Sun Sep 13 2026

Logo

લુપ્ત થવાના આરે ઉભેલો ભારતનો સૌથી અદભુત વન્યજીવ કચ્છમાં કેદ: મોબાઈલ કેમેરામાં લેવાયો 'હરણોત્રાનો લાઈવ ફોટો

2026-06-30 11:24:00
Author: Mumbai Samachar Team
લુપ્ત થવાના આરે ઉભેલો ભારતનો સૌથી અદભુત વન્યજીવ કચ્છમાં કેદ: મોબાઈલ કેમેરામાં લેવાયો 'હરણોત્રાનો લાઈવ ફોટો

ભુજઃ કચ્છના સરહદી અને વૈવિધ્યસભર વન્યજીવ સંરક્ષણ ક્ષેત્રે એક અત્યંત મહત્વપૂર્ણ અને ઉત્સાહજનક સમાચાર સામે આવ્યા છે. એશિયાઈ ઉપમહાદ્વીપ અને ભારતમાં બિલાડી વંશની સૌથી દુર્લભ ગણાતી પ્રજાતિ 'હરણોત્રો' (કેરાકલ) નખત્રાણા તાલુકાના ગોધિયાર મોટી ગામ નજીક વિહરતી જોવા મળી છે. લુપ્ત થવાના આરે ઉભેલા આ વન્યજીવના જીવંત પુરાવા મળતા જ પર્યાવરણવિદો અને વન્યજીવ પ્રેમીઓમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે. આ ઘટનાને કચ્છના સમૃદ્ધ જૈવ વૈવિધ્યની એક મોટી સિદ્ધિ તરીકે જોવામાં આવી રહી છે.

સ્થાનિક સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગતો અનુસાર, ગોધિયાર મોટી ગામના સોઢા હીરજી ગત રાત્રિના સમયે પોતાની વાડી તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન રસ્તામાં અંધકાર વચ્ચે તેમને એક અજાણ્યા અને વિચિત્ર દેખાવવાળા પ્રાણીની હલચલ જણાઈ હતી. વન્યજીવો પ્રત્યેની સજાગતા દાખવીને તેમણે સહેજ પણ સમય ગુમાવ્યા વિના પોતાના મોબાઈલ ફોનના કેમેરામાં આ વન્યજીવની તસવીરો કેદ કરી લીધી હતી.

ત્યારબાદ, સ્થાનિક પ્રકૃતિપ્રેમી અને અનુભવી બર્ડિંગ ગાઈડ સોઢા વિક્રમસિંહે આ ફોટોગ્રાફ્સની ઝીણવટભરી ચકાસણી કરી હતી. શારીરિક બનાવટ, લાંબા અને અણીદાર કાન તેમજ વિશિષ્ટ દેખાવના આધારે તેમણે આ પ્રાણી ભારતનું અત્યંત વિરલ વન્યજીવ 'હરણોત્રો' (કેરાકલ) હોવાની સત્તાવાર પુષ્ટિ કરી હતી.

વન્યજીવ નિષ્ણાતોના મતે, હરણોત્રો એ અત્યંત શરમાળ, નિશાચર અને માનવ વસ્તીથી દૂર રહેનારું પ્રાણી છે. ભારતમાં તેનું અસ્તિત્વ ગંભીર જોખમ હેઠળ છે અને વન્યજીવ સંરક્ષણ ધારાની 'અનુસૂચિ-૧' હેઠળ તેને સર્વોચ્ચ રક્ષણ પ્રાપ્ત છે. કચ્છના રણ અને ઘાસિયા મેદાનોમાં અગાઉ તેના પગમાર્ક કે કેમેરા ટ્રેપમાં અસ્પષ્ટ હલચલ નોંધાઈ છે, પરંતુ સામાન્ય નાગરિક દ્વારા નરી આંખે તેના પ્રત્યક્ષ દર્શન થવા અને આટલા સ્પષ્ટ ફોટોગ્રાફિક પુરાવા મળવા એ વન્યજીવ ઇતિહાસની ખૂબ જ દુર્લભ ઘટના છે.

આ અહેવાલ વાયુવેગે પ્રસરતા જ વન્યજીવ પ્રેમીઓ અને સંશોધકોમાં ભારે રોમાંચ જોવા મળી રહ્યો છે. વાઈલ્ડલાઈફ એક્સપર્ટ્સનું માનવું છે કે આ વિરલ દર્શને સાબિત કર્યું છે કે કચ્છનું પર્યાવરણ હજુ પણ આવા અતિ-દુર્લભ જીવો માટે અનુકૂળ આશ્રયસ્થાન છે. આ ઘટના બાદ વન વિભાગ અને સ્થાનિક તંત્ર દ્વારા આ પંથકમાં વન્યજીવ સંરક્ષણ અને દેખરેખના પ્રયાસો વધુ સઘન અને મજબૂત બનાવવામાં આવે તેવી લોકમાંગ પણ ઉઠી છે.

(ઉત્સવ વૈદ્ય)