Tue Oct 06 2026

Logo

મથુરા: યમુના એક્સપ્રેસ પર ભીષણ દુર્ઘટના: બસ-ટ્રકની ટક્કરમાં ચારના મોત, 25 ઘાયલ

2026-06-30 08:33:00
Author: Mumbai Samachar Team
મથુરા: યમુના એક્સપ્રેસ પર ભીષણ દુર્ઘટના: બસ-ટ્રકની ટક્કરમાં ચારના મોત, 25 ઘાયલ

મથુરા: યમુના એક્સપ્રેસવે પર ફરી એકવાર મોટો માર્ગ અકસ્માત સર્જાયો છે. માઈલસ્ટોન 112 અને 113 વચ્ચે મુસાફરોથી ભરેલી એક વોલ્વો બસ અને ટ્રેલર (ટ્રક) વચ્ચે થયેલી જોરદાર ટક્કરમાં 4 લોકોના કરુણ મોત થયા છે, જ્યારે અન્ય 25 મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા છે. પોલીસ અને વહીવટી તંત્રની ટીમે તાત્કાલિક પગલાં લઈને ઘટનાસ્થળે પહોંચી રાહત અને બચાવ કામગીરી હાથ ધરી હતી.

આ અકસ્માત મંગળવારે વહેલી સવારે આશરે સાડા ત્રણ વાગ્યે થયો હતો. પોલીસ અધિકારીઓની આગેવાનીમાં રેસ્ક્યૂ ઓપરેશન (બચાવ કામગીરી) ચલાવવામાં આવ્યું હતું. બસમાં ફસાયેલા તમામ 25 ઘાયલ મુસાફરોને બહાર કાઢીને તરત જ એમ્બ્યુલન્સ દ્વારા નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ચારેય મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યા છે.


લખનઉથી દિલ્હી જઈ રહી હતી બસ

અકસ્માતનો ભોગ બનેલી બસ લખનઉથી દિલ્હી જઈ રહી હતી. બિહારના રજીસ્ટ્રેશન નંબરવાળી આ ખાનગી (પ્રાઇવેટ) બસ મુસાફરોને લઈને દિલ્હી તરફ જઈ રહી હતી. તે જ સમયે, રાજસ્થાનના રજીસ્ટ્રેશન નંબરવાળો અને કપચી ભરેલો એક ટ્રેલર એક્સપ્રેસવેની ત્રીજી લેન પર જઇ રહ્યો હતો. પૂરપાટ ઝડપે આવી રહેલી બસ તેની પાછળ ઘૂસી ગઈ. આ ટક્કર એટલી જોરદાર હતી કે બસનો આગળનો ભાગ સંપૂર્ણપણે કચડાઈ (ક્ષતિગ્રસ્ત) ગયો અને ઘટનાસ્થળે ભયનો માહોલ ફેલાઈ ગયો.


મૃતકોની હજી સુધી ઓળખ થઈ શકી નથી

અકસ્માતમાં જીવ ગુમાવનારા ચારેય લોકોની હજી સુધી ઓળખ થઈ શકી નથી. પોલીસ તેમની પાસેથી મળેલા દસ્તાવેજો અને સામાનના આધારે ઓળખ કરવાના પ્રયાસો કરી રહી છે, જેથી તેમના પરિવારજનોને વહેલી તકે જાણ કરી શકાય.

કેટલાક ઘાયલ મુસાફરોની હાલત ગંભીર

પ્રાથમિક તપાસમાં અકસ્માતનું કારણ ડ્રાઇવરને જોકું (ઊંઘ) આવવાનું માનવામાં આવી રહ્યું છે. ઘાયલ મુસાફરોમાંથી કેટલાક લોકોની હાલત ખૂબ જ ગંભીર છે. પોલીસે એમ્બ્યુલન્સ દ્વારા તમામ ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કર્યા છે.