Tue Jun 30 2026

Logo

મુંબઈ-નવી મુંબઈમાં મેઘરાજાની ધમાકેદાર વાપસી: વાશી APMC Maket પાણીમાં ગરકાવ, સાયન-પનવેલ હાઈવે પર ટ્રાફિક જામ

2026-06-30 11:45:00
Author: Darshana Visaria
Article Image

નવી મુંબઈ: મુંબઈ અને તેની આસપાસના વિસ્તારોમાં ચોમાસાની ધમાકેદાર વાપસી થઈ છે. રાતભર પડેલા ધોધમાર વરસાદને કારણે આર્થિક નગરી મુંબઈ અને નવી મુંબઈના અનેક વિસ્તારો જલમગ્ન બન્યા છે. ભારે વરસાદની સૌથી વધુ માઠી અસર નવી મુંબઈના વાશી સ્થિત પ્રખ્યાત APMC (કૃષિ ઉત્પન્ન બજાર સમિતિ) માર્કેટ અને વાહનવ્યવહાર પર જોવા મળી રહી છે. હવામાન વિભાગે પરિસ્થિતિને જોતા મુંબઈ અને કોંકણ વિસ્તાર માટે આજે 'ઓરેન્જ એલર્ટ' જાહેર કર્યું છે.

નવી મુંબઈના વાશીમાં આવેલ એશિયાના સૌથી મોટા ગણાતા APMC માર્કેટ પરિસરમાં રાતભરના વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. શાકભાજી, ફળ અને અનાજ બજારમાં અનેક જગ્યાએ ઘૂંટણ સમાણા પાણી ભરાઈ ગયા છે. આ પ્રતિકૂળ પરિસ્થિતિ વચ્ચે પણ વેપારીઓ, શ્રમિકો અને ગ્રાહકોને પાણીમાંથી રસ્તો કાઢીને કામ કરવાની ફરજ પડી રહી છે. માર્કેટમાં પાણી ભરાઈ જવાથી કરોડો રૂપિયાના વેપાર પર માઠી અસર પડી છે અને ખેડૂતો તેમજ વેપારીઓને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.

વરસાદના કારણે માત્ર જનજીવન જ નહીં, પરંતુ વાહનવ્યવહાર પણ સંપૂર્ણપણે ખોરવાઈ ગયો છે. મુંબઈ અને નવી મુંબઈને જોડતા મુખ્ય સાયન-પનવેલ મહામર્ગ (Highway) પર વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે. મુસળધાર વરસાદ, રસ્તાના ચાલતા કામો અને અચાનક વાહનોની સંખ્યા વધી જવાથી વાહનચાલકો કલાકો સુધી ટ્રાફિક જામમાં અટવાયા હતા. મરીન ડ્રાઈવ સહિત મુંબઈના સબર્બ્સ વિસ્તારોમાં પણ સવારથી જ ભારે વરસાદ ચાલુ છે.

હવામાન વિભાગ (IMD)ના જણાવ્યા અનુસાર, મુંબઈ, નવી મુંબઈ અને સમગ્ર કોંકણ પટ્ટામાં આગામી 24 કલાક દરમિયાન હજુ પણ ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના છે, જેને પગલે 'ઓરેન્જ એલર્ટ' જારી કરવામાં આવ્યું છે.

સ્થાનિક વહીવટી તંત્ર અને પાલિકા પ્રશાસન દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને પાણીના નિકાલ માટે પંપ તૈનાત કરવામાં આવ્યા છે. જોકે, સતત વરસી રહેલા વરસાદને કારણે નાગરિકો, નોકરિયાતો અને વેપારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.