Tue Jun 30 2026

Logo

ગુજરાતમાં ક્યાં 8 સ્થળે નવી જીઆઈડીસી બનાવવા કરાઈ જાહેરાત ?

2026-06-30 11:43:00
Author: Mumbai Samachar Team
Article Image

અમદાવાદઃ રાજ્યના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સની વડોદરામાં યોજાયેલી ચોથી કડીમાં વિવિધ જિલ્લાઓમાં 8 નવી ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (જીઆઈડીસી)ની સ્થાપનાની જાહેરાત કરી હતી. 

રાજ્યના સર્વાંગી ઔદ્યોગિક વિકાસને વધુ ગતિ આપવા આ સ્માર્ટ એસ્ટેટ્સ દ્વારા આધુનિક સુવિધાઓ, સક્ષમ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને રોકાણ માટે અનુકૂળ વાતાવરણ ઉપલબ્ધ કરાવવામાં આવશે. ખેડા, અમદાવાદ, પંચમહાલ, છોટાઉદેપુર અને ભાવનગર જિલ્લામાં ૩,૬૧૧ એકર વિસ્તારમાં સ્માર્ટ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ્સ કાર્યરત થશે. 

તદઅનુસાર, ખેડા જિલ્લાના મહિજ જીઆઇડીસીને ૧૩૦.૩ એકર વિસ્તારમાં, કઠલાલ તાલુકાના સરખેજ જીઆઇડીસીને ૩૩૨.૭ એકર વિસ્તાર, મહુધા તાલુકાના મહિસા જીઆઇડીસીને ૧૮.૫ એકર, ગળતેશ્વર તાલુકાના અંઘાડી જીઆઇડીસીને ૩૧૦.૯ એકર વિસ્તારમાં વિકસાવવામાં આવશે. 

આ ઉપરાંત અમદાવાદ જિલ્લાના માંડલ જીઆઇડીસીને ૫૧૫.૨ એકર વિસ્તારમાં, પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના નદીસર જીઆઇડીસીને ૧૦૫.૫ એકર વિસ્તારમાં, છોટાઉદેપુર જિલ્લાના જેતપુર પાવી તાલુકાના ઉંડવા જીઆઇડીસીને ૨૪૭.૧ એકર વિસ્તારમાં અને ભાવનગર જિલ્લાના વલ્ભીપુર તાલુકાના મોણપુર જીઆઇડીસીને ૧૯૫૦.૭ એકર વિસ્તારમાં નવા સ્માર્ટ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ્સ તરીકે વિકસાવવાની જાહેરાત કરવામાં આવી હતી. 

આ જાહેરાત અંતર્ગત ગુજરાતના વિવિધ જિલ્લાઓ મળી કુલ ૩૬૧૧ એકર વિસ્તારમાં નવા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ્સ વિકસાવવામાં આવશે. આ આયોજનથી મધ્ય ગુજરાતમાં ઔદ્યોગિક રોકાણને વેગ મળશે, રોજગારીની નવી તકો ઊભી થશે તેમજ સ્થાનિક વિકાસને પ્રોત્સાહન મળશે.

રાજ્ય સરકારની આ પહેલનો મુખ્ય ઉદ્દેશ ઉદ્યોગો માટે પ્લગ-એન્ડ-પ્લે સુવિધાઓ સાથે સુવ્યવસ્થિત ઔદ્યોગિક વિસ્તારોનું નિર્માણ, રોકાણકારોને સરળતા અને સ્થાનિક યુવાનો માટે રોજગારીની નવી તકો ઊભી કરવાનો છે.