ભુજઃ 'ભણવાની કોઈ ઉંમર નથી હોતી અને જો મનમાં અડગ લગન હોય તો કોઈ પણ ઉંમરે સપના સાકાર કરી શકાય છે' આ ઉક્તિને સાચા અર્થમાં ચરિતાર્થ કરી બતાવી છે કચ્છના ગોવિંદભાઈ કરશનભાઈ ભાનુશાલીએ. પારિવારિક પરિસ્થિતિના કારણે જેમનો અભ્યાસ ૪૭ વર્ષ પૂર્વે છૂટી ગયો હતો, તેવા ગોવિંદભાઈએ પ્રૌઢાવસ્થામાં ફરીથી કલમ પકડીને તાજેતરમાં જાહેર થયેલા ધોરણ-૧૦ના પરિણામમાં ૬૪.૫૦ ટકા ગુણ સાથે સફળતા મેળવી સમાજ સામે એક પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, ગોવિંદભાઈ ભાનુશાલીએ વર્ષ ૧૯૭૯માં ધોરણ-૭ પાસ કર્યું હતું, પરંતુ ત્યારબાદ નસીબના જોગે અને ઘરની જવાબદારીઓના કારણે તેમનો અભ્યાસ અધવચ્ચેથી જ અટકી ગયો હતો. જો કે, અંદરખાને રહી ગયેલી ભણવાની તીવ્ર ઈચ્છાને તેમણે ક્યારેય મરવા દીધી નહોતી. અંતે તેમણે રાષ્ટ્રીય મુક્ત વિદ્યાલયી શિક્ષા સંસ્થા દ્વારા ગત એપ્રિલ-૨૦૨૬માં લેવાયેલી ધોરણ-૧૦ની બોર્ડ પરીક્ષામાં ફોર્મ ભરીને ઉત્સાહભેર ભાગ લીધો હતો. ગત ૧૪ જૂન, ૨૦૨૬ના રોજ જાહેર થયેલા સત્તાવાર પરિણામમાં તેઓ ૬૪.૫૦ ટકા જેવા સન્માનજનક ગુણ સાથે ઉત્તીર્ણ જાહેર થતાં પરિવારમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો.
પોતાની આ અદ્ભુત સિદ્ધિ વિશે વાત કરતાં ગોવિંદભાઈએ જણાવ્યું હતું કે, આ મા આશાપુરાના આશીર્વાદ, અડગ આત્મવિશ્વાસ અને અવિરત સખત મહેનતનું જ પરિણામ છે. તેમણે પોતાની આ શૈક્ષણિક સફરમાં સિવિલ એન્જિનિયર તરીકે ફરજ બજાવતા પોતાના સુપુત્ર નરેશકુમાર ભાનુશાલીના ફાળાને વિશેષ યાદ કર્યો હતો. પરીક્ષાનું ફોર્મ ભરવાની ઓનલાઈન પ્રક્રિયાથી માંડીને અભ્યાસક્રમનું મટીરિયલ મેળવવું, ઘરમાં ભણાવવું અને પરીક્ષા કેન્દ્ર સુધી લાવવા-લઇ જવા સહિતની તમામ બાબતોમાં પુત્રએ ખડેપગે રહીને સાચો માર્ગદર્શક બન્યો હતો.
૪૭ વર્ષના મસમોટા સમયગાળા બાદ ફરીથી પુસ્તકો હાથમાં લઈને ધોરણ-૧૦ની પરીક્ષા પાસ કરનારા ગોવિંદભાઈ પર હાલ ડિજિટલ માધ્યમો અને સ્નેહીજનો તરફથી અભિનંદનની વર્ષા થઈ રહી છે. તેમની આ સિદ્ધિએ સાબિત કર્યું છે કે ઈચ્છાશક્તિ મજબૂત હોય તો ઉંમરનો આંકડો માત્ર એક સંખ્યા બનીને રહી જાય છે.
(ઉત્સવ વૈદ્ય)