નવી દિલ્હીઃ દેશમાં ખાંડના વધતા ભાવ અટકાવવા માટે સરકારે ઘણાં પગલાંઓ લીધા હોવા છતાં ગત રવિવારે દેશની ઘણી રિટેલ બજારમાં ખાંડના ભાવ કિલોદીઠ રૂ. 60ની ઉપરની સપાટીએ મક્કમ ધોરણે પ્રવર્તી રહ્યા હોવાનું અધિકૃત આંકડાકીય માહિતી પરથી જાણવા મળ્યું છે.
ગ્રાહક બાબતોના મંત્રાલયની આંકડાકીય માહિતી અનુસાર ગત રવિવારે દેશભરમાં ખાંડનાં કિલોદીઠ સરેરાશ ભાવ આગલા સપ્તાહના રૂ. 63.12 સામે 1.77 ટકા વધીને રૂ. 64.24ના મથાળે રહ્યા હતા. જોકે, ગત સાલના સમાનગાળાના કિલોદીઠ રૂ. 38.63ના ભાવ સામે અંદાજે 30 ટકા જેટલો વધારો થયો છે.
અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે ગત 30મી ઑગસ્ટના રોજ સૌથી વધુ રિટેલ ભાવ કિલોદીઠ રૂ. 74 અને ન્યૂનતમ ભાવ રૂ. 40 નોંધાયા હતા. તેમ જ શહેરો અનુસાર જોતા નવી દિલ્હીમાં ખાંડના ભાવ કિલોદીઠ રૂ. 62, મુંબઈમાં રૂ. 66, ચેન્નાઈમાં રૂ. 63 અને રાંચીમાં કિલોદીઠ રૂ. 68ની સપાટીએ રહ્યા હતા.
જોકે, આજે એક્સ મિલ ધોરણે ખાંડના કિલોદીઠ ભાવ જે 18મી ઑગસ્ટે રૂ. 67ની ઊંચી સપાટીએ પહોંચ્યા હતા તેની સરખામણીમાં આજે (સોમવારે) અંદાજે 30 ટકાના ઘટાડા સાથે કિલોદીઠ રૂ. 47ના મથાળે રહ્યા હતા. આમ એકંદરે સરકારી પગલાંઓને કારણે મિલો પર ભાવમાં જોવા મળેલા ઘટાડાની સરખામણીમાં રિટેલ સ્તરે ઘટાડો જોવા નથી મળ્યો. સૂત્રોના જણાવ્યાનુસાર જે રિટેલરોએ ઊંચા ભાવથી ખરીદી કરી છે તેઓ નીચા ભાવથી વેચવા રાજી ન હોવાથી તેઓ જ્યાં સુધી જૂનો સ્ટોક રહેશે ત્યાં સુધી ઊંચા ભાવથી વેચાણ કરશે.
સામાન્યપણે રિટેલરો પ્રત્યેક 50 કિલોની એક એવી 10થી 15 ગૂણીનો સ્ટોક રાખતા હોય છે અને જ્યારે તેઓ નીચા ભાવનાં માલની ખરીદી કરશે ત્યારે રિટેલ સ્તરે ભાવમાં ઘટાડો જોવા મળશે, એમ સૂત્રોએ ઉમેર્યું હતું.