Tue Jun 30 2026

Logo

વર્લ્ડ કપના ઇતિહાસનો એક મોટો અપસેટ, જર્મની આ નબળી ટીમ સામે હારી જતાં આઉટ

Houston/Boston   2026-06-30 12:52:00
Author: Ajay Motiwala
Article Image

બ્રાઝિલે જાપાનને 2-1થી હરાવ્યું: દિવસમાં બે પેનલ્ટી શૂટઆઉટ, મોરોક્કોએ નેધરલૅન્ડ્સને હરાવ્યું

હ્યુસ્ટન/બૉસ્ટન: ફિફા વર્લ્ડ કપના 96 વર્ષના ઇતિહાસમાં જોવા મળેલા તમામ મોટા અપસેટમાં મંગળવારના મુકાબલાનો ઉલ્લેખ અચૂક થશે, કારણકે એમાં ચાર વખત વર્લ્ડ ચેમ્પિયન બની ચૂકેલા જર્મનીનો પારાગ્વે જેવી નબળી ટીમ સામે પરાજય થયો હતો. 90 મિનિટના રેગ્યુલર ટાઈમમાં અને કુલ 30 મિનિટના એક્સ્ટ્રા ટાઈમમાં બંને ટીમ 1-1ની બરાબરમાં રહી હતી. ત્યાર પછી પરિણામ લાવવા પેનલ્ટી શૂટઆઉટ રાખવામાં આવ્યું હતું જેમાં ફિફા રેન્કિંગના 12મા નંબરના જર્મનીનો 38મા ક્રમના પારાગ્વે સામે 3-4થી પરાજય થયો હતો. જર્મની આ અગાઉ 2018 અને 2022ના વર્લ્ડ કપમાં લીગ સ્ટેજમાં જ બહાર થઈ ગયું હતું.

પારાગ્વેનો બદલો: જર્મની આ પહેલાં ક્યારેય...

2002માં જર્મનીએ પ્રી ક્વૉર્ટર ફાઇનલમાં પારાગ્વેને હરાવ્યું હતું જેનો બદલો પારાગ્વેએ હવે 24 વર્ષે લીધો છે. છેલ્લે 2014માં બ્રાઝિલમાં ફિફા વર્લ્ડ કપ જીતનાર જર્મની એના ફૂટબૉલ ઇતિહાસમાં ક્યારેય પણ વિશ્વ કપના નૉકઆઉટ રાઉન્ડમાં પેનલ્ટી શૂટઆઉટમાં નહોતું હાર્યું. જોકે આ વખતે પારાગ્વેએ એને 4-3થી હરાવીને એની ઐતિહાસિક પરંપરા તોડી છે. પારાગ્વે (Paraguay) ફૂટબૉલ વર્લ્ડ કપમાં જર્મનીને પેનલ્ટી શૂટઆઉટમાં હરાવનાર પ્રથમ દેશ બન્યો છે. જર્મની 2014માં ચેમ્પિયન બન્યા પછી નૉકઆઉટમાં ક્યારેય નથી જીત્યું.

જર્મન ટીમ પર ફૂટબૉલ લેજન્ડ ક્રોધિત

જર્મની (Germany)ના ફૂટબૉલ લેજન્ડ લૉથાર મેથ્યુસે ક્રોધિત થઈને વર્તમાન જર્મન ટીમના પર્ફોર્મન્સને ખૂબ વખોડ્યો છે. તેમણે એક મુલાકાતમાં કહ્યું કે ‘જે જર્મની માટે ફૂટબૉલના મેદાન પર હું લડ્યો હતો એ જર્મન ટીમની તુલનામાં વર્તમાન જર્મન ટીમની હાલત જુઓ કેવી છે! વર્લ્ડ કપમાં આવો પરાજય જરાય સાંખી ન લેવાય. જર્મન ટીમના દરેક પ્લેયર અને કોચે વિચારવું જોઈએ કે આટલું ખરાબ પર્ફોર્મ કેમ થયું! જર્મનીના નામને છાજે એવો તેમનો પર્ફોર્મન્સ હતો જ નહીં.

હૅવર્ટઝ હીરો પછી વિલન

મુખ્ય મૅચમાં પારાગ્વેના એન્કીસોએ 42મી મિનિટમાં ગોલ કર્યા પછી 54મી મિનિટમાં જર્મનીના હૅવર્ટઝે ગોલ કરીને સ્કોર 1-1થી બરાબરીમાં લાવી દીધો હતો. ત્યાર પછી મૅચના અંત સુધી અને એક્સ્ટ્રા ટાઈમમાં એકે ગોલ નહોતો થયો. જોકે પેનલ્ટી શૂટઆઉટમાં હૅવર્ટઝ ગોલ કરવામાં નિષ્ફળ જતાં જર્મન ટીમ અને એના અસંખ્ય ચાહકોએ નિરાશ થવું પડ્યું હતું.

આંકડા જર્મનીની તરફેણમાં, વિજય પારાગ્વેની ફેવરમાં

મંગળવારની મૅચમાં જર્મની પ્રભુત્વ જાળવવા છતાં છેવટે હારી ગયું હતું. મૅચ દરમ્યાન બૉલ 75% જર્મનીના અને માત્ર 25% પારગ્વેના કબજામાં રહ્યો હતો. જર્મનીને કુલ 16 અને પારાગ્વેને માત્ર છ પેનલ્ટી કોર્નર મળ્યા હતા. ગોલપોસ્ટ પર જર્મનીના કુલ 21 અને પારાગ્વેના ફક્ત ચાર શૉટ હતા. આ બધા આંકડા છતાં છેવટે જર્મનીએ પેનલ્ટી શૂટઆઉટમાં 3-4થી હાર જોવી પડી હતી.

નેમાર ન રમ્યો છતાં બ્રાઝિલ જીત્યું, જાપાન અનેક દિલ જીત્યું

ફિફા વર્લ્ડ કપના રોમાંચક નૉકઆઉટ રાઉન્ડમાં સોમવારે રાત્રે બ્રાઝિલે જાપાનને 2-1થી હરાવ્યું હતું. બ્રાઝિલનો સુપરસ્ટાર ખેલાડી નેમાર ઈજાને કારણે આ મૅચમાં નહોતો રમ્યો અને બીજા સ્ટાર ખેલાડી વિનિસિયસ જુનિયરને એકેય ગોલ નહોતો કરવા મળ્યો. જોકે 29મી મિનિટમાં જાપાનને કૈશુ સાનોએ 1-0થી સરસાઈ અપાવી ત્યાર પછી સેકન્ડ હાફ બાદ 56મી મિનિટમાં કૅસમિરોએ હેડરથી અદભુત ગોલ કરીને સ્કોર 1-1ની બરાબરીમાં લાવી દીધો હતો. મુખ્ય મૅચની 90 મિનિટ બાદ ઇન્જરી ટાઈમની છઠ્ઠી મિનિટમાં (મૅચ એક્સ્ટ્રા ટાઈમમાં જાય એની ક્ષણો પહેલાં) ગૅબ્રિયલ માર્ટિનેલીએ ગોલ કરીને બ્રાઝિલને 2-1થી વિજય અપાવ્યો હતો. જાપાન સામે બ્રાઝિલનો કુલ 15 મૅચમાં આ 12મો વિજય હતો. જાપાને સોમવારે હારી જવા છતાં અનેક લોકોના દિલ જીતી લીધા હતા.

1-1ની બરાબરી બાદ ખરો ખેલ

મંગળવારે સવારે સતત બીજા પેનલ્ટી શૂટઆઉટથી આવેલા પરિણામમાં મોરોક્કોએ નેધરલૅન્ડ્સને 3-2થી હરાવ્યું હતું. એ પહેલાં બંને ટીમ મુખ્ય મૅચમાં અને ત્યાર પછીના એક્સ્ટ્રા ટાઈમમાં 1-1ની બરાબરીમાં હતી. 72મી મિનિટમાં નેધરલૅન્ડ્સ વતી ગેકપોએ અને 91મી મિનિટમાં મોરોક્કો વતી ડિઓપે ગોલ કર્યો હતો.

નેધરલૅન્ડ્સ ત્રીજી વખત પણ પેનલ્ટીમાં હાર્યું

મોરોક્કોએ સતત બીજા વર્લ્ડ કપમાં યુરોપિયન ટીમને હરાવી છે. નેધરલૅન્ડ્સ લાગલગાટ ત્રીજા વર્લ્ડ કપમાં પેનલ્ટી શૂટઆઉટમાં હાર્યું છે. આ અગાઉ 2018 અને 2022ના વર્લ્ડ કપમાં આર્જેન્ટિના સામે એનો પરાજય થયો હતો.