ગાંધીનગરઃ ગુજરાતમાં ભાજપના મહિલા નેતાના પતિએ જાહેરમાં જ મિત્રની ધોલાઈ કરી નાંખી હતી. હિસાબની લેતી દેતી મુદ્દે આ માથાકૂટ થઈ હતી.
જાણો શું છે સમગ્ર મામલો
મળતી વિગત પ્રમાણે, કલોલ નગરપાલિકાના વોર્ડ નંબર 8ના ભારતીય જનતા પાર્ટીના મહિલા કોર્પોરેટર રેખાબેન નાયકના પતિ તુષાર નાયકનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં તેઓ તેમના મિત્રની ધોલાઈ કરતાં નજરે પડી રહ્યા છે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, આ આખો ઝઘડો જમીન અથવા વ્યાજના પૈસાની લેતી-દેતીના કારણે થયો હતો. વીડિયોમાં જે વ્યક્તિ જોવા મળી રહ્યો છે તેણે કોર્પોરેટરના પતિ તુષાર નાયક પાસેથી પૈસા લીધા હતા. આ પૈસા પાછા મેળવવા માટે તુષાર નાયકે કાયદો હાથમાં લીધો હતો. વીડિયોમાં ચોખ્ખું દેખાય છે કે સત્તાના જોરે કોર્પોરેટરના પતિ કેવી રીતે એક સામાન્ય માણસ પર રોફ જમાવી રહ્યા છે અને તેની મજબૂરીનો ફાયદો ઉઠાવીને જાહેરમાં મારપીટ કરી રહ્યા છે.
હાલમાં આ વીડિયો ભારે ચર્ચાનો વિષય બન્યો છે અને લોકો સોશિયલ મીડિયા પર આરોપી સામે કડક પગલાં લેવાની માંગ કરી રહ્યા છે. આ મામલે કોર્પોરેટના પતિ તુષાર નાયકે જણાવ્યું સામેવાળો માણસ મારો મિત્ર જ છે. હિસાબ બાબતે થોડી માથાકૂટ થઈ હતી, પણ હવે બધું પતી ગયું છે. આ વીડિયો વીસેક દિવસ જૂનો છે, જે અત્યારે વાયરલ થયો છે.