Tue Jun 30 2026

Logo

અમદાવાદ-મુંબઈ પ્લેનમાં 3 વર્ષનું બાળક બેભાન થતાં પાયલોટે તાત્કાલિક શું નિર્ણય લઈને બાળકનો જીવ બચાવ્યો ?

2026-06-30 11:01:00
Author: Mumbai Samachar Team
Article Image

અમદાવાદથી મુંબઈ જઈ રહેલી ઈન્ડિગોની એક ફ્લાઈટ (6E-7018)માં સોમવાર સાંજે ત્યારે દોડધામ મચી ગઈ, જ્યારે એક 3 વર્ષનું બાળક અચાનક બેભાન થઈ ગયું. બાળકની બગડતી તબિયતને જોતા પાયલટે તરત જ 'મેડિકલ ઈમરજન્સી' જાહેર કરી અને વિમાનને સુરત એરપોર્ટ પર સુરક્ષિત ઉતાર્યું. બાળકને તરત જ સુરતની એક પ્રાઈવેટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

શું છે સમગ્ર મામલો ?

પ્રાથમિક વિગતો મુજબ અમદાવાદથી મુંબઈ જતી ફ્લાઇટ 6E-7018 દરમિયાન મુસાફરી કરી રહેલા આશરે 3 વર્ષના માસ્ટર સૌરભની તબિયત અચાનક બગડી હતી. બાળકની બેભાન જેવી હાલત જોતા ફ્લાઇટમાં હાજર મુસાફરો અને ક્રૂ સભ્યોમાં ચિંતાનું મોજું ફેલાયું હતું. ફ્લાઇટમાં હાજર બે ડોક્ટરોએ તરત જ બાળકને જરૂરી પ્રાથમિક સારવાર આપવાનો પ્રયાસ કર્યો હતો. જોકે બાળકની સ્થિતિ વધુ દેખરેખ અને ઝડપી સારવાર માંગતી હોવાનું જણાતા પાયલોટે એક પળનો પણ વિલંબ કર્યા વગર સુરત એરપોર્ટ તરફ ફ્લાઇટ ડાયવર્ટ કરવાનો નિર્ણય લીધો.

પાયલટે સૂઝબૂઝ દર્શાવી

મળતી માહિતી મુજબ, ડોક્ટરોએ બાળકને પ્રાથમિક સારવાર આપવાનો પૂરો પ્રયાસ કર્યો, પરંતુ જ્યારે તેની હાલતમાં સુધારો ન થયો, તો પાયલટે સમય ગુમાવ્યા વિના એર ટ્રાફિક કંટ્રોલ (ATC)નો સંપર્ક કર્યો અને સુરત એરપોર્ટ પર વિમાનને ઉતારવાની પરવાનગી માંગી.

આ તરફ સુરત એરપોર્ટના એર ટ્રાફિક કંટ્રોલને જાણ થતા જ એરપોર્ટ તંત્ર સક્રિય બન્યું હતું. CISF અને મેડિકલ ટીમને રનવે પર અગાઉથી જ તૈનાત રાખવામાં આવી હતી જેથી ફ્લાઇટ લેન્ડ થતાં જ બાળકને તાત્કાલિક તબીબી સહાય મળી શકે. ફ્લાઇટ સુરક્ષિત રીતે લેન્ડ થયા બાદ બાળકને એરપોર્ટ પર પ્રાથમિક સારવાર આપવામાં આવી અને ત્યારબાદ વધુ સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ તરફ ખસેડવામાં આવ્યો. સમયસર સારવાર મળતાં બાળકની સ્થિતિ સ્થિર થઈ હોવાનું જાણવા મળ્યું છે. જરૂરી કાયદાકીય અને કામગીરી સંબંધિત પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ઇન્ડિગોની ફ્લાઇટ ફરીથી મુંબઈ માટે રવાના કરવામાં આવી હતી.