Tue Jul 21 2026

Logo

બ્રેકિંગ ન્યૂઝ:21 July 2026 દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો

2026-07-21 08:48:00
Author: Mumbai Samachar Team
Article Image

દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો. રાજકારણ, વેપાર, રમતગમત, મનોરંજન અને ટેકનોલોજી સહિતના તમામ ક્ષેત્રની ઝડપી અને સચોટ માહિતી માટે અહીં અપડેટ રહો.

Live Updates

2026-07-21 15:53:01

મધ્ય પ્રદેશ વિધાનસભામાં વિપક્ષના હંગામા વચ્ચે યુસીસી બિલ પસાર

મધ્ય પ્રદેશ વિધાનસભામાં યુસીસી બિલ વિપક્ષના ભારે હંગામા વચ્ચે પસાર થયું છે. આ દરમિયાન વિપક્ષ પર પ્રહાર  કરતાં સીએમ મોહન યાદવે જણાવ્યું હતું કે તેમના દેખાડવાના અને ચાવવાના દાંત અલગ છે જનતા તેમને ક્યારેય માફ નહિ કરે.

2026-07-21 15:21:51

યુક્રેનના પોર્ટ પર હુમલા બાદ વિદેશ મંત્રાલયે રશિયાના રાજદૂતને બોલાવ્યા

યુક્રેનના ઓડેસા પોર્ટ  રવાના થયેલા એક કોમર્શિયલ જહાજ પર થયેલા હુમલા બાદ આજે વિદેશ મંત્રાલયે રશિયાના પ્રભારી રાજદૂતને બોલાવ્યા છે. આ હુમલામાં ચાર ભારતીય નાગરિકોના મોત થયા હતા જ્યારે એકની હાલત ગંભીર છે.

2026-07-21 14:49:35

નવસારીના વાંસદામાં બે કલાકમાં સવા બે ઇંચથી વધુ વરસાદ

સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ, બપોરે 12 થી 2 કલાક દરમિયાન રાજ્યના 64 તાલુકામાં વરસાદ પડ્યો હતો. નવસારીના વાંસદામાં બે કલાકમાં 2.32 ઇંચ વરસાદ પડ્યો હતો. ત્રણ તાલુકામાં એક ઇંચથી વધારે વરસાદ નોંધાયો હતો.

2026-07-21 14:22:24

રાજકોટમાં ચાંદીપુરાના 3 શંકાસ્પદ કેસ આવ્યા સામે

રાજ્યમાં હાલ ચાંદીપુરા વાયરસ બાળકોને ભરડો લઈ રહ્યો છે.  રાજકોટની એક હૉસ્પિટલમાં ચાંદીપુરા વાયરસનાં 3 શંકાસ્પદ કેસ સામે આવ્યા છે. ત્રણેય બાળકોનાં સેમ્પલ ગાંધીનગર મોકલાયા છે.

2026-07-21 13:31:46

અમદાવાદમાં વરસાદની શરૂઆત


અમદાવાદમાં ધીમે ધારે વરસાદની શરૂઆત થઈ છે. શહેરના પંચવટી, સી જી રોડ, આશ્રમ રોડ, લૉ ગાર્ડન, ઈન્ડિયા કોલોની, ગુલબાઈ ટેકરા, નવરંગપુરા, પાલડી સહિતના વિસ્તારમાં વરસાદની શરૂઆત થઈ છે. શહેરમાં સવારથી જ વાદળછાયું વાતાવરણ હતું અને ક્યારેક ક્યારેક ઝરમર ઝાપટું પડતું હતું.

2026-07-21 12:27:46

રાજ્યમાં 28 IAS અધિકારીઓની બદલી

ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા રાજ્ય વહીવટી તંત્રમાં મોટો ફેરબદલ કરતા 28 IAS અધિકારીઓની બદલી અને નવી નિમણૂંકના આદેશો જારી કરવામાં આવ્યા છે.  આ અંગેનું અધિકૃત નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે.

2026-07-21 12:06:48

ઘુમા બાદ હવે ઝુંડાલ-ચાંદખેડામાં દીપડો દેખાયો

અમદાવાદના ઘુમા બાદ હવે ઝુંડાલ-ચાંદખેડામાં દીપડો જોવા મળતા સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો હતો. વન વિભાગ દ્વારા દીપડાને પકડવા કવાયત શરૂ કરવામાં આવી છે.  કેફેના માલિકે દીપડાને જોયો હોવાનો દાવો કર્યો છે. તેણે ફોટા પાડીને વન વિભાગને મોકલ્યા છે.

2026-07-21 11:52:06

'યુવાનોના ભવિષ્ય સાથે ચેડાં નહીં થવા દઈએ', NEET પેપર લીક પર પહેલીવાર બોલ્યા PM મોદી

કોકરોચ જનતા પાર્ટીના સંસદ માર્ચ પછી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું નીટ પેપર લીક પર પહેલીવાર નિવેદન સામે આવ્યું છે. PM મોદીએ NDA સંસદીય દળની બેઠકમાં કહ્યું કે યુવાનોના ભવિષ્ય સાથે રમત નહીં થવા દઈએ. પેપર લીકના દોષીઓને કડકમાં કડક સજા અપાવાશે. PM મોદીએ કહ્યું, "પેપર લીક એ રાજકારણનો વિષય નથી. તેમના (વિદ્યાર્થીઓના) ભવિષ્યને નુકસાન ન થાય, એટલા માટે ફરીથી પરીક્ષા (રી-એક્ઝામ) લેવામાં આવી અને તેને સફળતાપૂર્વક પૂરી કરવામાં આવી." તેમણે ઉમેર્યું કે પેપર લીકના મામલે સરકાર તરફથી તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી હતી અને સરકાર વિદ્યાર્થીઓને લઈને સંવેદનશીલ છે.

2026-07-21 10:36:20

ગુજરાતમાં સવારે 8 થી 10માં 66 તાલુકામાં મેઘમહેર

સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગર મુજબ ગુજરાતમાં સવારે 8 થી 10માં 66 તાલુકામાં મેઘમહેર થઈ હતી. નવસારીના ગણદેવીમાં સૌથી વધુ 1.61 ઇંચ વરસાદ પડ્યો હતો. નવસારીમાં 1.02 ઇંચ, જલાલપોરમાં 0.98 ઇંચ, મહુવા(સુરત)માં 0.91 ઇંચ વરસાદ નોંધાયો હતો.

2026-07-21 08:49:00

24 કલાકમાં 165 તાલુકામાં વરસાદ

રાજ્યમાં ચોમાસાના બીજા રાઉન્ડે જમાવટ કરી છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 165 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. વલસાડના પારડીમાં સૌથી વધુ 8.19 ઇંચ વરસાદ ખાબક્યો હતો. વાપીમાં 7.90 ઇંચ વરસાદ વરસ્યો હતો.