Sat Mar 14 2026

Logo

અનીલ અંબાણીના ઘર અને RCOMની ઓફીસ પર CBIના દરોડા! FIRમાં ગંભીર આરોપ

2 weeks ago
Author: Savan Zalaria
Article Image

મુંબઈ: ઉદ્યોગપતિ અનીલ અંબાણીની મુશ્કેલી દિવસેને દિવસે વધી રહી છે, ગઈ કાલે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ED)એ તેમનું રૂ.3,700 કરોડની કિંમતનું નિવાસસ્થાન જપ્ત કર્યું હતું. બેંક ઓફ બરોડા સાથે ₹2,220 કરોડની કથિત છેતરપિંડી મામલે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) એ અનિલ અંબાણી અને રિલાયન્સ કોમ્યુનિકેશન્સ (RCOM) લિમિટેડ વિરુદ્ધ કેસ નોંધ્યો છે અને તેમના પરિસરો પર દરોડા પાડ્યા છે.

બેંક ઓફ બરોડા દ્વારા બે દિવસ પહેલા 24 ફેબ્રુઆરીના રોજ ફરિયાદ દાખલ કરી હતી, બેંકે ફરિયાદ કરી કે  RCOMએ રૂ. 2,220 કરોડથી વધુની લોનની રકમ ચૂકવી નથી. આ ફરિયાદના આધારે CBIએ ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ(FIR) નોંધ્યો છે અને તપાસ શરુ કરી છે. FIRમાં RCOMના ફાઉન્ડર અને ભૂતપૂર્વ ચેરમેન અનિલ અંબાણીનું નામ સામેલ કરવામાં આવ્યું છે, કંપની સાથે જોડાયેલા અન્ય લોકોના નામ પણ આ કેસમાં છે. 

અનીલ અંબાણી ગંભીર આરોપો:

અનીલ અંબાણી પર એન્ટી કરપ્શન લો હેઠળ ગુનાહિત કાવતરું, છેતરપિંડી, ગેરવર્તણૂક અને સત્તાવાર પદનો દુરુપયોગ સહિતના ગંભીર આરોપોનો લગાવવામાં આવ્યા છે. 

અનીલ અંબાણીના ઘર અને આરકોમની રજિસ્ટર્ડ ઓફિસ પર દરોડા પાડવામાં આવ્યા છે. CBIના અધિકારીઓ હાલ તપાસ કરી રહ્યા છે કે લોનના નાણાં ગેરકાયદે ડાયવાર્ટ તો નથી કરવામાં આવ્યા? CBIને શંકા છે કે નાણાકીય અનિયમિતતા છુપાવવા માટે કંપનીના એકાઉન્ટિંગ રેકોર્ડમાં છેડછાડ કરવામાં આવી હોઈ શકે છે. નોંધનીય છે કે, આ કેસમાં જેનો ઉલ્લેખ છે કે તે લોન ખાતાને વર્ષ 2017માં જ નોન-પર્ફોર્મિંગ એસેટ જાહેર કરવામાં આવ્યું હતું.

SBIની ફરિયાદ પર પણ નોંધાયો છે:

અધિકારીઓના જણાવ્યા મુજબ અગાઉ રિલાયન્સ કોમ્યુનિકેશન્સ સામે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની આગેવાની હેઠળનાં 11 બેંકોના કન્સોર્ટિયમની ફરિયાદને આધારે દાખલ કરવામાં આવ્યો હતો. બેંક ઓફ બરોડા આ કન્સોર્ટિયમનો ભાગ ન હતી. 

હાલ દાખલ કરવામાં આવેલો કેસ તત્કાલીન વિજય બેંક અને તત્કાલીન દેના બેંક પાસેથી RCOM દ્વારા  લેવામાં આવેલી લોન સાથે જોડાયેલો છે, આ બંને બેંક ઓફ બરોડામાં મર્જ થઈ ગઈ છે.

એહવાલ મુજબ CBIને કેટલાક શંકાસ્પદ લોન ટ્રાન્ઝેક્શન અને ડોક્યુમેન્ઇટ્સ મળી આવ્યા છે. આ કેસ અને સર્ચ ઓપરેશન અંગે રિલાયન્સ કોમ્યુનિકેશન્સ તરફથી હજુ સુધી કોઈ ટિપ્પણી કરવામાં આવી નથી.