Fri Aug 21 2026

Logo

મેયરના બંગલો પાછળ ફરી કરોડોનું આંધણ કરવાના અહેવાલથી બબાલ

2026-08-05 18:41:00
Author: Yogesh C. Patel
Article Image

મેયરે સ્પષ્ટતા કરવી પડી: મારા સત્તાવાર નિવાસસ્થાન માટે નહીં, આસપાસના પરિસરના અપગ્રેડેશન માટે ટેન્ડર મગાવાયા જોકે વિરોધ પક્ષે મુદ્દો ઉછાળતાં ટેન્ડર પાછા ખેંચવાની મેયરની સૂચના

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: દક્ષિણ મુંબઈના ભાયખલા વિસ્તારમાં આવેલા મેયરના બંગલોની મરામત પાછળ 2.4 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યાના ગણતરીના મહિનામાં જ ફરી બંગલો પાછળ કરોડો રૂપિયાનું આંધણ કરવાના સમાચારથી ખાસ્સી બબાલ મચી હતી. વિરોધ પક્ષે આ મુદ્દો ઉછાળતાં મેયર રિતુ તાવડેએ તાત્કાલિક સ્પષ્ટતા કરવી પડી હતી કે આશરે ત્રણ કરોડ રૂપિયાના ખર્ચના ટેન્ડર તેમના સત્તાવાર નિવાસસ્થાન માટે નહીં, પણ આસપાસના પરિસરના અપગ્રેડેશન માટે મગાવાયા હતા. વિવાદ શમાવવા તેમણે ટેન્ડર પાછા ખેંચવાની સૂચના મુંબઈ મહાનગરપાલિકા પ્રશાસનને આપી હતી.

બંગલો પાછળ ફરી કરોડો રૂપિયા ખર્ચ કરવા સંબંધી ટેન્ડરનો વિવાદ વકરતાં મેયર રિતુ તાવડેએ બુધવારે પત્રકાર પરિષદ બોલાવવી પડી હતી. પત્રકારોને સંબોધતાં તેમણે જણાવ્યું હતું કે ટેન્ડર મહાપાલિકાના ઝૂ ડિપાર્ટમેન્ટ દ્વારા બહાર પાડવામાં આવ્યા હતા અને મેયર બંગલોનું નહીં, પણ તેની આસપાસના પરિસરમાં સુધારા કરવાનું પ્રસ્તાવિત હતું.

મેયરે જણાવ્યું હતું કે પ્રસ્તાવિત કામ મેયર બંગલોનું નથી. તેમ છતાં ટેન્ડરમાં મેયરના બંગલોનો ઉલ્લેખ હોવાથી ટેન્ડર રદ કરવા મહાપાલિકા પ્રશાસનને સૂચના આપવામાં આવી છે.

ટેન્ડરના દસ્તાવેજમાં મેયરના બંગલોની નોંધ હોવાથી ટેન્ડર પાછા ખેંચવા જણાવાયું છે. તેમણે ભૂલ કબૂલી છે અને ટેન્ડર પાછા ખેંચવા જણાવાયું છે. મેં મેયર બંગલોમાં કોઈ પણ અપગ્રેડેશનનું કામ કરવા જણાવ્યું નથી, એવું મેયરનું કહેવું છે.

તાજેતરમાં મેયર આ બંગલોમાં આવ્યાં તે પૂર્વે જ 2.4 કરોડ રૂપિયાના ખર્ચે નવીનીકરણ હાથ ધરાયું હતું.

ભાયખલાના વીરમાતા જિજાબાઈ ભોસલે બોટનિકલ ઉદ્યાન ઍન્ડ ઝૂ (રાણીબાગ)ના ખૂણામાં મેયરનું સત્તાવાર નિવાસસ્થાન છે. બંગલો આસપાસના વિસ્તારમાં અનેક કામો હાથ ધરવાનું પ્રસ્તાવિત હતું, જેમાં કૉન્ફરન્સ હૉલ અને અન્ય સુવિધા માટે કન્ટેનર આધારિત માળખાના ફેબ્રિકેશન અને ઈન્સ્ટોલેશનનો સમાવેશ થતો હતો. ટેન્ડર બહાર પડતાં જ વિરોધ પક્ષ દ્વારા જોરદાર વિરોધ કરાયો હતો.

શિવસેના (યુબીટી)ના નેતા આદિત્ય ઠાકરેએ જાહેર ભંડોળનો દુરુપયોગ થઈ રહ્યો છે, એવો આરોપ કર્યો હતો. આ આરોપને નકારી કાઢતાં મેયરે જણાવ્યું હતું કે આશરે ત્રણ કરોડ રૂપિયાનાં કામો મહાપાલિકાના ઝૂ વિભાગનાં છે, જેને મેયરના સત્તાવાર નિવાસસ્થાન સાથે કોઈ લેવાદેવા નથી.

મેયરે એવો આક્ષેપ કર્યો હતો કે શિવસેના (યુબીટી) પોતાની દુકાન ચલાવવા માટે ખોટી વાતો ફેલાવી રહી છે.