નવી દિલ્હી: આતંકવાદને પોતાની રાષ્ટ્રીય નીતિનો હિસ્સો બનાવનારા અને આતંકવાદીઓનો ઉછેર કરનારા પાડોશી દેશ પાકિસ્તાને ફરી એકવાર પોતાની હેસિયત કરતાં વધુ મોટું નિવેદન આપ્યું છે. પહેલગામમાં થયેલા કાયરતાપૂર્ણ આતંકવાદી હુમલા બાદથી જ ભારતે સ્પષ્ટ કરી દીધું છે કે 'લોહી અને પાણી એક સાથે ન વહી શકે'. ભારતે સિંધુ જળ કરાર (IWT) ને સ્થગિત (મોકૂફ) કરી દીધો છે.
આવા સમયમાં, પાણીના એક-એક ટીપાં માટે તરસી રહેલા પાકિસ્તાને વધુ એક પોકળ ધમકી આપી છે. પાકિસ્તાનના જળવાયુ પરિવર્તન મંત્રી મુસાદિક મલિકે કહ્યું છે કે, "જે કોઈ અમારા પાણી પર હાથ નાખશે, અમે એ હાથ જ કાપી નાખીશું."
મુસાદિક મલિકનો દાવો છે કે તેઓ સિંધુ જળ કરારના મુદ્દાને ન્યાય, મૂળભૂત અધિકારો અને નદીના પ્રવાહની દિશામાં નીચે તરફ આવેલા દેશોના પાણીના અધિકારની સુરક્ષા સાથે જોડાયેલી એક વૈશ્વિક બાબત તરીકે રજૂ કરી રહ્યા છે.
"ભલે પાણી છૂટી જાય, પણ આમનાથી આતંકવાદ નહીં છૂટે"
મુસાદિક મલિકે સિંધુ નદીને એક એવા નળ સાથે સરખાવી, "જેનું હેન્ડલ આપણા પાડોશી દેશના વડાપ્રધાનના હાથમાં છે, જેઓ કહે છે કે પાકિસ્તાનમાં પાણીનું એક ટીપું પણ જવા દેવામાં નહીં આવે." મલિકના જણાવ્યા અનુસાર, પાકિસ્તાનની 40% થી 50% વસ્તી રોજીરોટી માટે ખેતી પર નિર્ભર છે, આ ક્ષેત્ર દેશના અર્થતંત્રમાં 20% થી 25% સુધીનો ફાળો આપે છે, અને પાકિસ્તાનની ખાદ્ય સુરક્ષા (અનાજની સુરક્ષા) સંપૂર્ણપણે પાણીની ઉપલબ્ધતા પર જ આધારિત છે.
ભારતનું વલણ એકદમ સ્પષ્ટ
ગયા વર્ષે 22 એપ્રિલના રોજ જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલાના એક દિવસ પછી, ભારતે પાકિસ્તાન વિરુદ્ધ કેટલાય કડક પગલાં લીધાં હતાં, જેમાં 1960ના સિંધુ જળ કરારને સ્થગિત (મોકૂફ) કરવાનો પણ સમાવેશ થાય છે. વર્લ્ડ બેંકની મધ્યસ્થતાથી થયેલો આ કરાર 1960થી ભારત અને પાકિસ્તાન વચ્ચે સિંધુ નદી અને તેની સહાયક નદીઓના પાણીની વહેંચણી તેમજ તેના વપરાશનું નિયંત્રણ કરતો આવ્યો છે. હવે ભારતે સ્પષ્ટ કરી દીધું છે કે જ્યાં સુધી પાકિસ્તાન આતંકવાદનો રસ્તો નહીં છોડે, ત્યાં સુધી તેને પાણી આપવામાં નહીં આવે. હવે ભારતની જેવી ઈચ્છા હશે, તે રીતે સિંધુના પાણીનો ઉપયોગ કરવામાં આવશે.