે એક સાંજ ટાણે પારેવાળા તા.જસદણના પાદરમાં બિરાજતા વિસોતમાતાના મઢે ચારણ સમુદાય વચ્ચે થયેલી સાંભળેલી આ વાત મારા ચિત્તમાં અકબંધ છે. એટલે મને મેઘાણી આલેખિત કથા, ફિલ્મ એ બધું ઉપજાવેલું, ભભરાવેલુંં ચટાકેદાર રસપ્રદ કથાનક લાગે છે.
શેણી વિજાણંદ વિશેની મારી પાસેની વાચના-વર્જન ઉપરાંત ખૂબ જ પ્રચલિત શેણી નામ છાપથી લોકપરંપરામાં આજ સુધી જીવંત પરંપરામાં જળવાયેલ એ ત્રણ-ચાર દુહા પણ આસ્વાદીએ.
ખેતર પાક્યું કણ ઝરે, મન બેઠું માળે
વિજાણંદ વેલો આવ્ય, મને રોઝડાં રંજાડે..
ખેતર પાક્યું પોંક થિયો, મન બેઠું માળે
અધવચ મેલ્યા એકલા, હાલ્ય હૈડા હેમાળે..
વિજાણંદની વરમાળ, બીજાની બાંધુ નહીં
ચારણ હોય લખચાર, બાંધવ કહી બોલાવીએ..
મારી દૃષ્ટિએ ગામડામાં રહેતા આવા ભારે સ્થિતિ સંપન્ન પરિવારની યુવતીની કોઈ રંજાડ કરી શકે જ નહીં. કોઈની હિંમત ન ચાલે. અધવચ્ચે વિજાણંદે મૂકેલ જ નથી. ગોરવિયાળી ગામમાં ક્યારેય બન્નેનું મિલન, વાર્તાલાપ, થયાની કોઈ ઘટના શેણી ચરિત્રમાં મૂળભૂત રીતે પણ મળતી નથી. વ2વાની તો વાત જ નથી. પોતે જ માતા-પિતા સમક્ષ બ્રહ્મચર્ય વ્રત ધારણ ર્ક્યાની, સાધના-ઉપાસનાની વાત કથેલી અને વેદા ચારણે પણ આવી ઘટનાનો ફંફેરો ર્ક્યા વગર એને મોટી શરત મુકી સુદીર્ઘ સમયનો અવકાશ ભાર વિવેક જાળવીને એમને મુકી આપ્યો.
શેણીની સંગીતવાદ્ય પ્રીતિ અને ચારણ આઈસંસ્કૃતિને એની શક્તિ પરંપરા સંદર્ભે અવલોકવાની હોય. જોગમાયાને પ્રેમીપાત્ર, વિરહમાં રવરવતી, રખડતી કલ્પવી આલેખવી એ ફિકિટકેયસ રિયાલિટિનું વરવું રૂપ ચારણી સંસ્કૃતિ, સંસ્કાર અને સંયમને ઘોબો પાડી દેનારી ઘટના છે. શેણીઆઈનું સ્થાનક એના પરચા અને પ્રભાવ ઉપર લૌકિક કલ્પનાના વાદળોની આડશે એક સમયે ભારે વિરોધનો વંટોળ પ્રસરાવેલો.
શેણી આઈના નામછાપથી પચીસેક દુહા પરંપરામાં, વાર્તામાં પ્રચલિત છે. એમના દ્વારા રચાયેલા દુહા કવિતા ચારણી ક્વયિત્રીઓના પ્રદાન સંદર્ભે મહત્ત્વના છે. આપણે ત્યાં ગુજરાતી લોકસાહિત્યનું ચારણીસાહિત્યમાં જે ઈન્ટરપોલેશન થયું છે એને લોકસાંસ્કૃતિક અભિગમમૂલક અભ્યાસ થકી અલગ તારવીને એનું શક્યતાથી સભર, સ્વીકૃત સત્ય પણ એક પાઠ તરીકે આજના અધુનાતન વિવિધ દૃષ્ટિકોણથી થતાં અભ્યાસ માટે, સામગ્રી રૂપે સુલભ કરાવવા ઉદ્યુક્ત થવું જોઈએ. શેણીઆઈની અને એમના નામછાપ સાથે મળતી દુહાકવિતા ગુજરાતી ચારણી પરંપરાના કંઠસ્થ સાહિત્યનું ઉજળું ઉદાહરણ છે.