અમદાવાદ/નવી દિલ્હીઃ દેશના અનેક રાજ્યોમાં ફરીથી એકવાર હવામાનમાં પલટો આવ્યો છે. હવામાન વિભાગે ગુજરાત-મહારાષ્ટ્ર સહિત 17 રાજ્યોમાં વરસાદનું એલર્ટ આપ્યું છે. આ ઉપરાંત કેટલાક રાજ્યોમાં કરા પડવાની પણ આગાહી કરી છે. ઉત્તર-પૂર્વ ભારત સહિત કેટલાક વિસ્તારમાં થોડા દિવસ સુધી વરસાદ પડી શકે છે. જ્યારે ઉત્તર-પશ્ચિમ, મધ્ય અને પૂર્વ ભારતના ઘણા વિસ્તારમાં ભારે પવન અને ગાજવીજ સાથે હવામાનમાં પલટો આવવાની શક્યતા છે.
હવામાન વિભાગ પ્રમાણે, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં વરસાદનું એલર્ટ છે. 50 થી 60 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. બનાસકાંઠા, મહેસાણા, પાટણ, ગાંધીનગર, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, વડોદરા, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, તાપી,બોટાદ, કચ્છ, જૂનાગઠ, રાજકોટ, અમરેલીમાં વરસાદની આગાહી છે.
હવામાન વિભાગ પ્રમાણે, ઉત્તર ભારતના ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, રાજસ્થાનમાં વરસાદ પડશે. જ્યારે દક્ષિણ ભારતના તમામ રાજ્યો માટે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે. મધ્ય અને પશ્ચિમ ભારતના મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, ગુજરાત, મહારાષ્ટ્ર પણ પ્રભાવિત રહેશે. પૂર્વ ભારતના 5 રાજ્યો બિહાર, ઝારખંડ, ઓડિશા, પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે.
આ ઉપરાંત ચોમાસાને લઈ પણ હવામાન વિભાગે અપડેટ આપ્યું છે. હવામાન વિભાગ અનુસાર, ચોમાસું આગળ વધી રહ્યું છે. આગામી 3 થી 4 દિવસમાં ચોમાસું દક્ષિણ-પૂર્વ અરબ સાગર, લક્ષદ્વીપ, કેરલમ, તમિલનાડુના કેટલાક વિસ્તાર તથા બંગાળની ખાડીમાં આગળ વધવા માટે પરિસ્થિતિ અનૂકુળ છે. કેરલમ, તમિલનાડુ, લક્ષદ્વીપ અને દક્ષિણ ભારતના અન્ય હિસ્સામાં વરસાદની ગતિવિધિ તેજ થશે. બંગાળની ખાડીમાં ચોમાસું આગળ વધવાની પૂર્વોત્તર અને પૂર્વ ભારતમાં પણ વરસાદનું જોર વધવાની સંભાવના છે.
દિલ્હીમાં આજે આંશિક વાદળછાયું વાતાવરણ રહેશે. બપોર બાદ 20 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. ઉત્તર પ્રદેશના અનેક હિસ્સામાં આજે ગાજવીજ સાથે આંધી-વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે. ઉપરાંત 40 થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. બિહારમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે, તેમજ 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે.
રાજસ્થાનમાં આગામી 7 દિવસ સુધી અનેક હિસ્સામાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. કેટલાક વિસ્તારમાં કરાનું પણ એલર્ટ અપાયું છે. તેમજ ઘણા જિલ્લામાં 50 થી 80 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. હિમાચલ પ્રદેશમાં ગાજવીજ, ભારે પવન અને વરસાદની સંભાવના છે. ઉત્તરાખંડમાં પણ વરસાદની સંભાવના છે. ઝારખંડમાં ભારે પવન સાથે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે.