અમદાવાદઃ શહેરના જાણીતા પર્યટન સ્થળ કાંકરિયા તળાવમાં ફરી બોટિંગ શરૂ થશે. આ માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક SOP જાહેર કરવામાં આવી છે. જે મુજબ બોટમાં ક્રૂ મેમ્બર સહિત તમામ પેસેન્જરોએ લાઈફ જેકેટ ફરજિયાત પહેરવું પડશે અને માત્ર ટ્રેઈન્ડ અને અનુભવી વ્યક્તિ જ ક્રૂ ચલાવી શકશે.
મળતી વિગત મુજબ, શહેરમાં આવેલા તળાવોની જાળવણી, સુરક્ષા અને જાહેર સલામતીમાં સુધારો કરવાના હેતુથી, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા SOP જાહેર કરવામાં આવી છે. આ અંતર્ગત મ્યુનિસિપલ કોર્પોરેશનના સાત અલગ-અલગ વિભાગો અને પોલીસને સ્પષ્ટ જવાબદારીઓ સોંપવામાં આવી છે. કેન્દ્ર સરકારના 'નેશનલ રિવર કન્ઝર્વેશન પ્લાન' અંતર્ગત તળાવો પર ગેરકાયદે દબાણો, ગટરના દૂષિત પાણીનો નિકાલ, રેનવોટર હાર્વેસ્ટિંગની નબળી સ્થિતિ અને મનોરંજનના સ્થળો પર સલામતીના સાધનોના અભાવ જેવા મુદ્દાઓ સામે આવ્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
અમદાવાદના જૂના અને નવા ભળેલા વિસ્તારોમાં મળીને અંદાજે 150 જેટલા તળાવો આવેલા છે. આમાંના ઘણા જળાશયો દબાણોનો ભોગ બન્યા છે, જ્યારે કેટલાકમાં શુદ્ધ કર્યા વગરનું ગટરનું પાણી ઠલવાઈ રહ્યું છે. તળાવ કિનારે થતી મનોરંજક પ્રવૃત્તિઓ અને બોટિંગ સુવિધાઓમાં (ખાસ કરીને કાંકરિયા તળાવ ખાતે) અપૂરતી સુરક્ષા વ્યવસ્થા અંગે પણ સવાલો ઉઠ્યા હતા.
શું છે SOPમાં
- ટિકિટ કાઉન્ટર, જેટી અને દરેક બોટ ઉપર મુસાફરોની ક્ષમતા બતાવી પડશે
- જરૂરી હોય ત્યાં 24 કલાક સીસીટીવી ચાલુ રાખવા પડશે
- ક્ષમતા વધુ મુસાફરો ભરેલી બોટને મંજૂરી નહીં આપવામાં આવે
- બોટમેન તરવાનું જાણતા હોય તેવા રાખવા પડશે
- બોટમાં ચડવા અને ઉતરવાના સ્થળ સુરક્ષિત રાખવા પડશે
- દરેક બોટિંગ સ્થળે એક ઈમરજન્સી બોટ રાખવી પડશે
- મુસાફરોની દરેક ટ્રિપનો રેકોર્ડ રાખવો પડશે
આ કામગીરીમાં સંકલન જળવાઈ રહે તે માટે મ્યુનિસિપલ કમિશનરે એક ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરી હતી. આ સમિતિમાં એન્જિનિયરિંગ, એસ્ટેટ, હેલ્થ, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ, ગાર્ડન, સ્ટ્રીટ લાઈટ, ફાયર બ્રિગેડ અને ફૂડ વિભાગના વરિષ્ઠ અધિકારીઓ તેમજ ડેપ્યુટી કમિશનર (વોટર રિસોર્સિસ) અને ડેપ્યુટી પોલીસ કમિશનરનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ સમિતિ તળાવોની જાળવણી અને જાહેર સુરક્ષા પર દેખરેખ રાખશે અને દર મહિને તેની સમીક્ષા કરશે. આ સિવાય ઝોનલ અને સબ-ઝોનલ સમિતિઓ પણ બનાવવામાં આવી છે. જરૂરિયાત મુજબ સબ-ઝોનલ સમિતિઓમાં કોર્પોરેશન અને પોલીસ અધિકારીઓ ઉપરાંત વોર્ડના કોર્પોરેટરો, સોસાયટીના હોદ્દેદારો અને વરિષ્ઠ નાગરિકોનો પણ સમાવેશ કરી શકાશે.
નવી SOP હેઠળ અલગ-અલગ વિભાગોને ચોક્કસ કામગીરી સોંપવામાં આવી છે, જેમાં ગેરકાયદે દબાણો હટાવવા, ગટરનું પાણી રોકવું, રેનવોટર હાર્વેસ્ટિંગ સુધારવું, સ્વચ્છતા જાળવવી, મચ્છરોનો ઉપદ્રવ નિયંત્રિત કરવો, સ્ટ્રીટ લાઈટ અને સીસીટીવી કેમેરા લગાવવા, બગીચાઓનો વિકાસ કરવો, પાણીની ગુણવત્તા ચકાસવી અને કાયદો-વ્યવસ્થા જાળવવાનો સમાવેશ થાય છે.
મ્યુનિસિપલ કોર્પોરેશનના સૂત્રોના જણાવ્યા અનુસાર, વડોદરાના હરણી તળાવની બોટ દુર્ઘટના બાદ કાંકરિયા તળાવ અને સાબરમતી રિવરફ્રન્ટ પર બોટિંગ હજુ પણ બંધ છે. જો કે, જો રાજ્ય સરકાર આ અંગે નવી ગાઈડલાઈન્સ જાહેર કરે અને કોર્પોરેશન સત્તાવાર ઠરાવ પસાર કરીને તેને મંજૂરી આપે, તો બોટિંગ ફરી શરૂ થઈ શકે છે.