તાજેતરમાં ઉદ્યોગપતિ અનંત અંબાણીએ તિરૂપતિ બાલાજી (ભગવાન વેંકટેશ્વર)ના દર્શન કરી પોતાના કેશ અર્પણ કર્યા, ત્યારે આ પ્રાચીન ધાર્મિક પરંપરા ફરી એકવાર દેશભરમાં ચર્ચાનું કેન્દ્ર બની છે. અબજોની સંપત્તિ ધરાવતા પરિવારના સભ્ય જ્યારે સામાન્ય ભક્તની જેમ લાઈનમાં ઊભા રહીને મુંડન કરાવે છે, ત્યારે તે સાબિત કરે છે કે ઈશ્વરના દરબારમાં દરેક વ્યક્તિ માત્ર એક સામાન્ય સેવક છે. તિરૂપતિ મંદિરમાં કેશદાન એ માત્ર એક પ્રથા નથી, પરંતુ તેની પાછળ ઊંડી ધાર્મિક આસ્થા, પૌરાણિક કથાઓ અને મનોવૈજ્ઞાનિક રહસ્યો છુપાયેલા છે. આજે આપણે આ સ્ટોરીમાં આ વિશે વિસ્તારથી જાણી લઈશું...
શા માટે કરાય છે કેશદાન?
આ પરંપરા પાછળ એક અત્યંત રોચક અને પવિત્ર પૌરાણિક કથા જોડાયેલી છે. એવું માનવામાં આવે છે કે કલિયુગમાં ભગવાન વેંકટેશ્વર જ્યારે પૃથ્વી પર પ્રગટ થયા, ત્યારે એક અકસ્માતમાં તેમના માથા પર ઈજા થઈ હતી અને ત્યાંથી થોડા વાળ ખરી પડ્યા હતા.
એ સમયે લિલાવતી નામની એક ગંધર્વ રાજકુમારી (કેટલીક કથાઓમાં નીલા દેવી તરીકે ઉલ્લેખ) એ ભગવાનના માથા પરનો આ ઘા જોયો. તેમણે તત્કાલ પોતાના સુંદર વાળ કાપીને ભગવાન વેંકટેશ્વરના માથાના ઘા પર લગાવી દીધા. ભગવાનની ઈજા તરત જ રૂઝાઈ ગઈ. આ ત્યાગથી પ્રસન્ન થઈને ભગવાને વરદાન આપ્યું કે, જે કોઈ ભક્ત મારા ચરણોમાં આવીને પોતાના કેશ અર્પણ કરશે, તેની તમામ મનોકામનાઓ પૂર્ણ થશે અને તેના વાળની શોભા સદાકાળ રહેશે. આ દેવીના નામ પરથી જ તિરૂમાલાની ટેકરીઓ પૈકીની એક ટેકરીનું નામ 'નીલાદ્રી' રાખવામાં આવ્યું છે, જ્યાં આજે પણ કેશદાન થાય છે.
અતૂટ શ્રદ્ધા: અનંત અંબાણીએ તિરુપતિમાં મુંડન કરાવી હાથીઓને જમાડ્યા! Anant Ambani Video
— Mumbai Samachar Official (@Samachar_Mumbai) June 28, 2026
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અનંત અંબાણીએ આંધ્ર પ્રદેશના તિરુમલામાં આવેલા ભગવાન શ્રી વેંકટેશ્વર (બાલાજી) મંદિરમાં દર્શન કરી વિશેષ પૂજા-અર્ચના કરી હતી. અહીંના મંદિરની પરંપરા… pic.twitter.com/xBftpjr5dg
કેશદાનનું આધ્યાત્મિક મહત્વ: અહંકારનો નાશ
માનવ શરીરમાં વાળને સુંદરતા અને વ્યક્તિગત આકર્ષણનું પ્રતીક માનવામાં આવે છે. મનુષ્યને પોતાના દેખાવ અને વાળ પર અજાણતા જ ગર્વ કે અહંકાર થઈ જતો હોય છે. તિરૂપતિમાં કેશદાન કરવાનો અર્થ એ છે કે ભક્ત પોતાનો અહંકાર, ઘમંડ અને મોહ-માયા ભગવાનના ચરણોમાં છોડીને જઈ રહ્યો છે. રાજા હોય કે રંક, તિરૂપતિના કલ્યાણકટ્ટા (મુંડન ગૃહ)માં દરેક વ્યક્તિ જમીન પર બેસીને મુંડન કરાવે છે. આ પ્રક્રિયા ભક્તને વિનમ્ર બનાવે છે.
આધ્યાત્મિક વિજ્ઞાન અને માનતા
ઘણા શ્રદ્ધાળુઓ પોતાની કોઈ વિશેષ મનોકામના પૂર્ણ થતા અહીં વાળ ઉતરાવે છે, તો ઘણા ભક્તો જીવનમાં આવેલી મુશ્કેલીઓ કે પાપોના પ્રાયશ્ચિત સ્વરૂપે કેશ અર્પણ કરે છે. એવું માનવામાં આવે છે કે વાળ આપવાથી વ્યક્તિના નકારાત્મક વિચારો દૂર થાય છે અને તેના જીવનમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે.
તિરૂપતિ દેવસ્થાનમનું અદભુત વ્યવસ્થાપન
તિરૂપતિમાં રોજ હજારો-લાખો લોકો કેશદાન કરે છે. આ માટે તિરૂમાલા તિરૂપતિ દેવસ્થાનમ દ્વારા 'કલ્યાણકટ્ટા' નામના વિશાળ કેન્દ્રો બનાવવામાં આવ્યા છે. જ્યાં ચોવીસેય કલાક સેંકડો વાળંદ સેવા આપે છે, જેમાં મહિલા ભક્તો માટે મહિલા હજામની પણ વ્યવસ્થા હોય છે. આખી પ્રક્રિયા અત્યંત સ્વચ્છ અને સેનિટાઈઝ્ડ વાતાવરણમાં થાય છે. એકઠા થયેલા વાળનું ગ્લોબલ લેવલ પર ઓક્શન કરવામાં આવે છે, જેનાથી થતી કરોડો રૂપિયાની આવકનો ઉપયોગ મંદિર ટ્રસ્ટ દ્વારા ગરીબોની સારવાર, શિક્ષણ અને અન્નદાન જેવા સામાજિક કાર્યોમાં થાય છે.
અત્રે ઉલ્લેખનીય છે તે અનંત અંબાણી જેવી સેલિબ્રિટીઝ જ્યારે આ પરંપરાને અનુસરે છે, ત્યારે તે આધુનિક પેઢીને આપણી સનાતન સંસ્કૃતિના મૂળિયાં સાથે જોડે છે. તિરૂપતિમાં કેશદાન એ માત્ર વાળ કાપવાની ક્રિયા નથી, પરંતુ ઈશ્વર પ્રત્યે અખંડ શ્રદ્ધા, કૃતજ્ઞતા અને 'હું કંઈ જ નથી, જે છે તે ઈશ્વર જ છે' તેવા પરમ સત્યનો સ્વીકાર છે.