મુંબઈઃ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2026ના રેડ કાર્પેટ પર પોતાના જલવાથી છવાઈ ગયેલી બિગ પરિવારની વહૂરાણી ઐશ્વર્યા રાયના લુક અને વજનને લઈને સોશિયલ મીડિયા પર ચાલી રહેલી ટ્રોલિંગ સામે તેની 'દેવદાસ'ની કો-સ્ટાર માધુરી દીક્ષિત ઢાલ બનીને ટ્રોલરની આકરી ઝાટકણી કાઢી છે. મીડિયા સાથેની વાતચીતમાં માધુરીએ ટ્રોલર્સને જડબાતોડ જવાબ આપતા કહ્યું હતું કે ઐશ્વર્યાને તેના લુક, ડ્રેસની સાઈઝ કે ઉંમરથી નહીં, પરંતુ તેની અપ્રતિમ સિદ્ધિઓથી ઓળખવી જોઈએ.
માધુરીએ ઐશ્વર્યાને 'ગ્લોબલ સ્ટાર' ગણાવતા કહ્યું કે મિસ વર્લ્ડ બનવાથી લઈને છેલ્લા 20 વર્ષથી વધુ સમયથી આંતરરાષ્ટ્રીય મંચ પર ભારતનું પ્રતિનિધિત્વ કરીને તેને દેશનું નામ રોશન કર્યું છે. માધુરીના મતે, ઐશ્વર્યા માત્ર બહારથી જ નહીં, પરંતુ અંદરથી પણ એટલી જ સુંદર અભિનેત્રી છે.
ઐશ્વર્યાના લુક પર થતી નેગેટિવ ટિપ્પણીઓ પર નારાજગી વ્યક્ત કરતા માધુરીએ સવાલ ઉઠાવ્યો હતો કે કોઈ વ્યક્તિની સિદ્ધિઓને નજરઅંદાજ કરીને માત્ર તેના દેખાવ પર વાત કરવાથી આપણે યુવા પેઢીને શું ખોટો સંદેશ આપી રહ્યા છીએ? શું કોઈની કિંમત માત્ર તેના દેખાવથી જ નક્કી થાય છે? સોશિયલ મીડિયા વિશે વાત કરતા તેણે કહ્યું હતું કે, ભૂતકાળમાં પણ ટીકાકારો હતા, પરંતુ હવે ડિજિટલ યુગમાં દરેક પાસે પોતાનો મત વ્યક્ત કરવાનું પ્લેટફોર્મ છે અને દરેક નાની-મોટી બાબત કન્ટેન્ટ બની ગઈ છે.
ઉલ્લેખનીય છે કે, માધુરી અને ઐશ્વર્યાએ સંજય લીલા ભણસાલીની સુપરહિટ ફિલ્મ 'દેવદાસ'માં સાથે કામ કર્યું હતું. રસપ્રદ વાત એ છે કે વર્ષ 2002માં ઐશ્વર્યાએ આ જ ફિલ્મના પ્રીમિયર માટે પહેલીવાર કાન્સમાં હાજરી આપી હતી, જ્યાં તેનો પીળી સાડી વાળો લુક આખી દુનિયામાં ચર્ચાનો વિષય બન્યો હતો.
જો માધુરી દીક્ષિતના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તે ટૂંક સમયમાં જ નેટફ્લિક્સની આગામી ફિલ્મ 'માં બહેન'માં જોવા મળશે. આ એક ડાર્ક કોમેડી ફિલ્મ છે, જેમાં માધુરીની સાથે યુવા અભિનેત્રી તૃપ્તિ ડિમરી, પીઢ અભિનેતા રવિ કિશન અને જાણીતી કન્ટેન્ટ ક્રિએટર ધારણા દુર્ગા પણ મુખ્ય અને અહેમ ભૂમિકાઓમાં જોવા મળશે. ચાહકો જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તે આ ફિલ્મ ચોથી જૂનના સ્ટ્રીમ થવા જઈ રહી છે.