ભુજઃ રણપ્રદેશ કચ્છમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટી વેગીલી બનવાના હવામાન વિભાગના વર્તારા વચ્ચે આજે વહેલી સવારથી જ ધૂપછાંવનો માહોલ જોવા મળ્યો હતો. પવનની ગતિ મંદ પડવાની સાથે વાતાવરણમાં ભેજનું પ્રમાણ નોંધપાત્ર રીતે વધી જતાં સમગ્ર જિલ્લામાં અસહ્ય બફારો અને ઉકળાટ અનુભવાયો હતો, જેના કારણે જનજીવન આકુળ-વ્યાકુળ બન્યું હતું. જોકે, વરસાદની તીવ્ર આગાહી હોવા છતાં મોડી સાંજ સુધી જિલ્લામાં ક્યાંયથી પણ વરસાદી ઝાપટું પડ્યું હોવાના અહેવાલ સાંપડ્યા નથી.
હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા સાત દિવસના વરતારા મુજબ, કચ્છના કેટલાક વિસ્તારોમાં પ્રતિ કલાક ૪૦થી ૫૦ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવા ઉપરાંત વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ થવાની સંભાવના હજુ પણ યથાવત્ રાખવામાં આવી છે.
બીજી તરફ, હવામાન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર હાલમાં ગુજરાત પર ચાર જેટલી વરસાદી સિસ્ટમ સક્રિય થયેલી છે, પરંતુ પશ્ચિમી વિક્ષોભ દક્ષિણ-પશ્ચિમ દિશા તરફ આગળ વધી જતાં કચ્છમાં વરસાદની તીવ્રતા ધાર્યા કરતાં ઓછી રહે તેવું અનુમાન છે.
છેલ્લા બે દિવસની સરખામણીએ રવિવારથી પવનની ઝડપ ઘટતાં ગરમીનો પારો ફરી ઊંચકાયો છે. ઔદ્યોગિક નગરી અંજાર અને ગાંધીધામમાં મહત્તમ તાપમાન ૪૦ ડિગ્રીની નજીક પહોંચી ગયું હતું. જ્યારે જિલ્લા મથક ભુજમાં ૩૭.૪ ડિગ્રી અને કંડલા પોર્ટ વિસ્તારમાં ૩૮.૫ ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું. દિવસ દરમિયાન આકરા ઉકળાટ બાદ રાત્રિનું લઘુતમ તાપમાન પણ ૨૮થી ૩૦ ડિગ્રીની વચ્ચે રહેતાં રાત્રે પણ લોકોને બફારાથી મુક્તિ મળી ન હતી. ચાલુ સપ્તાહ દરમિયાન પ્રિ-મોન્સૂન ગતિવિધિઓ વધુ વેગ પકડશે તેવા સંકેતો વચ્ચે હાલ પંથકમાં માત્ર વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે.
(ઉત્સવ વૈદ્ય)