Mon Jun 29 2026

Logo

અયોધ્યા રામ મંદિરમાં દાન ચોરી કેસમાં આરોપીઓને 13 જુલાઇના સુધીના રિમાન્ડ

2026-06-29 21:55:22
Author: Chandrakant Kanoja
Article Image

ANI


અયોધ્યા: અયોધ્યામાં રામ મંદિરમાં દાન ચોરી કેસમાં આરોપીઓને સોમવારે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. આ સુનાવણી બાદ કોર્ટે તમામ આરોપીઓને 13 જુલાઈ સુધી રિમાન્ડ મંજૂર કર્યા હતા. 

એસઆઈટી કેસના વિવિધ પાસાઓની તપાસ આગળ વધારશે

આ દરમિયાન  એસઆઈટી  કેસના વિવિધ પાસાઓની તપાસ આગળ વધારશે. જો જરૂરી હોય તો તે અન્ય સંબંધિત વ્યક્તિઓની પણ પૂછપરછ કરશે. કોર્ટ દ્વારા આરોપોની તપાસ હજુ બાકી છે અને આરોપીઓ સામેના આરોપો ન્યાયિક પ્રક્રિયાને આધીન રહેશે.

એસઆઈટીના અહેવાલ બાદ આઠ આરોપીની ધરપકડ 

ઉલ્લેખનીય છે કે, રામ મંદિરના દાન  ચોરીની ઘટના 6 જૂને પ્રકાશમાં આવી હતી.  ત્યારબાદ રાજ્ય સરકારે એસઆઇટીની રચના કરી હતી. તેમજ એસઆઈટીએ  વહીવટીતંત્રને પોતાનો અહેવાલ સુપરત કર્યો હતો. ત્યારબાદ  25 જૂનની સાંજે  ગણતરી પ્રક્રિયામાં સામેલ કર્મચારીઓ - અવિનાશ શુક્લા, અનુકલ્પ મિશ્રા, લવકુશ મિશ્રા, મનીષ કુમાર યાદવ, કરુણેશ પાંડે અને રામાશંકર મિશ્રા તેમજ સુપરવાઇઝરી સ્ટાફ સભ્ય સુભાષ શ્રીવાસ્તવ અને મહાસચિવ ચંપત રાયના ડ્રાઇવર ટીનુ યાદવ વિરુદ્ધ  કેસ નોંધવામાં આવ્યો હતો.

80 થી વધુ લોકોને નોટિસ પાઠવી 

અયોધ્યામાં રામમંદિર દાન ચોરી કેસના એસઆઇટીના અહેવાલ બાદ એફઆઇઆર નોંધવામાં આવી હતી. તેમજ આ કેસમાં પોલીસે તપાસ પણ તેજ કરી છે. જેમાં તપાસ એજન્સીઓએ આ કેસમાં હવે અનિલ મિશ્રા અને ગોપાલ રાવ સહિત 80 થી વધુ લોકોને નોટિસ પાઠવી તપાસમાં સામેલ થવા જણાવ્યું છે.

મોબાઇલ ફોનમાંથી અનેક ચેટ ડિલીટ કરી દીધી  

આ તપાસ જેમ જેમ આગળ વધી રહી છે તેમ તેમ નવા ખુલાસા પ્રકાશમાં આવી રહ્યા છે. જેમાં સૂત્રો દ્વારા માહિતી મળી છે આરોપીઓ તેમના મોબાઇલ ફોનમાંથી અનેક ચેટ ડિલીટ કરી દીધી છે. તેમજ આ ફોનને તપાસ માટે  ફોરેન્સિક સાયન્સ લેબમાં મોકલવામાં આવ્યા છે.  જેમાંથી ડિલીટ કરવામાં આવેલા ડેટા અને ચેટસને રિકવર કરવામાં આવશે. 

બેંક ખાતા અને લોકરોની પણ માહિતી માંગી

આ ઉપરાંત તપાસ એજન્સીઓએ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, બેંક ઓફ બરોડા અને કેનરા બેંક સહિત છ બેંકોને પણ નોટિસ પાઠવી છે. આ બેંકોમાં આરોપી, ટ્રસ્ટ અને અન્ય લોકોના બેંક ખાતા અને લોકરોની પણ માહિતી માંગી છે. તપાસ એજન્સી દાન ચોરીની રકમ મેળવવા માટે લેવડ -દેવડ, બેન્કિંગ ટ્રેલ અને ડિજિટલ પુરાવાના આધારે સમગ્ર કેસના મૂળ સુધી પહોંચવા માંગે છે.