Sun Jul 26 2026

Logo

મુખ્ય ચૂંટણી કમિશનર વિરુદ્ધ 'મહાભિયોગ પ્રસ્તાવ' લાવવાની વિપક્ષની તૈયારી: ઈતિહાસમાં પ્રથમવાર બનશે આવી ઘટના...

2026-03-11 21:32:45
Author: Vimal Prajapati
Article Image

નવી દિલ્હી: લોકસભામાં બજેટ સત્રનો બીજો તબક્કો શરુ થયો છે, જેમાં વિપક્ષ સ્પીકર વિરુદ્ધ અવિશ્વાસનો પ્રસ્તાવ લાવવા કમર કસી હતી, પરંતુ એને રદ કરવામાં આવ્યા પછી હવે દેશના મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમારની સામે વિપક્ષ એકત્ર થઈને મહાભિયોગ પ્રસ્તાવ લાવવાની તૈયારી કરી રહ્યું છે. આગામી એક-બે દિવસમાં લોકસભામાં 120 અને રાજ્યસભામાં 60 સાંસદે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર સામેના મહાભિયોગના પ્રસ્તાવવાળી નોટિસ પર હસ્તાક્ષર કર્યાં છે. આવતીકાલે અથવા શુક્રવારે આ પ્રસ્તાવ બંને ગૃહમાં રજૂ થવાની શક્યતા છે. 

મુખ્ય ચૂંટણી કમિશનર સામે મહાભિયોગનો પ્રસ્તાવ 

મહત્વની વાત એ છે કે, ભારતના ઇતિહાસમાં આ પહેલી એવી ઘટના હશે, જેમાં દેશના મુખ્ય ચૂંટણી કમિશનર સામે મહાભિયોગનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવશે. મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર સામે મહાભિયોગ માટે વિપક્ષ દ્વારા લાવવામાં આવનાર ડ્રાફ્ટ પ્રસ્તાવમાં સાબિત ગેરવર્તણૂક, પક્ષપાતી આચરણ, ભેદભાવપૂર્ણ વર્તન અને SIRનો ઉપયોગ કરીને મોટા પાયે મતદાન અટકાવવા જેવા મુખ્ય કારણોનો ઉલ્લેખ કરવામાં આવ્યો હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. 

વિપક્ષે દેશના મુખ્ય ચૂંટણી કમિશનરને ટાર્ગેટ કર્યાં

કોંગ્રેસ દ્વારા પહેલા લોકસભા સ્પીકર સામે પણ અવિશ્વાસનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે, અને હવે વિપક્ષ દેશના મુખ્ય ચૂંટણી કમિશનરને ટાર્ગેટ કરવાનો પ્રયત્ન કરી રહ્યું છે. કોંગ્રેસના સાંસદ ઈમરાન મસૂદનું કહેવું છે કે, અત્યારે માત્ર વિપક્ષ જ સંવિધાન બચાવવા માટે લડી રહ્યું છે. તેના માટે જે પણ કરવું પડશે તે વિપક્ષ કરશે તેવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે. 

અનુચ્છેદ 324(5) હેઠળ CEC ને દૂર કરી શકાય

બંધારણની વાત કરવામાં આવે તો બંધારણના અનુચ્છેદ 324(5) હેઠળ CECને દૂર કરી શકાય છે, જે ન્યાયાધીશોને દૂર કરવાની જોગવાઈ કરે છે તે જ રીતે CEC ને દૂર કરવાની જોગવાઈ કરે છે. જો વિપક્ષ દ્વારા આ પ્રસ્તાવ લાવવામાં આવે છે તે ભારતના ઈતિહાસમાં આ પહેલી વખત હશે. હવે જોવાનું એ રહે છે કે, આગમી સમયમાં શું થાય છે?

આ મુદ્દે રાજકીય વાતાવરણ ગરમાયું છે. વિપક્ષ માને છે કે ચૂંટણી પ્રક્રિયામાં ભાજપની તરફેથી પક્ષપાત થયો છે, જે લોકશાહીને જોખમમાં મૂકે છે. બીજી તરફ, સરકાર આને રાજકીય ષડયંત્ર ગણાવી રહી છે. જો પ્રસ્તાવ પસાર થયો, તો સીઈસીની કાર્યપદ્ધતિ પર ગંભીર પ્રશ્નો ઉભા થશે.