Mon Aug 31 2026

Logo

ભારતીય ચોખામાં વૈશ્વિક સ્તરે વધતું આકર્ષણ

2026-08-31 19:31:28
Author: Ramesh Gohil
ભારતીય ચોખામાં વૈશ્વિક સ્તરે વધતું આકર્ષણ


નવી દિલ્હીઃ ભારતીય ચોખાની વેરાઈટીઓમાં વૈશ્વિક સ્તરે આકર્ષણ વધી રહ્યું હોવાથી આગામી 23થી 25 ઑક્ટોબર દરમિયાન નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે યોજાનારી ભારત ઈન્ટરનેશનલ રાઈસ કોન્ફરન્સ 2026(બીઆઈઆરસી 2026)માં ભાગ લેવા માટે ગત 30મી ઑગસ્ટ સુધીમાં 138 દેશોના 3317 ખરીદદારોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. 

બીઆઈઆરસી 2026માં ભાગ લેવા માટે 138 દેશનાં 3317 ખરીદદારોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે, જે સ્પષ્ટપણે દર્શાવે છે કે વૈશ્વિક બજાર  ચોખા માટે ભારત તરફ મીટ માંડે છે. આથી આપણું ધ્યાન આંતરરાષ્ટ્રીય સહભાગિતાને નવાં વેપાર રૂટમાં રૂપાંતરિત કરવાનું છે. ભારતીય ચોખાના નિકાસકારો માટે નવાં ખરીદદારો અને લાંબાગાળાનાં સંબંધો કેળવવાની તક હોવાનું ઈન્ડિયન રાઈસ એક્સ્પોર્ટર્સ ફેડરેશનનાં પ્રમુખ દેવ ગર્ગે જણાવ્યું હતું. 

આ વર્ષનાં પરિસંવાદનાં રજિસ્ટ્રેશનમાં ભૌગોલિક સ્તરે વધેલો વ્યાપ કેન્દ્ર સ્થાને છે. ખાસ કરીને પાડોશી દેશો, આફ્રિકા, અખાતી દેશો, દક્ષિણપૂર્વ એશિયાએ નોંધપાત્ર સહભાગિતા દાખવી છે. તેમ જ દેશ અનુસાર જોઈએ તો બાંગ્લાદેશમાંથી સૌથી વધુ 336 ખરીદદારોનો સમાવેશ થાય છે. ત્યાર બાદ અનુક્રમે બેનિનના 179, નાઈજિરિયાનાં 177, સંયુક્ત આરબ અમિરાતનાં 145, નેપાળ અને ફિલિપાઈન્સ પ્રત્યેકનાં 137, ઈથોપિયાના 127, સાઉદી અરેબિયાનાં 125 અને ઈન્ડોનેશિયા તથા દક્ષિણ આફ્રિકા પ્રત્યેકના 109 રજિસ્ટ્રેશનનો સમાવેશ થાય છે. આ ઉપરાંત સેનેગલ, ઈરાક, સોમાલિયા, ગુએના, યમન, સીએએ ડી-આઈવોરે, નાઈજર, ઑસ્ટ્રેલિયા, માલી, મલયેશિયા, ઘાના, એન્ગોલા અને કેન્યા જેવી ઘણી ઊભરતી બજારોના રજિસ્ટ્રેશનનો સમાવેશ થાય છે. 

ફેડરેશને જણાવ્યું હતું કે બીઆઈઆરસી 2026નો મુખ્ય ઉદ્દેશ વધી રહેલા આંતરરાષ્ટ્રીય પ્રતિસાદને ચોખાના નિકાસકારો માટે નવી વેપારી તકોને લાંબા સમયગાળાના વેપારી સંબંધોમાં પરાવર્તિત કરવાનો છે. 

પરિસંવાદના એક મુખ્ય સત્રમાં `ગ્લોબલ ડિમાન્ડ ઍન્ડ સપ્લાય આઉટલૂક 2027ઃ પ્રાઈસ ક્રેશ ઓર ન્યૂ બુલ રન? 'નો સમાવેશ થાય છે. જેમાં પાકનાં સર્વેક્ષણ, ઉત્પાદનના અંદાજો, માગ અને પુરવઠાના ડેટાઓ, સ્ટોકનું સ્તર વગેરેને ધ્યાનમાં રાખીને નિષ્ણાતો વર્ષ 2027 માટેનાં ભાવ અને વેપારનાં સિનારિયો અંગે મંતવ્ય આપશે.