રશ્મિ શુકલ
ઓફિસમાં સતત કોમ્પ્યુટર સામે બેસીને કામ કરવું અને કલાકો સુધી એકસરખું કામ કરવાને કારણે સર્વાઇકલ સ્પોન્ડિલાઇટીસની સમસ્યા વકરી છે. એને કારણે ડોકમાં દુખાવો અને ખભાના સ્નાયુઓ પર દબાણ આવે છે. એથી ધીમે ધીમે દર્દમાં વધારો થાય છે અને ક્યારેક ચક્કર પણ આવે છે.
સર્વાઇકલ સ્પોન્ડિલાઇટીસના લક્ષણ:
1. અસહ્ય દર્દ: સવારે જાગતાંની સાથે જ ડોકમાં દુખાવો ઊપડે અને જકડાઈ જાય છે. લાંબા સમય સુધી એક જ સ્થિતિમાં બેસી રહેવાથી આ તકલીફ થાય છે.
2. અવાજ આવવો: ડોકને ડાબી-જમણી અને ઉપર-નીચે ફેરવવાની સાથે હાડકામાંથી અવાજ આવે છે.
3. માથાનો દુખાવો: સામાન્ય રીતે પાછળના ભાગથી દુખાવો શરૂ થઈને એ માથા સુધી પહોંચે છે.
4. નબળાઈ: સ્નાયુમાં કમજોરી આવી જવી, જેનાથી હાથમાં પકડેલી કોઈ વસ્તુ છૂટી જાય છે.
5. સંતુલન ગુમાવવું: ચાલતી વખતે શરીરનું સંતુલન ગુમાઈ જાય છે અને લથડતા ચાલવું પડે છે. શું તમે પણ આવી કોઈ તકલીફમાંથી પસાર થઈ રહ્યા છો તો તમારી ખુરશી પર બેસીને જ સરળ એક્સરસાઇઝ કરીને આ દુખાવામાંથી તમને થોડી રાહત મળી શકે છે. તો શું છે આ કસરત આવો જાણીએ...
નેક રોટેશન: આ કસરતથી જકડાઈ ગયેલી ડોકને આરામ મળે છે. આના માટે ખુરશી પર સીધા બેસી જાઓ. પછી ડોકને ધીરેધીરે જમણી તરફ ફેરવો અને થોડી સેકેન્ડ્સ માટે થોભો. પછી ધીરેધીરે સામાન્ય સ્થિતિમાં આવો અને ડોકને ડાબી બાજુ ફેરવો અને નીચે તરફ નમો. આ ક્રમને 5થી 10 વખત કરો. યાદ રાખવું ડોકને ઝડપથી કે ઝટકાથી ના ફેરવો.
શોલ્ડર રોલ: સતત ટાઇપિંગનું કામ કરવાથી સ્નાયુઓ અકડાઈ જાય છે. એને ઠીક કરવા માટે કરોડરજ્જુને સીધી કરીને બેસવું. હવે બન્ને ખભાને એક સાથે ઉપર ઉઠાવો અને એને ગોળ ફેરવતાં પાછળની તરફ લઈ જાઓ. દસ વખત આવું કરો. ઊલટી દિશામાં પણ દસ વખત આવું કરો. એનાથી ખભા અને પીઠ પરનું દબાણ ઓછું થાય છે.
- આવી તકલીફની જાણ જો શરૂઆતમાં જ થાય તો યોગ્ય સમયે યોગ્ય સારવાર લેવાથી રાહત મળી શકે છે.