(અમારા પ્રતિનિધિ તરફથી)
આહવા: દક્ષિણ ગુજરાતમાં ખાબકેલા અતિભારે વરસાદના પરિણામે ડાંગ જિલ્લાનું કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યું છે. પ્રખ્યાત ગિરા ધોધ પરથી વહેતા ગર્જના કરતા જળપ્રવાહ અને સાપુતારા સહિતના હિલ સ્ટેશનો પર સર્જાયેલા આહલાદક વાતાવરણની મજા માણવા મોટી સંખ્યામાં મુસાફરો પહોંચી રહ્યા છે. જોકે, આ વરસાદે પ્રકૃતિની સુંદરતાની સાથે જિલ્લામાં કેટલીક ગંભીર મુશ્કેલીઓ પણ સર્જી છે. ભારે વરસાદને કારણે જાણીતા પ્રવાસન સ્થળ 'ડોન હિલ સ્ટેશન' તરફ જવાના માર્ગ પર ભૂસ્ખલન થતાં રસ્તો અવરોધાયો હતો. ઘટનાની જાણ થતાં જ માર્ગ અને મકાન વિભાગે તાત્કાલિક ધોરણે ધસી આવેલા માટી-પથ્થરો દૂર કરી માર્ગને પુનઃ વાહનવ્યવહાર માટે ખુલ્લો કર્યો હતો.
હાલ ડાંગમાં વરસાદનું જોર ઘટતાં મોટાભાગના રસ્તાઓ ખુલ્લા થઈ ગયા છે, પરંતુ સુરક્ષાના કારણોસર અત્યારે 7 રસ્તાઓ બંધ રાખવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું. જેમાં ખાતળ ફાટક ટુ ઘોડી રોડ, માછળી ચિખલા દિવડયાવન રોડ, આહેરડી બોરદહાડ રોડ, ઘોડવહળ વી.એ. રોડ, ધાગડી કાનાત ફળિયા રોડ, મોટીદાબદર લહાનદાબદર નાનાપાડા રોડ અને ભદરપાડા ચિંચોડ રોડનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત, રાષ્ટ્રીય ધોરીમાર્ગ 953 પર સાપુતારા ઘાટ અને સાપુતારા-માલેગામ રોડ પર સંરક્ષણ દિવાલ (પ્રોટેક્શન વોલ) ધસી પડવાની ઘટના બની હતી. તંત્ર દ્વારા સ્થળ મુલાકાત લઈ પરિસ્થિતિની સમીક્ષા કરવામાં આવી છે અને વાહનચાલકોની સલામતી માટે માટીના ઢગલા, સંપૂર્ણ બેરીકેટીંગ, 'વાહન ધીમે ચલાવો'ના ચેતવણી બોર્ડ, બ્લિન્કર લાઈટ તથા સોલાર લાઈટ મૂકી ટ્રાફિક વ્યવસ્થા સુચારુ કરી દેવાઈ છે.
The Monsoon Capital of Gujarat
— Arjun Modhwadia (@arjunmodhwadia) July 26, 2026
Can you guess the location? 📍
Drop your answer in the comments! 👇 pic.twitter.com/MOYmiElHTw
બીજી તરફ, આ અતિભારે વરસાદની અસર હેઠળ પશુધનને ભારે નુકસાન પહોંચ્યું હતું. ડાંગ જિલ્લાના આહવા તાલુકાના ઘોઘલી ગામે ભારે વરસાદને કારણે એક દુર્ભાગ્યપૂર્ણ ઘટના સામે આવી હતી, જેમાં 21 પશુઓના મોત નોંધાયા હતા. આ ઘટનાથી સ્થાનિક પશુપાલકોમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી. હાલ જિલ્લા તંત્ર દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં સતત દેખરેખ રાખવામાં આવી રહી છે અને નાગરિકોને પણ સલામત સ્થળે રહેવા તથા મુસાફરી દરમિયાન તકેદારી રાખવા અપીલ કરવામાં આવી છે.