Mon Aug 24 2026

Logo

આપઘાતની બે અલગ ઘટનામાં કેનાલમાં કૂદી પાંચ જણે જીવ દીધો

2026-06-04 18:54:45
Author: Pooja Shah
આપઘાતની બે અલગ ઘટનામાં કેનાલમાં કૂદી પાંચ જણે જીવ દીધો

આણંદમાં દંપતી તો કલોલમાં માતા-પુત્રીએ દોહિત્રી સાથે  જીવ દીધો

અમદાવાદઃ ગુજરાતમાં બે અલગ અલગ ઘટનામાં કુલ પાંચ જણે કેનાલમાં કૂદી જીવ દઈ દીધો હોવાની દુઃખદાયક ઘટના ઘટી હતી. આણંદમાં દંપતીએ તો કલોલમાં માતા-પુત્રીએ બે વર્ષની દોહિત્રી સાથે કેનાલમાં ઝંપલાવ્યું હતું. 

આણંદ જિલ્લાના ઉમેરેઠના કાલસર ગામ નજીકથી પસાર થતી મહી કેનાલમાંથી એક દંપતીના મૃતદેહ મળી આવ્યા હતા. તેમની ઓળખ કાલસર ગામના શૈલેષકુમાર અને ગીતાબહેન તરીકે થઈ હતી. ઘટનાની જાણ થતા જ તંત્રના કર્મચારીઓ અને સ્થાનિકોએ પાણીમાં શોધખોળ કરી હતી. બન્નેના મૃતદેહ મેળવી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જોકે દંપતીએ આવું પગલું શા માટે ભર્યું તે અંગે કોઈ માહિતી મળી ન હતી. 

જ્યારે અન્ય એક ઘટનામાં કલોલના પિયજ ગામ પાસેથી પસાર થતી કેનાલમાં નેહા પ્રજાપતિએ બે વર્ષની દીકરી પહેલ અને  માતા સંગીતાબેન સાથે ઝંપલાવ્યું હતું. જોકે નેહાએ આ આત્યંતિક પગલા માટે ભાભીને જવાબદાર ઠેરવતો મેસેજ સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યો હતો. જેમાં ભાભી નાં કથિત ત્રાસને લીધે આ પગલુ ભર્યાનું અને અન્ય કોઈ જવાબદાર ન હોવાનું જણાવ્યું હતું. સોશિયલ મીડિયા પોસ્ટ અને હાથ બાંધેલી હાલતમાં મળેલા મૃતદેહ બાદ પોલીસે કાયદેસરનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

રાજ્યમાં વિવિધ કારણોસર આત્મહત્યાનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે ફરી માનસિક સ્વાસ્થ્ય અંગેની જાગૃતિ અંગે ચિંતન કરવાની આવશ્યકતા ઊભી થઈ છે.