Mon Aug 31 2026

Logo

સ્પોટર્સવુમન: સ્વિમ-ક્વીન સીમાની મહત્ત્વાકાંક્ષા અસીમ...

2026-08-23 07:51:00
Author: Ajay Motiwala
સ્પોટર્સવુમન: સ્વિમ-ક્વીન સીમાની મહત્ત્વાકાંક્ષા અસીમ...

મુંબઈમાં રહેતાં 59 વર્ષના સીમા વોરાએ તાજેતરમાં ઇંગ્લૅન્ડથી ફ્રાન્સ સુધીની ઇંગ્લિશ ચૅનલ સફળતાથી પાર કરી: હવે સેવન ઑશન તરવાની તેમની તીવ્ર ઇચ્છા છે

- અજય મોતીવાલા

સીમાએ ઇંગ્લૅન્ડથી ઇંગ્લિશ ચૅનલનું સાહસ શરૂ કરતાં પહેલાં દરિયાના પાણીમાં શીર્ષાસન કર્યું હતું. 

જ્યાં ઇંગ્લૅન્ડ અને ફ્રાન્સ વચ્ચેના ઍટલાન્ટિક મહાસાગરમાં તોફાની મોજાં છાશવારે હિલોળાં લેતા હોય, જેલી ફિશ અને અન્ય દરિયાઈ જીવો જ્યાં રાજ કરતા હોય, હવામાન કોઈ પણ ઘડીએ બદલાતું હોય, પવનનું પણ જ્યાં વારંવાર ઓચિંતુ આક્રમણ થતું હોય એવી બધી જટિલ પરિસ્થિતિમાં 59 વર્ષની ઉંમરનાં સીમાબહેન જિતુભાઈ વોરા નામના સ્વિમરે ભારત અને શ્રીલંકાના સમુદ્રમાં અનેક સિદ્ધિઓ મેળવ્યા બાદ હવે અત્યંત કઠિન ચૅલેન્જ ઉપાડીને તેમ જ દરેક પડકારોને હિંમતથી માત આપીને ઇંગ્લૅન્ડ-ફ્રાન્સ વચ્ચેની ઇંગ્લિશ ચૅનલ પાર કરીને પોતાની યશકલગીમાં વધુ એક પીછું ઉમેર્યું એ જ બતાવે છે કે તેમને સતતપણે કોઈક દૈવી શક્તિનું જ પીઠબળ મળતું રહ્યું છે.

તાજેતરમાં ઇંગ્લિશ ચૅનલનું આ સાહસ પૂરું કરનાર ભારતના તમામ સાત સાહસિકમાં મલાડ (પશ્ર્ચિમ)માં રહેતા કપોળ સમાજના સીમાબેન એકમાત્ર ગુજરાતી હતાં. સીમાબેન ‘મુંબઈ સમાચાર’ને કહે છે, ‘મને એ કહેતા આનંદ થાય છે કે ઈશ્ર્વરની કૃપા અને કુદરતની મહેરબાનીથી મેં તાજેતરમાં જ ઇંગ્લૅન્ડથી ફ્રાન્સ વચ્ચેની ઇંગ્લિશ ચૅનલ 14.42 કલાકમાં પૂરી કરી છે.’

સીમાબહેને જુવાનિયાઓને પણ શરમાવે એવી સિદ્ધિઓ મેળવી છે. તેમના ત્રણ સૌથી પ્રિય શબ્દો છે: ડિટરમિનેશન, ડેડિકેશન અને વિલ પાવર. સંકલ્પ કર્યો હોય અને સાહસ પૂરું કરવા સમર્પિત થઈ જવાની જો નિષ્ઠા અને તૈયારી હોય તો (નકારાત્મક સલાહ કે ટિપ્પણીઓ અવગણીને) આત્મશક્તિથી ભલભલું હાંસલ થઈ શકે એવું તેમનું માનવું છે. ઇંગ્લિશ ચૅનલમાં લગભગ 70 કિલોમીટરનું અંતર તરીને બે દાયકાની પોતાની સ્વિમિંગ કારકિર્દીમાં વધુ એક મોટી ઉપલબ્ધિ મેળવી એ વિશે તેમણે ‘મુંબઈ સમાચાર’ સાથેની વાતચીતમાં કહ્યું, ‘ઇંગ્લિશ ચૅનલ માટે દરિયામાં ઝંપલાવતાં પહેલાં મેં સાહસના ઉદભવસ્થાન ખાતે ભગવાન શિવજી માટે દરિયાના પાણીમાં જ શીર્ષાસન કર્યું હતું. મેં આ સાહસ માટે નક્કી થયેલી તારીખે મોડી રાત્રે 11.48 વાગ્યે યુકેમાં સૅમ્ફાયરહોના દરિયામાં ઝંપલાવ્યું હતું અને 14.42 કલાક સુધી તરીને ફ્રાન્સમાં વીઝેન્ટના કિનારે મારી સફર પૂરી કરી હતી. અમે ભારતના કુલ સાત જણ હતા જેમાં બે મહિલા હતી. અમારી ટીમમાં બેંગ્લૂરુની 12 વર્ષની છોકરી પણ હતી જે તેના પપ્પા સાથે ઇંગ્લિશ ચૅનલ તરવા આવી હતી.’

સીમાબહેન વોરાનો અનુભવ

સીમાબહેન વોરા ‘મુંબઈ સમાચાર’ને કહે છે, ‘ઇંગ્લિશ ચૅનલ તરવી અને પૂરી કરવી ખૂબ જ સંઘર્ષપૂર્ણ અને પડકારરૂપ છે. ઍટલાન્ટિક ઑશનમાં મોસમ બદલાતી રહેતી હોય, અમારે ઇંગ્લૅન્ડના દક્ષિણ ભાગથી લઈને ફ્રાન્સના ઉત્તર ભાગ સુધીના સમુદ્રના જે હિસ્સામાં તરવાનું હતું એ આખા પટ્ટામાં ખૂબ ટ્રાફિક હોય. બીજી રીતે કહું તો જહાજો આવતાં-જતાં હોય, ફિશિંગની ઘણી બોટની પણ હાજરી હોય, મરીન લાઇફ પણ ખૂબ સક્રિય હોય, પાણી ઠંડુંગાર હોય, દરિયાનાં મોજાં તો એવા ઉછળતા હોય કે વાત જ ન પૂછો. સી-સીકનેસનો ભોગ પણ થઈ જવાય. ભારે પવન પણ ફૂંકાતો હોય અને એવામાં ક્યાંય દૂર ફંટાઈ જવાય એની ખબર પણ ન પડે. અધૂરામાં પૂરું, જેલી ફિશ પણ કરડીને જતી રહેતી હોય. આવી કઠિન સ્થિતિમાં જો દૂર ફંટાઈ ગયા તો આવી જ બન્યું. મુખ્ય રૂટ પર આવવા માટે પાછા એક કલાક તરવું પડે. ભગવાનની કૃપાથી મારે એવી કોઈ કઠિન સ્થિતિનો સામનો નહોતો કરવો પડ્યો. હા, સામાન્ય રીતે આ ચૅનલનું અંતર 37 કિલોમીટરનું હોય, પણ મારે અને મારા બીજા સાથીઓએ અહીં જણાવેલાં વિવિધ કારણોસર તેમ જ અન્ડર કરન્ટને લીધે 70 કિલોમીટર સ્વિમ કરવું પડ્યું હતું. બમણું અંતર થઈ ગયું એટલે ટાઇમ પણ બમણો થઈ ગયો. સામાન્ય રીતે આવી અડચણો અને વિઘ્નો દરેક જણ અનુભવે. સ્ટ્રેઇટ કોઈ ન તરી શકે. ત્રણ મહિના પહેલાં શ્રીલંકાના દરિયામાં હું એકધારું નવ કલાક તરી હતી, પણ ત્યાંની સરખામણીમાં ઇંગ્લિશ ચૅનલમાં અન્ડર કરન્ટ વધુ હતું અને પાણી પણ વધુ ઠંડું હતું. જોકે ગિવ-અપ ન કરવાની મારા કોચ સતીષસરની એકધારી સલાહથી હું મિશન પૂરું કરવામાં સફળ થઈ હતી.’

‘જેલી ફિશ કરડે તો પણ ચલાવી લેવું પડે’

સીમાબહેન તરતી વખતે જેલી ફિશનો સામનો કરવામાં થયેલા અનુભવની વાત કરતા કહે છે, ‘મરીન લાઇફનો સામનો કરવો જ પડશે એવું વિચારીને જ અમે દરિયામાં ઝંપલાવ્યું હતું. જેલી ફિશનો સામનો કરવાની અમારે માનસિક તૈયારી રાખવી જ પડી હતી. જોકે નજીકની બોટમાંથી કોચ અને અન્ય સહાયક અમને હિંમત અપાવતા હતા, પણ પાણીમાં વિપરીત સ્થિતિનો સામનો તો અમારે કરવાનો હતો. જેલી ફિશ કરડી છતાં થોડો સમય એ સહન કરી લેવું પડ્યું હતું. મને મારા બે કોચ સતીષ સર તેમ જ યાકુબ સર તરફથી સતતપણે બહુ સારું મૉટિવેશન મળ્યું હતું એટલે જ આ સાહસને સફળ અંજામ આપી શકી. અમે ફ્રાન્સમાં નિયત કિનારે પહોંચ્યા ત્યારે અમને રિસીવ કરવા માટે વીઝેન્ટ ટાઉનના સ્થાનિક વિસ્તારના મેયર આવ્યા હતા જે અમારા માટે ગૌરવની વાત હતી.’

 અઢી-ત્રણ વર્ષ પહેલાં બુકિંગ થાય

 જેમ માઉન્ટ એવરેસ્ટ સર કરવા માટે પ્રતિ વર્ષ દેશ-વિદેશમાંથી અનેક લોકો નેપાળ આવતા હોય એમ દક્ષિણ ઇંગ્લૅન્ડથી ઉત્તર ફ્રાન્સ સુધીની ઇંગ્લિશ ચૅનલ તરવા માટે પણ દર વર્ષે દેશ-વિદેશમાંથી અસંખ્ય લોકો આવે એટલે ઍડવાન્સમાં બુકિંગ કરાવવું પડે. સામાન્ય રીતે અઢી-ત્રણ વર્ષ પહેલાં સ્લૉટ બુક કરાવી લેવો પડે. દરિયાનાં મોજાં મુજબ સ્લૉટ નક્કી થાય. સ્પ્રિંગ ટાઇડમાં મોજાં વધુ સ્ટ્રૉન્ગ હોય, જ્યારે નીપ ટાઇડમાં ઓછા સ્ટ્રૉન્ગ હોય. અમે સ્પ્રિંગ ટાઇડનો સ્લૉટ બુક કરાવ્યો હતો. જોકે હવામાન અને પવનની સ્થિતિ પરથી સ્લૉટ નક્કી થયા હતા. અમારા કોચ દરિયાની સંપૂર્ણ પરિસ્થિતિ જાણતા હતા એટલે અમને ચૅનલ તરતાં પહેલાંના ટ્રેઇનિંગના દિવસોમાં ક્યારે કેટલા કલાક તરવાનું એ કહેવામાં આવ્યું હતું. હું બેંગ્લૂરુની ઑર્ગેનાઇઝર્સ સંસ્થા સ્વિમ લાઇફ સાથેના સંપર્ક મુજબ મહિના પહેલાં જ યુકે પહોંચી ગઈ હતી. મારી સાથે બીજા લગભગ 17 સાહસિક પણ હતા. અમે યુકેમાં આઠ બેડરૂમ કિચનવાળા એક જ મોટા ઘરમાં રહ્યા હતા અને અમારા સાહસ માટે એકમેકને મૉટિવેટ કર્યા હતા તેમ જ સહિયારી તાલીમ લીધી હતી.’

સીમાબહેન વધુમાં કહે છે, ‘હું માંદી ન પડી એટલે મારો સંકલ્પ વધુ મજબૂત થતો ગયો હતો. સામાન્ય રીતે વિપરીત પરિસ્થિતિઓ અને ડાયટ સરખું ન હોય તો માંદા પડી જવાય અને ઍડવેન્ચર રદ કરવું પડે, પરંતુ સદનસીબે મેં મસલ્સ સ્ટ્રેન્થ પર પૂરતું ધ્યાન આપ્યું હતું (ફિટનેસ જાળવી હતી), એનર્જી લેવલ જાળવ્યું હતું અને ડાયેટિશ્યન તથા મારા પ્રશિક્ષકોએ સૂચવેલા ડાયટને જ ફૉલો કરતી હતી એટલે માંદી નહોતી પડી.’

 પતિ-પુત્રનો સંપૂર્ણ સપોર્ટ

 સીમાબહેન વ્યવસાયે ઇન્ટિરિયર ડિઝાઇનર છે. તેઓ 35 વર્ષની ઉંમર બાદ સ્વિમિંગ શીખ્યા અને 20 વર્ષથી મોટી સ્પર્ધાઓમાં ભાગ લે છે. તેઓ કહે છે ‘મારા હસબન્ડ જિતુ વોરા સ્પોર્ટ્સલવર છે અને બહુ સારા સ્વિમર છે. તેમની પાસેથી વર્ષોથી મળતા પ્રોત્સાહન તેમ જ પુત્ર રાજ તરફથી પણ મળતા સપોર્ટથી જ હું મોટી મોટી સ્પર્ધાઓમાં ભાગ લઈ શકું છું અને આ વખતે મેં ઇંગ્લિશ ચૅનલની અપ્રતિમ સિદ્ધિ પણ હાંસલ કરી. આ ઍડવેન્ચર માટે હું દોઢ વર્ષથી તાલીમ લેતી હતી. સામાન્ય રીતે કૉમ્પિટિશન દરમ્યાન અમને ફુલ સેફ્ટી મળતી હોય છે. અમારી સાથે-સાથે આગળ વધતી બોટમાં સ્વિમર્સ, સેફ્ટી-ટૂલ્સ, મેડિકલ ઇમર્જન્સીનાં સાધનો, ફૂડ, વૉટર, ડિરેક્શન ગાઇડ કરનારા હોય છે. નિયમ મુજબ અમે જ્યારે સ્વિમિંગ કરી રહ્યા હોઈએ ત્યારે અમે કોઈ પણ બોટનો સહારો ન લઈ શકીએ. અમારે ખાવું હોય કે પાણી પીવું હોય તો પાણીમાં જ ઊભા-ઊભા કે ફ્લૉટ થતાં-થતાં લેવાનું હોય. થાક લાગે તો 15-20 સેક્ધડ પાણીમાં જ ઊભા રહીને થાક ઉતારી લેવો પડે અને ફરી સ્વિમિંગ શરૂ કરી દેવું પડે. દર વર્ષે હું કંઈક અલગ કરતી રહું છું. 2024માં મેં ગેટવે ઑફ ઇન્ડિયાથી લઈને એલિફન્ટા સુધી 14 કિલોમીટરનું ઓપન સી સ્વિમિંગ અને ત્યાર બાદ ગેટવેથી અટલ સેતુ સુધીનું 18 કિલોમીટરનું સ્વિમિંગ કર્યું હતું. આ વર્ષે જાન્યુઆરીમાં મેં નૉર્થ ગોવાથી સાઉથ ગોવા સુધીનું 20 કિલોમીટર સ્વિમિંગ કર્યું હતું. મેમાં શ્રીલંકાથી ભારત વચ્ચે મેં સાત કલાકમાં 27 કિલોમીટરનું દરિયાઈ સાહસ એકધારું તરીને પૂરું કર્યું હતું. આ ઉપરાંત હું અનેક સ્વિમિંગ ઇવેન્ટ અને કૉમ્પિટિશનમાં ભાગ લઈ પણ ચૂકી છું.’

 હવે સેવન ઑશનની ખ્વાહિશ

 સીમાબહેનની સિદ્ધિઓ યુવા વર્ગ માટે પ્રેરણારૂપ છે. તેઓ ગર્વથી કહે છે, ‘સપ્ટેમ્બરમાં મને 60મું વર્ષ બેસશે એટલે મેં પોતાને ઇંગ્લિશ ચૅનલની બર્થ-ડે ગિફ્ટ ઍડવાન્સમાં જ આપી દીધી છે.’ સીમાબહેનની સિદ્ધિના સંકલ્પની જાણે કોઈ સીમા નથી. તેમની મહેચ્છા અસીમ છે. જેમ ઘણા લોકો માઉન્ટ એવરેસ્ટ સર કરવાની ઇચ્છા રાખતા હોય એમ સીમાબહેનને સમુદ્રમાં તરવું સૌથી પ્રિય છે અને તેઓ બે વર્ષમાં સેવન ઑશન તરવા માગે છે. તેઓ એ લક્ષ્ય પણ હાંસલ કરવા મક્કમ છે.