Mon Aug 24 2026

Logo

રેલવે સ્ટેશન પર કરન્ટ લાગતાં કામગારનું મોત: બે કોન્ટ્રેક્ટર સામે ગુનો

2026-02-19 18:47:00
Author: Yogesh D. Patel
રેલવે સ્ટેશન પર કરન્ટ લાગતાં કામગારનું મોત: બે કોન્ટ્રેક્ટર સામે ગુનો

થાણે: દિવા રેલવે સ્ટેશન પર વીજળીના આંચકાથી કામગારનું મૃત્યુ થયા બાદ પોલીસે આ પ્રકરણે બે કોન્ટ્રેક્ટર વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો.
દિવા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર-1 પર ટિકિટ કાઉન્ટરની નજીક 22 ડિસેમ્બરે ખાડો ખોદતી વખતે ખંગારામ હરજીજી રાવલ (37)ની વીજળીનો આંચકો લાગ્યો હતો. ખંગારામને હોસ્પિટલમાં લઇ જવાયો હતો, જ્યાં તેનું મૃત્યુ થયું હતું.
આ પ્રકરણે ભારતીય ન્યાય સંહિતાની કલમ 194 હેઠળ એડીઆર દાખલ કરવામાં આવ્યો હતો. જોકે મૃતકના ભાઇની વિગતવાર ફરિયાદ બાદ બુધવારે દીપક શ્યામબહાદુર પાંડે (30) અને રાહુલ ઉત્તમ પંચાલ (33) વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ઘટનાસ્થળે જે કંપની દ્વારા કામ હાથ ધરવામાં આવી રહ્યું હતું, તેનો એ બંને જણ ભાગ હતા. 
ખંગારામ જ્યારે ઇલેક્ટ્રિકલ કેબલ પાસે જોખમી કામ કરી રહ્યો હતો ત્યારે કંપની સલામતીના જરૂરી સાધનો, જેમ કે ઇન્સ્યુલેટેડ શૂઝ, ગ્લોવ્સ અથવા જેકેટ પૂરા પાડવામાં નિષ્ફળ ગઇ હતી. પંચાલ અને પાંડે વિરુદ્ધ બેદરકારીથી મૃત્યુ અને અન્ય આરોપસર ગુનો દાખલ કરવામાં આવ્યો હોઇ તેમની હજી ધરપકડ કરવામાં આવી નથી, એમ પોલીસે જણાવ્યું હતું. (પીટીઆઇ)