બ્રાન્ડ બનશે બિઝનેસ વધશે - સમીર જોશી
આજે એક પ્રોડક્ટ માર્કેટમાં આવે તેની પાછળ બીજી એક સરખી પ્રોડક્ટ પણ આપણને માર્કેટમાં દેખાશે. આમાં મોટેભાગે ઇન્ગ્રેડીએંટના આધારે બનાવેલા પ્રોડક્ટ વધુ જોવા મળશે. ઉદાહરણ તરીકે, ઓનિયન અર્થાત કાંદાને લઈને બનાવેલા માથામાં નાખવાનું તેલ કે પછી મિલેટના આધારે બનાવેલા ખાદ્ય પદાર્થો... અમુક વર્ષો પહેલા લોકો પાસે માહિતી જોઈએ તેટલી ઉપલબ્ધ નહોતી અને તેથી રિસર્ચના આધારે પ્રોડક્ટ બનાવવામાં આવતા. આનો અર્થ તે નથી કે આજે રિસર્ચ નથી થતા, થાય છે અને તે મુજબ પ્રોડક્ટ બને પણ છે. આજે બીજી એક વાત લોકો માટે મહત્ત્વની બની છે અને તે એટલે, ક્ધઝ્યુમર પોતે માગે છે તેને શું જોઈએ છે. ઈન્ટરનેટથી દુનિયા નાની થઇ ગઈ છે અને માહિતીઓનો ઢગલો છે ત્યારે લોકોને શું જોઈએ છે તે લોકો શોધે છે, જાણવાની કોશિશ કરે છે કે આજે શું ચાલી રહ્યું છે અને મને શું જોઈએ છે. બસ આ વાત બ્રાન્ડ માટે રિસર્ચનું કામ કરે છે. આ ઉપરાંત લોકો સોશ્યલ મીડિયા પર શું વાતો કરી રહ્યા છે, કઈ રીતે કરી રહ્યા છે અને શા માટે કરી રહ્યા છે તે જાણવું સહેલું થઇ ગયું છે.
આજે બ્રાન્ડ આના આધારે પોતાના પ્રોડક્ટ કે સર્વિસ બનાવે છે. આનો અર્થ તે કે બ્રાન્ડ આજે સતત લોકોને સાંભળતી રહી છે. એક ટર્મિનોલોજી છે કી-વર્ડ. કોઈ પણ પ્રોડક્ટ બનાવતા પહેલા તેનો અભ્યાસ કરવામાં આવે છે કે કયા કી- વર્ડ આજે સર્ચ એન્જિન પર વધુ ટ્રેન્ડ થઇ રહ્યા છે અને તે મુજબ પ્રોડક્ટમાં બદલાવ અથવા નવા પ્રોડક્ટ આવે છે. આ કી-વર્ડ પણ એક પ્રકારનું સાંભળવું છે. લોકોના રિવ્યુસ અને રેટિંગ્સ પણ સાંભળવાનો એક પ્રકાર આજે છે. આ બધી વાતો બ્રાન્ડને સુધારા વધારા કરવા પ્રેરે છે. આવી વ્યવસ્થા અમુક વર્ષો પહેલા નહોતી એટલે ત્યારે લોકોને થોડી નિરાંત હતી. આજે તમે જો આ સાંભળવામાં થોડી ઢીલ છોડી કે તમે રેસમાંથી બહાર ગયા સમજો. આ સાંભળવાની પ્રક્રિયા ‘સોશ્યલ લિસનીંગ’ના નામે ઓળખાય છે.
બીજા શબ્દોમાં કહીએ તો ક્ધઝ્યુમરને સાંભળવો આજે જરૂરી છે અને તેના થકી તમે તમારી વ્યૂહરચના બનાવી શકશો. બ્રાન્ડને મોટો ફાયદો એ છે કે સોશ્યલ મીડિયા વપરાશકર્તાઓ તમારી કંપની અથવા બ્રાન્ડ વિશે જે વાતચીત કરી રહ્યા છે તે સમજી શકો છો. આના સહારે તમે એમના પ્રશ્નોનો સીધો પ્રતિસાદ આપી શકો છો અથવા વારંવાર આવતા પ્રશ્નો જાણી તેને અનુરૂપ ક્રિએટિવ પોસ્ટ બનાવી શકો. સાંભળશો ત્યારે બ્રાન્ડ અને વેપારને લગતી વિવિધ લાગણીઓ વિષે જાણશો, જેનાથી તમે કોઈપણ ઉભરતા ટ્રેન્ડને જાણી શકો છો.
આના સહારે તમારી વિવિધ ટીમો જેમ કે રિસર્ચ, ડિઝાઇન, માર્કેટિંગ પોતાને અને બ્રાન્ડને તૈયાર કરશે. આમ સાંભળવુ નવા ટ્રેન્ડને જાણવા અને તે મુજબ બદલાવ લાવવા માટે પણ મદદરૂપ થાય છે.
વિવિધ કી- વર્ડ્સનો ઉપયોગ કરીને, જેમ કે સ્પર્ધકનું નામ અથવા તેમના ઉત્પાદનોના નામના સહારે તમે તમારા પ્રતિસ્પર્ધીની આસપાસની વાતચીતને જાણી શકો છો. આ તમને તેમની વ્યૂહરચનાને ઓળખવામાં મદદ કરી શકે છે , જેના થકી તમે તમારી વ્યૂહરચના બનાવી શકો. તેવી જ રીતે, જો એવા વિસ્તારો છે જ્યાં તેઓ તમારા કરતાં વધુ મજબૂત છે તો તમે આ માહિતીનો ઉપયોગ તે વિસ્તારમાં તમારી બ્રાન્ડને વધારવા માટે પણ કરી શકો છો. પ્રતિસ્પર્ધી પર ધ્યાન રાખી પોતાની તરફ ગ્રાહકોને લાવી શકાય છે.
બીજા ફાયદાઓમાં, જો કોઈ કટોકટી સર્જાવાના એંધાણ હોય અથવા કટોકટી બ્રાન્ડ સાથે સર્જાઈ હોય ત્યારે લોકો શું અને કેવી રીતે તે વિષય પર વાતો કરે છે તે જાણી તમારી વ્યૂહરચના તમે બનાવી શકો. લોકોની વાતો અને સમસ્યાઓ જાણી તેને લગતા નવા ઉત્પાદનો કે સેવાઓનું સર્જન થઇ શકે. તમારા કેમ્પેઇનના પર્ફોર્મન્સ પર લોકોની પ્રતિક્રિયા જાણી તે મુજબ તેમાં બદલાવ લાવી શકો. લોકો કોને ફોલો કરી રહ્યા છે તે જાણી તમારી બ્રાન્ડ માટે તે મુજબ ઈનફ્લુએન્સર અને બ્રાન્ડ એમ્બેસેડર નક્કી કરી શકો.
આજે મોટી મોટી કંપનીઓ બીજી કંપનીઓને ખરીદવા વિષે વિચારે છે પોતાનો વ્યવસાય વધારવા. આવા સમયે સોશ્યલ લિસનીંગ મહત્ત્વનો ભાગ ભજવે છે નિગોશિએશનની પ્રક્રિયામાં. લોકો તે બ્રાન્ડ વિષે જે વિચારધારા ધરાવે છે કે પછી તેમનું સ્ટેન્ડિંગ લોકો સમક્ષ શું છે તેનો ઉપયોગ ખરીદી કિંમત નક્કી કરવામાં થઇ શકે છે.
આમ, બ્રાન્ડ માટે આ દેખાતો સરળ ઉપાય અનુસરવો અઘરો છે, પણ જરૂરી છે. ક્ધઝ્યુમરને શાંતિથી સાંભળો, તે શું કહેવા માગે છે તે સમજો અને પછી તમારી પ્રતિક્રિયા આપો. આનાથી મુખ્યત્વે બે વાતો થશે, ક્ધઝ્યુમરને લાગશે કે મને બ્રાન્ડે સાંભળ્યો અને બીજુ, જયારે તમે સાંભળો છો ત્યારે તેમાંથી તમને ઉકેલો મળી જતા હોય છે. મોટી બ્રાન્ડો આજે આના માટે સ્પેશ્યલ ટુલ્સ વાપરે છે જેના થકી તેઓ આ વાતોને ટ્રેક કરે છે. આજે આના કારણે બ્રાન્ડ માટે સમય ડાયનેમિક છે. હંમેશાં બદલાવ માટે તૈયાર રહેવું પડે છે. આથી સાંભળવું અને સારા શ્રોતા બનવું ઘણુ જરૂરી છે. બીજા શબ્દોમાં ડિજિટલ શ્રોતા બનવાની કોશિશ કરો જે તમારી બ્રાન્ડ અને વેપારને મજબૂત બનાવશે.
-તો ડિજિટલ પ્લેટફોર્મ પર શરૂ કરી દો આંખ અને કાનથી સાંભળવાની...