Tue Jun 30 2026

Logo

IPL ક્રિકેટરે સાવ ફાલતુ વાતમાં IPS પિતા સાથે મળીને રસોઈયાને ફટકાર્યો, કોણ છે આ ક્રિકેટર ?

2026-06-30 10:38:00
Author: Mumbai Samachar Team
Article Image

ભોપાલ: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ના ક્રિકેટર શશાંક સિંહ અને તેમના પિતા તથા નિવૃત્ત IPS અધિકારી શૈલેષ સિંહ પર ગંભીર આરોપો લાગ્યા છે. ભોપાલ પોલીસે પોતાના ઘરના રસોઈયા (કૂક) સાથે મારપીટ કરવા, ગાળાગાળી કરવા અને તેને ગેરકાયદેસર રીતે બંધક બનાવી રાખવાના આરોપમાં બંને વિરૂદ્ધ ગુનાહિત કેસ દાખલ કર્યો છે.

આ મામલામાં પરિવારના ડ્રાઈવરને પણ સહ-આરોપી બનાવવામાં આવ્યો છે. આ સમગ્ર ઘટના ભોપાલના રાતીબડ પોલીસ સ્ટેશન વિસ્તારના મેંદોરી ગામમાં આવેલા તેમના નિવાસસ્થાનની છે. મૂળ રીવા જિલ્લાના રહેવાસી અને 31 વર્ષના ભોગ બનનાર રસોઈયા વિપેન્દ્ર સિંહ તોમરે પોલીસમાં આ અંગે લેખિત ફરિયાદ નોંધાવી છે.

વિપેન્દ્રના જણાવ્યા અનુસાર, તાજેતરમાં જ એક ઓળખીતા વ્યક્તિ દ્વારા તેમને દર મહિને ₹15,000 પગાર, રહેવા-જમવાની સગવડ અને ભવિષ્યમાં સરકારી નોકરી અપાવવાની ખાતરી આપીને, પૂર્વ પોલીસ અધિકારીના 'નીલ બડ' બંગલા પર કામ માટે લાવવામાં આવ્યા હતા. ફરિયાદમાં એવો આરોપ લગાવવામાં આવ્યો છે કે કામ શરૂ કર્યાના ગણતરીના કલાકોમાં જ જમવાની ગુણવત્તા (ક્વોલિટી) બાબતે તેમના પર ભારે માનસિક દબાણ કરવામાં આવ્યું અને ગાળાગાળી કરવામાં આવી હતી.

રૂમમાં બંધ થઈને જીવ બચાવ્યો

ભોગ બનનાર રસોઈયાના જણાવ્યા અનુસાર, જ્યારે તેણે ઘરનું ખરાબ વાતાવરણ જોઈને નોકરી છોડવાની અને પાછા રીવા લોટી જવાની ઈચ્છા વ્યક્ત કરી, ત્યારે આરોપીઓ ગુસ્સે થઈ ગયા. તેનો મોબાઈલ ફોન પણ બળજબરીથી પડાવી લેવામાં આવ્યો જેથી તે કોઈનો સંપર્ક ન કરી શકે અને તેના પર પરાણે કામ કરવાનું દબાણ કરવામાં આવ્યું.

પોતાનો જીવ બચાવવા માટે રસોઈયાએ પોતાને એક રૂમમાં બંધ કરી દીધો હતો, પરંતુ આરોપ છે કે પિતા-પુત્રની જોડી અને તેમના ડ્રાઈવરે દરવાજો ખોલીને તેની સાથે નિર્દયતાથી મારપીટ કરી. પોલીસ દ્વારા કરાવવામાં આવેલા મેડિકલ ટેસ્ટમાં ભોગ બનનારના ચહેરા અને શરીર પર ઈજાના નિશાન મળી આવ્યા છે, જેનાથી મારપીટ થઈ હોવાની પુષ્ટિ થઈ છે.

ભારતીય ન્યાય સંહિતા (BNS) હેઠળ ગુનો દાખલ

રાતીબડ પોલીસે ઔપચારિક ફરિયાદ અને મેડિકલ રિપોર્ટના આધારે એફઆઈઆર (FIR) નોંધી લીધી છે. આ ગુનો ભારતીય ન્યાય સંહિતા (BNS) ની સંબંધિત કલમો હેઠળ દાખલ કરવામાં આવ્યો છે, જેમાં કલમ 296(B) (અશ્લીલ કૃત્ય અને જાહેર સ્થળે ગાળાગાળી કરવી), કલમ 115(2) (સ્વૈચ્છિક રીતે ઈજા પહોંચાડવી/મારપીટ કરવી) અને કલમ 3(5) (સંયુક્ત ગુનાહિત જવાબદારી) નો સમાવેશ થાય છે.