Wed Sep 16 2026

Logo

ગુજરાતમાં ચોમાસા પહેલા વરસાદની એન્ટ્રી, વૃક્ષો પડ્યા, મકાન ધરાશાયી, એકનું મોત

2026-05-31 20:26:38
Author: Pooja Shah
ગુજરાતમાં ચોમાસા પહેલા વરસાદની એન્ટ્રી, વૃક્ષો પડ્યા, મકાન ધરાશાયી, એકનું મોત

અમદાવાદઃ ગુજરાતમાં શનિવારથી જ વરસાદી માહોલ સર્જાયો હતો અને ઠેર ઠેર વરસાદ સાથે વરસાદી આફતોએ જનજીવન પર અસર કરી હતી. નર્મદા જિલ્લામાં મકાન ધરાશાયી થતા એક 11 વર્ષીય બાળકીના મોતના અહેવાલો પણ પ્રકાશમાં આવ્યા હતા. ગુજરાતમાં રવિવારે સવારથી વિવિધ શહેરો અને ગામડાઓમાં વરસાદી માહોલ જામ્યો હતો. દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના ઘણા ભાગોમાં વરસાદના ભારે ઝાંપટા પડ્યા હતા. જોકે વરસાદને લીધે તાપમાન નીચે જતા સખત ગરમીથી રાહત મળી હતી, પરંતુ અનેક ઠેકામે વૃક્ષો ધરાશાયી થવાના અને રસ્તાઓ પર પાણી ભરાઈ જવાથી નાગરિકોએ પરેશાની સહન કરવી પડી હતી. 

નર્મદા જિલ્લામાં શનિવારે મોડી રાત્રે વાવાઝોડા જેવો ભારેપવન  શરૂ થયો હતો. અહીં નાંદોદના લાછરસ નામના ગામાં એક ગરીબ પરિવારનું મકાન ધરાશાયી થયું હતું અને પરિવારની 11 વર્ષીય બાળકીનું મોત નિપજ્યું હતું જ્યારે અન્ય સભ્યોને બચાવી લેવાયા હતા. જોકે પરિવારની લાડકી દીકરીની મોતને કારણે સમગ્ર ગામમાં શોક વ્યાપી ગયો હતો. 

બીજી બાજુ છોટા ઉદેપુરના બોડેલીમાં રવિવારે વહેલી સવારે વાવાઝોડા જેવો જોરદાર પવન ફૂંકાયો હતો. રેલવેલાઈન પર એક વૃક્ષ ધરાશાયી થતા રેલવેની ઓવરહેડ વીજલાઈન તૂટી પડી હતી. આ કારણે બોડેલીથી છોટા ઉદેપુર વચ્ચેનો ટ્રેન વ્યવહાર ખોરવાઈ ગયો હતો. 

સુરત શહેરમાં પણ સવારથી વરસાદ વરસ્યો હતો અને અમુક રોડ પર પાણી ભરાયા હતા. તો જૂનાગઢમાં પણ વરસાદના ઝાંપટા વરસ્યા હતા અને દાતાર પર્વત પર વરસાદી માહોલ સર્જાતા પર્યટકોને સુંદર નજારો જોવા મળ્યો હતો. 

દરમિયાન સ્ટેટ ઈમરજન્સી ઑપરેશન સેન્ટર, ગાંધીનગર દ્વારા આપવામાં આવેલા આંકડા અનુસાર 30.5.2026ની સવારે છ વાગ્યાથી 31.05.2026ની સવારે છ વાગ્યા સુધીમાં મહિસાગરના વીરપુરમાં 1.14 ઈંચ, અરવલ્લીના મોડાસામાં 1.10 ઈંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે લગભગ 45 જેટલા તાલુકામાં વરસાદ નોંધાયો હતો. તો રવિવારે જૂનાગઢ શહેર અને વંથલી તેમ જ વલસાડના કપરડામાં સામાન્ય વરસાદ નોંધાયો હતો. 

દરમિયાન વરસાદી માહોલને લીધે ગરમીનો પારો થોડો નીચે ગગડ્યો હતો. 43થી 44 ડિગ્રી વચ્ચે તપતા અમદાવાદનું તાપમાન 40 ડિગ્રી નોંધાયું હતું. રાજકોટ, અમરેલી, ભાવનગરમાં પણ 40 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. વડોદરામાં 39 તેમ જ સુરતમાં મહતમ તાપમાન 36 ડિગ્રી નોંધાયું હતું, જ્યારે ભુજમાં 37 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. ગુજરાતમાં હજુ 6ઠ્ઠી જૂન સુધી વરસાદ પડવાની શક્યતા છે.